બોટાદ પંથકના જાહેર માર્ગ બંધ કરવા તથા ટ્રાફિકને ડાયવર્ટ કરવા અંગે જાહેરનામુ

Updated: Apr 6th, 2023


Google NewsGoogle News
બોટાદ પંથકના જાહેર માર્ગ બંધ કરવા તથા ટ્રાફિકને ડાયવર્ટ કરવા અંગે જાહેરનામુ 1 - image


- હનુમાન જંયતિના તહેવારને અનુલક્ષીને 

- ગુંદા ચોકડીથી ભરવાડ વાસના નાકા સુધીના મેઇન રોડ પર વાહન સદંતર બંધ રહેશે 

બોટાદ : આવતીકાલ તા.૬,૪ ના રોજ હનુમાન જંયતિના તહેવાર દરમ્યાન સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ગુજરાતના શહેરો,ગ્રામ્ય તથા આજુબાજુના રાજયના આશરે ૫ થી ૭ લાખ શ્રધ્ધાળુઓ સાળંગપુરમાં બાય રોડ આવતા હોય ટ્રાફિક સમસ્યા નિવારવા અને માર્ગ અકસ્માત અટકાવવા તેમજ લોકોને વાહન વ્યવહારમાં સરળતા રહે તે માટે જાહેર માર્ગ મોટા વાહન માટે બંધ કરવા, વાહનોના ટ્રાફિકને ડાયવર્ટ કરવા અંગે બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ તેમને મળેલી સત્તાની રૂએ બોટાદ જિલ્લાના રસ્તા ઉપર વાહનોને પસાર થવાનો હુકમ ફરમાવ્યો છે.

આ જાહેરનામામા દર્શાવ્યાં મુજબ વાહનોના પ્રવેશ માટે અમદાવાદ, ધંધુકા અને બરવાળા તરફથી તથા ભાવનગર,વલ્લભીપુર તરફથી આવતા વાહનો બોટાદ તરફ જવા માટે કેરીયાઢાળ, લાઠીદડ, જયોતીગ્રામ સર્કલ(બોટાદ) તરફ વાહનો પસાર કરવાના રહેશે. બોટાદથી અમદાવાદ તરફ જવા વાહનો માટે બોટાદ, રાણપુર મિલેટ્રી રોડથી રાણપુર, ધંધુકા થઇ પસાર થવાનું રહેશે. બોટાદથી બરવાળા તરફ જતાં વાહનો માટે સેંથળી, સમઢીયાળા, લાઠીદડ, કેરીયા ઢાળ થઇ પસાર થવાનું રહેશે. તેવી જ રીતે પ્રવેશ નિષેધ માટે અમદાવાદ, ધંધુકા, બરવાળા તરફથી તથા ભાવનગર, વલ્લભીપુર તરફથી સાળંગપુર,બોટાદ તરફ જતાં વાહનો માટે બરવાળા,સાળંગપુર પોઇન્ટથી પ્રવેશ નિષેધ રહેશે. કાર્યક્રમના સ્થળથી ૧ કિ.મી.ની ત્રિજયામાં જમીનથી આકાશ તરફ ઉડાડવામાં આવતા ડ્રોન, તુકકલ, ફૂગા અને પતંગ ઉડાડાવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. ગુંદા ચોકડીથી ભરવાડ વાસના નાકા સુધીના મેઇન રોડ પર વાહન સદંતર બંધ રહેશે અને આ રોડ પર માત્ર પેદલ ચાલીને જવાનું રહેશે. અપવાદ રૂપે ઇમરજન્સી સેવાઓના વાહનોને આ જાહેરનામાંમાંથી મુક્તિ અપાઈ છે.આ હુકમ, જાહેરનામાનો ભંગ,ઉલ્લંઘન શિક્ષાને પાત્ર ઠરશે.જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે ફરજ પરના કોઇપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.


Google NewsGoogle News