ગઢડાના ઉગામેડી ગામનો શખસ જાલીનોટ સાથે ઝબ્બે
- બોટાદ-બરવાળા રોડ પરથી બોટાદ એસઓજીએ પકડી પાડયો
- સુરતમાં રહેતા શખસે ડુપ્લીકેટ ચલણી નોટને બજારમાં ફરતી કરવા બસમાં આંગડિયા કરી મોકલી હતી
ભાવનગર, તા. 26 જુલાઈ 2020, રવિવાર
ગઢડા તાલુકાના ઉગામેડી ગામના એક શખસને બોટાદ એસઓજીની ટીમે જાલીનોટ સાથે ઝડપી પાડી ડુપ્લીકેટ નોટના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ જાલીનોટ સુરતમાં રહેતો અને મુળ ઉગામેડી ગામના શખસે મોકલી હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદ એસઓજીને મળેલી ચોક્કસ હકીકતના આધારે ગઈકાલે શનિવારે સાંજના સુમારે બોટાદ-બરવાળા રોડ, મિલેટ્રી રોડની ચોકડીથી રાણપુર તરફ જવાના રસ્તા પર આરટીઓ કચેરી પાસે નાળા નજીકથી બજાજ પ્લેટીના બાઈક નં.જીજે.૦૪.બીપી.૭૮૦૫ સાથે પ્રવીણ કરશનભાઈ વાઘેલા (ઉ.વ.૨૫, રહે, ઉગામેડી, તા.ગઢડા, મુળ ખરડ, તા.ધંધુકા) નામના શખસને પકડી પાડી તેની પાસેથી રૃા.૫૦૦ના દરની ૧૨ અને રૃા.૧૦૦ના દરની ૪ મળી કુલ ૬,૪૦૦ની કિંમતની ભારતીય ચલણની બનાવટી ચલણી નોટ પકડી પાડી હતી. આ શખસને અટકાયત કરી આગવીઢબે પૂછતાછ કરતા તેણે કબૂલાત આપતા જણાવ્યુ હતું કે, હાલ સુરત અને મુળ ગઢડાના ઉગામેડી ગામે રહેતો મુન્ના કરશનભાઈ પટેલ નામના શખસે તેને આ જાલીનોટ વટાવવા માટે સુરતથી બસ મારફત આંગડિયા કરી મોકલી હતી. તેની આ કબૂલાતના આધારે એસઓજીએ બન્ને સામે બોટાદ પોલીસ મથકમાં આઈપીસી ૪૮૯ બી, ૪૮૯ સી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાવી ઝડપાયેલા શખસનો કોરોના રિપોર્ટ કરાવવા તજવીજ હાથ ધરી હતી.