રસોડાનો રાણો મારો ધણી રણછોડ છે...
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
કમ ખાના ઔર ગમ ખાના એવું કહેવાય છે બરાબરને? પણ આપણાં એકના એક પેકના પેક (હો) બાળાકાકીને અમે હળવાશથી શું કહીએ ખબર છે? કમ ખાના ઔર કમ ગાના… પણ ખાવામાં અને ગાવામાં કાકીને કોઈ ન પહોંચે. એમનો જીવન-મંત્ર નહીં જીવન ''મંત્ર-તંત્ર'' છે કે દિલથી ખાવાનું, દિલથી ગાવાનું પણ દિલથી જાવાનું. અટકે નહીં ખાણું, એટકે નહીં ગાણું, એમ જ જીવન માણું…
રવિવારે સવારના ભાગમાં કાકાને ત્યાં ગયો અને ઘરમાં પગ મૂક્યો ત્યારે કાકી ઉંચા સૂરમાં ગાતા હતાઃ રસોડાનો રાણો મારો ધણી રણછોડ છે,એને મને માયા લગાડી રે…
ગીતના શબ્દો ફેરવીને ગાતા કાકીને કહ્યું કે મૂળ ગીત આમ છેઃ જશોદાનો કાન મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે… અને તમે આ નવું પેરડી સાંગ કેમ લલકારો છો?'
મારો સવાલ સાંભળીને સીધો જવાબ આપવાને બદલે (હો) બાળાકાકીએ રસોડા તરફ આંગળી ચિંધી. મેં જોયું તો પથુકાકા શું કરતા હતા ખબર છે? એપરન પહેરીને ઢોકળા વઘારતા હતા અને ભેગી આમલીની ચટણી બનાવતા હતા.
મેં કાકીને પૂછ્યું કે કાકાને કેમ રાંધવાના કામમાં લગાડી દીધા? ત્યારે કાકીએ તાજેતરમાં જ મદ્રાસ હાઈકોર્ટના એક ચુકાદાને ટાંકીને જવાબ આપ્યો કે આ ચુકાદામાં કહ્યું કે સંસાર ચલાવવાની, રાંધવાની અને કમાવાની બધી જવાબદારી પતિ-પત્ની વહેંચી લે અને સમજદારીપૂર્વક જીવે તો સંસાર ટકી રહે.
હવે તારા કાકા તો રિટાયર છે અને સારૃં પેન્શન પણ આવે છે. એટલે નવરા બેઠાં નખ્ખોદ વાળે એનાં કરતાં મેં એમને રસોઈના કામમાં મદદ કરવાની જવાબદારી સોંપી છે. બસ એટલે જ ગાઉં છું કેઃ રસોડાનો રાણો મારો ધણી રણઁછોડ છે, એણે મને માયા લગાડી રે…
મેં કાકીને દાદ આપતાં કહ્યું કે મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાની વાત સો ટકા સાચી. કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે હાઉસ વૉઈફ હોઈ શકે તો પછી હાઉસ હસબન્ડ કેમ ન હોઈ શકે? ઘણીવાર મહિલાઓ લગ્નને પોતાની કારકિર્દીમાં બાધારૂપ ગણે છે, જો પતિદેવો ઘરકામમાં અને બાળકોના ઊછેરના કામમાં સાથ આપે અને બીજું કે પુરૂષ ઘર સંભાળે એ સમાજમાં સામાન્ય ગણાવા લાગે તો કેટલાય લગ્ન તૂટતા બચી જાય. ગૃહિણી જેમ ગૃહિણા કેમ ન હોઈ શકે? પત્ની રસોડાની રાણી અને પતિ રસાડાનો રાણો, પછી જલ્સા માણો અને ઘર્ષણનો અંત આણો…'
આ વાત ચાલતી હતી એટલીવારમાં પથુકાકા રસોડામાંથી ગરમાગરમ ઢોકળાની પ્લેટ લઈને બહાર આવ્યા અને પછી થોડા કંટાળાના ભાવ સાથે બોલ્યા કે જોયુંને? તારી કાકીએ મને કેવો રસોડાનો રાણો બનાવી દીધો? હું રસોડાનો રાણો નહીં, બરાબરનો મ-રાણો છું…' આ સાંભળતાની સાથે જ કાકી લટકો કરીને બોલ્યા 'વાહ મારા રસોડાના રાણાજી ઘરનુું કામ કરી કેમ ગભ-રાણાજી?'
પથુકાકાએ નવી વાત કરી કે પત્ની દબાણમાં રાખતી હોય અને ધણી પાસે ધરાર રંધાવતી હોય ત્યારે પતિની દશા કેવી થઈ જાય ખબર છેને? પ્રેશર-કૂકર જેવી.
મેં કાકાન ે દાદ દેતા કહ્યું કે 'તમે તો ઘરમાં રસોઈ કરતા પતિ માટે સરસ શબ્દ ગોતી કાઢ્યો હો? કૂકિંગ કરે ઈ કૂકર.'
કાકા ખોંખારો ખાઈને બોલ્યા કે 'કૂકરનું સ્ત્રી લિંગ શું થાય ખબર છે? કૂકરી. પતિ કૂક કરે એટલે એ કૂકર અને જાતજાતની રમતના દાવ અજમાવી રમત રમે એવી પત્નીને કહેવાય કૂકરી.'
મેં કહ્યું 'કાકા મુંબઈ જેવાં શહેરોમાં તો હસબન્ડ-વાઈફ બન્ને નોકરી કરતા હોય ત્યારે ભેગા મળી કામ કર્યા સિવાય જ છૂટકો નથી હોતો. પત્ની ઝટ ઝટ રોટલી કે થેપલા બનાવે અને પતિ શાક વધારી નાખે, પત્ની નાહવા જાય ત્યાં સુધીમાં પતિ વેક્યુમ ક્લિનરથી ઘર સાફ કરી નાંખે. પતિ નાહીને તૈયાર થઈ જાય એટલીવારમાં પત્ની ફટાફટ બન્નેના ટિફિન ભરીને પેક કરી દે. પતિએ હાઉસહસબન્ડ બનીને ઘરનું કામ કરવામાં કે પછી વાઈફને ઘરના કામમાં મદદ કરવામાં નાનપ ન અનુભવવી જોઈએ.
ભારતના જ નહીં પણ આખી દુનિયામાં કૂકડા પતિદેવોને કૂકિંગ કરતા આવડવું જોઈએ એ વાતના સમર્થનમાં દરરોજ સવારે શું પોકાર કરે છે? કૂક-રે કૂક… કૂક-રે કૂક…
કાકા બોલ્યા રસોઈયાનુું અંગ્રેજી એટલે કૂકડા બરાબરને? પણ એક વાતની નોંધ કરી છે? દુનિયામાં બધે જ રાંઘવામાં નિષ્ણાત પુરૂષો જ હોય છેને? આપણે ત્યાં પણ ટીવી ઉપર રસોઈના જે શો આવે છે એમાં કેટલાંય એક્સપર્ટ શેફ જ આવે છેને? એટલે જ હું તો હળવાશથી કહું છું કે બીબી રહે સોઈ ઔર પતિ કરે ર-સોઈ….'
મેં કહ્યું કે મદ્રાસની હાઈકોર્ટે હાઉસ હસબન્ડ કેમ ન હોઈ શકે? એવો સવાલ ઉઠાવ્યોને? એનાં પરથી મને યાદ આવ્યું. મારા પપ્પા બર્મા (મ્યાંમાર)ના રંગૂન શહેરમાં મોટા થયા હતા. એ કાયમ કહેતાં ઘણાં ખરા બર્મીઝ ફેમિલીમાં તો પહેલેથી જ પત્નીઓ દુકાન અને બીજું બહારનું કામકાજ સંભાળે અને પતિદેવો ઘર સંભાળે, બાળકોને સંભાળે અને સાચા અર્થમાં હાઉસ હસબન્ડ તરીકેની ફરજ અદા કરે બોલો! એટલે અમે આના પરથી રમૂજમાં એવું કહેતા કઃ
આ છે બર્મા રે બર્મા
પત્ની વ્યસ્ત હરફરમાં
ધણી રહે ઘરમાં ને ઘરમાં
હે તું આવો જુલમ કર-મા.
પથુકાકા બોલ્યા કે મારા એક ઓળખીતાનો દીકરો ફાઈવ સ્ટાર હોટેલમાં શેફ છે. આ દીકરાના લગ્નની વાતો શરૂ થઈ ત્યારે કરોડપતિઓની કન્યાઓના કેટલાય માગા આવવા માંડયા.
પણ મોટા ભાગની કન્યાઓની એક જ શરત હતી કે પરણીને પછી ઘરજમાઈ તરીકે રહેવું પડશે. શું કામ ખબર છે? વરજી જ જો એક્સપર્ટ શેફ હોય તો પછી રાંધવાની ઝંઝટ નહીંને? કારણ રાંધે એની હારે સહુ સંબંધ બાંધે… હા… હા… હા…
મેં પૂછ્યું કે 'પછી તમારો ઓળખીતનો રાંઘણશી દીકરો પરણીને ઘરજમાઈ બન્યો કે નહીં?' કાકા માથુૅ ધૂણાવીને ના પાડતા બોલ્યા કેૈ ના ભાઈ ના… દીકરાએ કહી દીધું કેઃ કન્યા ભલે હોય કરોડપતિ, પણ મારે મારૃં ઘર ગુમાવી વર બની પતિ થઈને નથી જવું પતી'…
મેં કહ્યું કે 'તમારા ઓળખીતા દીકરાએ કરોડપતિ કન્યાઓની શરત ન સ્વીકારીને સારૃં જ કર્યું હો? નહીંતર ધણિયાણીઓ કૂકિંગ કરાવીને ધણીને કૂકડો જ બનાવી દેત કૂકડો.
અંત-વાણી
દો કદમ તુમ ભી ચલો
દો કદમ હમ ભી ચલે…
(ફિર રીક્ષા કર લેંગે)




