For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સગીરાના અપહરણ-બળાત્કારના કેસમાં 2 શખ્સને 20 વર્ષની કેદ

Updated: Apr 8th, 2023

Article Content Image

- 2 વર્ષ પૂર્વે ઢસા પંથકમાંથી એક સગીરાનું અપહરણ કરી અલગ-અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું

- મદદગારી અને બળજબરીથી શારીરિક અડપલા 2 શખ્સને 3-3 જેલવાસ ભોગવવા કોર્ટે હુકમ કર્યો

બોટાદ : ગઢડાના ઢસા પંથકમાં મજૂર પરિવારની એક સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના ચકચારી કેસમાં બોટાદ કોર્ટે બે શખ્સને ૨૦ વર્ષ અને મદદગારી-બળજબરીથી શારીરિક અડપલા કરનાર બે શખ્સને ત્રણ-ત્રણ વર્ષ જેલવાસ ભોગવવાનો હુકમ કર્યો છે.

બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ઢસા પંથકમાં ગત તા.૯-૪-૨૦૨૧ના રોજ વહેલી સવારના સમયે દાહોદ જિલ્લાના એક ખેતમજૂર પરિવારની સગીરવયની દીકરીને દિનેશ ઉરઢફે કાળુ ધરમશીભાઈ ગોહિલ (રહે, ઢસા), તેનો મિત્ર ચિથર અમરાભાઈ ખટાણા નામના બે શખ્સ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે બાઈકમાં અપપહરણ કરી લઈ ગયા હતા. જે બનાવ અંગે સગીરાના વાલીએ ગત તા.૧૦-૪ના રોજ ઢસા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ આદરી સગીરાને શોધી કાઢ્યા બાદ પૂછપરછ કરતા આફતગ્રસ્તે પોતાની સાથે થયેલા અમાનવિય વર્તનની સઘળી હકીકત વર્ણવતા જણાવ્યું હતું કે, ચિથર ખટાણાની મદદગારીથી દિનેશ ઉર્ફે કાળુ ગોહિલે તેણીનું અપહરણ કરી જુદા-જુદા ગામોમાં લઈ જઈ મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હતું તેમજ તેણીને જસદણ ખાતે મિત્રના ઘરે રાખી હતી. ત્યારે સંજય ઉર્ફે જાડિયો રાજુભાઈ રોજાસરા (રહે, જસદણ)એ સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેણીને ગઢડા મુકો લાવતા ત્યાં ભરત પરશોત્તમભાઈ સોલંકીએ બળજબરીપૂર્વક શારીરિક અડપલા કર્યા હતા. જેના આધારે પોલીસે ચારેય શખ્સનો ઝડપી લીધા હતા. દરમિયાનમાં આ ચકચારી કેસ બોટાદ સેકન્ડ એડી. એન્ડ ડિસ્ટ્રીક્ટ જજ (સ્પે. પોક્સો કોર્ટ) વી.બી. રાજપૂતની કોર્ટમાં ચાલી જતાં સરકાર પક્ષે ૨૨ સાહેદોની તપાસણી, ૪૪ દસ્તાવેજી પુરાવા રજૂ કરી આરોપીઓની ભૂમિકા સાબિત કરાઈ હતી. તેમજ જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની ધારદાર, સચોટ અને અસરકારક દલીલોને સ્પે. પોક્સો કોર્ટના ન્યાયમૂર્તિ વી.બી. રાજપૂતે ગ્રાહ્ય રાખી દિનેશ ઉર્ફે કાળુ ધરમશીભાઈ ગોહિલ (રહે, ઢસા)ને આઈપીસી ૩૭૬ (૩) મુજબ ૨૦ વર્ષની સખત કેદ, ૩૭૬ (ર) (એન) મુજબ ૧૦ વર્ષ, ૩૬૬ના ગુનામાં ત્રણ વર્ષ, ૩૬૩ના ગુનામાં બે વર્ષ કેદની સજા તેમજ સંજય ઉર્ફે જાડિયો રાજુભાઈ રોજાસરા (રહે, જસદણ)ને આઈપીસી ૩૭૬ (૩) મુજબ ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો.

આ ઉપરાંત સગીરાનું અપહરણ કરવામાં મદદગારી કરનાર ચિથર અમરાભાઈ ખટાણા નામના શખ્સને આઈપીસી ૩૬૬ના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદ, ૩૬૩, ૧૧૪ મુજબ બે વર્ષ સખત કેદની સજા અને ગઢડામાં બળજબરીથી શારીરિક અડપલા કરનાર આરોપી ભરત પરશોત્તમભાઈ સોલંકીને આઈપીસી ૩૫૪ (એ) મુજબ ત્રણ વર્ષની સજા, ૩૬૩ મુજબ બે વર્ષ અને ૩૬૬ મુજબ ત્રણ વર્ષ કેદની સજા અને તમામ આરોપીઓને દંડનો હુકમ ફટકાર્યો હતો.

એક મજૂર પરિવારની સગીર દીકરીને હવસનો શિકાર બનાવનાર શખ્સોને સ્પેશિયલ પોક્સો કોર્ટે સમાજમાં દાખલારૂપ બેસે તેવી સખત સજા ફટકારી છે. જેને લઈ બહેન-દીકરીઓની ઈજ્જત ઉપર હાથ નાંખનારા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Gujarat