રાણપુરના ગુંદા ગામે 27 માસ પૂર્વે હત્યાના ગુનામાં 1 ને આજીવન તથા બીજાને 5 વર્ષની કેદ


- બોટાદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચુકાદો

- મરણ જનારના ડોક્ટર સમક્ષ જણાવેલ હકીકત ગ્રાહ્ય રાખી સજા ફરમાવાઇ

બોટાદ : બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગુંદા ગામે પૈસાની બાકી રકમ બાબતે હત્યાનો ગુનો દાખલ કરાયેલ જે કેસ બોટાદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ સમક્ષ ચાલી જતા એક આરોપીને આજીવન કેદ તથા બીજા આરોપીને પાંચ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી.

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ગુંદા ગામે ગઈ તા.૧૪/૦૮/૨૦૧૯ના રોજ મરણજનાર ભરતભાઈ વેલશીભાઈ સાંથળીયાને આરોપી અશોક જનકભાઈએ કોદાળી વતી તથા બાલકૃષ્ણ જનકભાઈએ લાકડી વતી મરણજનારને બિયારણના પૈસા બાકી હોય તે બાબત ગાળો આપી ઉશ્કેરાઇ જઈ જેમાં એક આરોપીએ કોદાળી વતી મરણજનારને માથાના પાછળના ભાગમાં મારેલ તથા બીજા આરોપીએ લાકડી વતી જમણા પગે ગોઠણ ઉપર તથા જમણા હાથના કાંડા ઉપર માર મારેલ આવી રીતે બંને આરોપીએ મરણજનાર ને ઈજા પહોંચાડેલ તે અંગેની ફરિયાદ મરણજનારના પત્ની ઉષાબેન ભરતભાઈએ રાણપુર પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી કલમ ૩૦૨,૩૦૭,૩૨૩,૩૨૫,૫૦૪,૩૪,૧૧૪ જીપી એક્ટ ૧૩૫ મુજબનો ગુન્હો આરોપીઓ વિરુધ્ધ દાખલ થયેલ અને આ અંગેનું ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજુ થયેલ. આ કામમાં ફરિયાદ પક્ષે કુલ ૨૪ સાક્ષીઓને તપાસવામાં આવેલ તેમજ કુલ ૪૬ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ અને આ કામમાં મરણજનારના ફરીયાદી પત્ની, પુત્રીઓ, પુત્રો, તેમજ તેમના સગાવ્હાલા તેમજ અગત્યના સાહેદો કોર્ટમાં બનાવ સબંધી હકીકતો જણાવેલ નહી પરંતુ આ કામમાં મરણજનારે ડોક્ટર સમક્ષ તેણે જે ઈજા થયેલ તે અંગે હકીકત જણાવેલ હતી જે હકીકત નામદાર કોર્ટે ધ્યાને લીધેલ અને આરોપીઓ વિરુધ્ધ ગુન્હો સાબિત થયેલ તેમજ આ કામમાં જીલ્લા સરકારી વકીલ કે.એમ.મકવાણાની દલીલો ગ્રાહ્ય રાખી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબ શ્રી કુ.કે.આર.પ્રજાપતિ સાહેબે આઇપીસી કલમ ૩૦૨ના ગુન્હામાં આરોપી અશોક જનકભાઈ ને કસુરવાન ઠરાવી આજીવન કેદની સજા તથા રૂ.૫૦૦૦નો દંડ તથા આરોપી બાલકૃષ્ણ જનકભાઈને આઇપીસી કલમ ૩૨૫ ના ગુન્હામાં કસુરવાન ઠરાવી ૫(પાંચ) વર્ષ ની કેદની સજા અને રૂ.૨૦૦૦નો દંડનો હુકમ ફરમાવેલ છે.

City News

Sports

RECENT NEWS