Updated: Feb 18th, 2023
- વર્ષ 2023-24 ની જિલ્લા આયોજન મંડળની બેઠક મળી
- લોક સુખાકારીના કામોને અગ્રિમતા આપી પારદર્શી કામગીરી કરવા પદાધિકારીઓને તાકીદ કરાઈ
બોટાદ જિલ્લા આયોજન મંડળની તાજેતરમાં બેઠક મળી હતી. જેમાં ૧૫ ટકા વિવેકાધિન તાલુકા કક્ષા જોગવાઈમાં તાલુકા આયોજન સમિતિ તરફથી રજુ થયેલી ૪૩૧ લાખની જોગવાઈ સામે ગ્રામ્ય કક્ષાએ પેવર બ્લોક, સી.સી.રોડનાં કામો, કોઝ-વેનાં કામો, નાળાંના કામો, ગટરના કામો, પીવાના પાણીની લાઈન અને બોર-મોટરના કામો, પુર સંરક્ષણ દિવાલ, સ્મશાનમાં ખૂટતી સુવિધાના કામો વધારાના આયોજન સહીત ૬૪૦.૨૫ લાખના ૨૧૫ કામો પ્રભારીમંત્રી દ્વારા મંજુર કરાયા હતા. નગરપાલિકા આયોજન સમિતિ દ્વારા રજુ થયેલ ૭૫ લાખની જોગવાઈ સામે ન.પા. વિસ્તારમાં પીવાના પાણીની લાઈનના, ગટરના લાઈન અને ગટર ઘન કચરા નિકાલ કરવાના અદ્યતન સાધનોના કામો વધારાના આયોજન સહીત ૯૭.૯૬ લાખના ૩૧ પ્રભારીમંત્રી દ્વારા મંજુર કરાયા હતા.આ વેળા પ્રભારીમંત્રી દ્વારા ૧૫ ટકા વિવેકાધિન જિલ્લા કક્ષાની જોગવાઈમાં ૧૫૦ લાખની જોગવાઈ સામે જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા રજુ થયેલ દરખાસ્તો મુજબ જિલ્લાની ૨૯ પ્રાથમિક શાળામાં ૧૩૪ લાખના મધ્યાહન ભોજન શેડ, ૫-શાળામાં ૧૬ લાખના દિવાલના કામો, ૧૦ આંગણવાડીમાં ખૂટતી કમ્પાઉન્ડ વોલના ૧૪.૨૫ લાખના કામો, રોહીશાળામાં ૧૫ લાખના ખર્ચે નવા આયુર્વેદ દવાખાનાનું કામ સહિતનાં કામોને મંજુરી અપાઈ હતી. તો ૫ ટકા પ્રોત્સાહક જોગવાઈમાં તાલુકા આયોજન સમિતિ તરફથી રજુ થયેલ ૧૦ લાખના ૪ પેવર બ્લોકના કામોને પ્રભારીમંત્રીએ મંજુરી આપી હતી. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યોજનામાં તાલુકા આયોજન સમિતિ તરફથી રજુ થયેલ ૨૦ લાખના ૬ કામોને મંજુર કરાયા હતા.
ગઢડાના ટી.ડી.ઓ. અને સુપરવાઈઝરનું સન્માન
આ બેઠકમાં આયોજન અને એટીવીટીનાં સારા કામો કરનારા તાલુકાઓને ક્રમાંક અપાયા હતા. જેમાં સૌપ્રથમ ક્રમે આવનારા ગઢડાના ટી.ડી.ઓ. તેમજ સુપરવાઇઝરને પ્રભારીમંત્રી, ધારાસભ્યો તેમજ કલેક્ટરના હસ્તે સન્માનિત કરાયા હતા તેમજ તાલુકા વિકાસ અધિકારીને રૂ.૫ લાખનો ચેક અર્પણ કરાયો હતો. જેનો ઉપયોગ ગઢડા તાલુકાના વિકાસ કાર્યોમાં થશે.