Boj Viana ni Moj
કાગડા મળે માંડ માંડ એટલે વધતી જાય ડિમાન્ડ
By GS Team
19 Oct 20266 mins read

- બોજ વિનાની મોજ - અક્ષય અંતાણી
'જાત જાતના પક્ષના આ 'સર્વ-પક્ષી' અભયારણ્યમાં સતત પક્ષા પક્ષીના વિવાદ જાય પક્ષાંતર કરીને 'પક્ષ-ઘાત' થાય અને વિપક્ષી અને સત્તા-ભક્ષી વચ્ચે ચાંચમચાંચ મારવાની ચાંચિયા-ગિરી ચાલે. આમાં કયા પક્ષને વખાણીએ એ જ સમજાતું નથી, શ ું કયો છો કાકા?'
સવાલ સાંભળતાની સાથે જ પથુકાકાએ તડાક કરતો જવાબ આપ્યો કે 'પક્ષાપક્ષીથીી પર એવો એક જ પક્ષ હવે આપણાં દેશમાં રહ્યો છે, એ પક્ષ છે શ્રાદ્ધ-પક્ષ. કારણ કે આ પક્ષના બધા જ માનવંતા મેમ્બરો સ્વર્ગે સીધાવ્યા છે. વર્ષમાં એક જ વાર આ પક્ષનું નામ સંભળાય છે, શ્રાદ્ધપક્ષમાં. અને આપણાં એ પૂર્વજો પણ કેટલાં સમજદાર હોય છે? સ્વર્ગમાંથી ધરતી ઉપર શ્રાદ્ધપક્ષમાં પોતાના પ્રતિનિધિ તરીકે કોને મોકલે છે ખબર છેને? કાગડાને. એટલે કોઈ ટીકા ન કરે કે સ્વર્ગે સીધાવ્યા પછી પણ 'ખાઈકી' કરવાનો મોહ નથી છૂટયો. બાકી ધરતી પર તો જુદા જુદા પક્ષના 'પક્ષીઓ' ''ખાઈકી''માટે ટાંપીને જ બેઠાં હોય છે. જય જય રઘુરાઈકી, કભી ન ભૂલે ખાઈકી, ખાને મેં ક્યા શરમ ભાઈકી, જય જય રઘુરાઈકી…'
મેં કહ્યું 'કાકા વિવિધતામાં એકતાના દર્શન હવે તો માત્ર શ્રાદ્ધ-પક્ષમાં જ જોવા મળે છે હો?'
કાકાએ પૂછ્યું 'શ્રાદ્ધપક્ષમાં વળી તને વિવિધતામાં એક્તાના દર્શન કેવી રીતે થાય છે?' મેં કહ્યું કે 'જીવતી વ્યક્તિ ભલે જુદી જુદી જ્ઞાાતિની હોય, જુદા જુદા ધર્મની હોય પણ મૃત્યુ પામે પછી બધાં કાગડાના રૂપમાં જ શ્રાદ્ધપક્ષમાં દેખા દે છેને? આને જ કહેવાય વિવિધતામાં એક્તા અથવા તો કા… કા… એવો ''કાકા-રવ'' કરતા કાગડાની કેકતા…'
કાકા બોલ્યા 'એનો અર્થ એવો કે ડાર્વિનદાદાએ કહ્યું હતું કે માણસના પૂર્વજો વાંદરા હતા એ થીયરી ખોટી?' મેં કહ્યું 'કાકા વૈજ્ઞાાનિક ડાર્વિને વર્ષોના સંશોધન અને અભ્યાસને આધારે એવી થીયરી ઘડી હતી કે માનવના વડવાઓ વાનર હતા. બાકી શ્રાદ્ધપક્ષમા કાગડાને ખીર-પૂરી ખવડાવવાથી પૂર્વજો તૃપ્ત થાય છે એ શ્રદ્ધાનો વિષય છે.'
કાકા બોલ્યા 'ભાઈ મુંબઈ જેવાં શહેરમાં કાગડાય ક્યાં નવરા છે ખીર-પૂરી ખાવા? નાનપણમાં આપણે ગાતા કે આવરે કાગડા કઢી પીવા… એમ મોટપણમાં આપણે ગાવું પડે છે કે આવ રે કાગડા ખીર ખાવા… પણ કાગડા ક્યાં આવે છે? જાણે એપ-આધારિત કેબ બુક કરાવ્યા પછી જેમ રાહ જોઈને ઊભા હોઈએ એવી રીતે કાગડાની રાહ જોઈને ઊભા રહેવું પડે છે. ઘણી વાર કેબવાળા ટ્રીપ કેન્સલ કરે એમ કાગડાય ખીર ખાવા માટે આપણી અગાસીમાં આવવાનું ટાળીને બીજી કોઈ નજીકની અગાસીએ ઉડીને પહોંચી જાય છે. કાગડાની અછત ઊભી થાય એ કેવી વિચિત્ર સ્થિતિ કહેવાય?'
પથુકાકા કહે કે આપણાં દેશમાં માણસની વસતી કૂદકે ને ભૂસકે વધતી જાય છે, અને કાગડાની વસતી ઘટતી જાય છે, એટલે પછી શ્રાદ્ધપક્ષ વખતે કાગડાની ખેંચ જ ઊભી થાયને?'
કાકાની વાતમાં સૂર પૂરાવતા મે ંકહ્યું કે કાગડાની આબાદી ઘટતી જાય છે એ હક્કિત છે. હમણાં જ છાપામાં સમાચાર વાંચેલા. મુંબઈ જેવાં શહેરોમાં ઝડપથી બંધાતા જતા કોંક્રિટના જંગલો, કપાતા જતા વૃક્ષો અને ઘટતી હરિયાળીને કારણે કાગડાને માળા ક્યાં બાંધવા એ સવાલ મૂંઝવે છે. બીજું શહેરોમાં ખુલ્લા ઉકરડાની જગ્યાએ આધુનિક કચરાપેટીઓ ગોઠવાતી જાય છે. કચરો લઈ જતી ટ્રકો પણ ઉપરથી બંધ હોય છે. એટલે કાગડા બીચારા ખાય શું એ ઉપરાંત મુંબઈ જેવાં શહેરોમાં પ્રદૂષણ વધતું જાય છે. આ બધા કારણોને લીધે કાગડાની વસતી ઘટતી જાય છે.'
પથુકાકા બોલ્યા એમ વાત છે? કાગડાનું પોપ્યુલેશન ઘટતું જશે તો પ્રોબ્લેમ થશે હો? ગંદકી ઓછી કરવાનું કામ કોણ કરશે? શ્રાદ્ધપક્ષમાં ખીરપૂરી ખાવા કોણ આવશે? એ બધું તો ઠીક પણ રોજ કઠેડા ઉપર બેસીને મને કાકા… કાકા… કાકા… કહી નામથી કોણ બોલાવશે?
મેં કહ્યું 'રાજવી કવિ કલાપીએ દિલની વેદના અને ભાવના વ્યક્ત કરતી કવિતનો સંગ્રહ બહાર પાડયો હતો જે કેકારાવ તરીકે વિખ્યાત થયો. હવે કાગડાની ઘટતી જતી આબાદી જોઈને તમે વ્યથિત થઈ ગયા છો એ ભાવના વ્યક્ત કરવા તમે પણ કાગડા ઉપર કવિતાઓ લખી સંગ્રહ તૈયાર કરો અને નામ આપો 'કાકા-રવ.' તમને કોલા પીવાની આદત છેને? એટલે આ કાવ્ય-સંગ્રહ ઉપર તમારૂં ઉપનામ શું લખશું ખબર છે? કોલા-પી.
પથુકાકા બોલ્યા કે 'મને એક વાતનો જવાબ આપ કે કાગડાઓની વસતી ખરેખર ઘટવા માંડી છે કે પછી (મરેલા ઉંદર સહિત બધુ ખાતા) કાગડાઓની 'મોત-દાર' યાદીમાંથી એમના નામો ઉડાડી દેવામાં આવ્યા છે?
ખડખડાટ હસીને મેં કહ્યું 'કાકા તમે કાગડા માટે મોત-દાર યાદી શબ્દ કમાલનો વાપર્યો હો? આપણી મતદાર યાદીમાંથી પણ કરોડો નામો ઉડી ગયા છેને? જ્યારે કાગડા તો પોતે જ ઉડતા હોય છે એટલે એના નામો પણ ઉડતા જ રહેને?'
કાકા બોલ્યા કે તને બાદશાહ અકબર અને બિરબલનો કાગડાનો કિસ્સો યાદ છે? અવનવા તુક્કા લડાવતા બાદશાહ અકબરે કિલ્લાની રાંગ ઉપર હારબંધ બેઠેલા કાગડાઓની કાગસેનાને જોઈને બિરબલને પૂછ્યું કે બિરબલ જવાબ આપ કે આપણાં દિલ્હીમાં કાગડાની વસતી કેટલી છે?' હાજર જવાબી બિરબલે તડાક કરતો જવાબ આપ્યો કે 'બાદશાહ સલામત… દિલ્હીમાં અત્યારે ૧૧,૧૧,૧૧૧ કાગડા છે.'
જવાબ સાંભળી બાદશાહ તો આશ્ચર્યચક્તિ થઈ ગયા. બિરબલની વધુ કસોટી કરવા જહાંપનાહે પૂછ્યું કે તેં આપેલા આંકડા કરતાં કાગડાની સંખ્યા વધુ હશે તો? બિરબલ બોલ્યો કે જો વધુ હશે તો એમ સમજવું કે કાગડાઓને ત્યાં બહારગામથી મહેમાનો આવ્યા હશે અને જો સંખ્યા ઓછી જણાય તો એમ સમજવું કે દિલ્હીના કાગડા સમર વેકેશનમાં ફેમિલી સાથે બહારગામ ફરવા ગયા હશે? બિરબલના જવાબથી ખુશ થયેલા બાદશાહે તેને દસ સોના મહોરનું ઓનલાઈન પેમેન્ટ કરી દીધું.'
મેં કહ્યું કાકા તમને ખબર છે? કાગડાની આબાદી ઘટી ગઈ છે એનો લાભ ભાડેથી કાગડા પૂરા પાડનારા ઉઠાવે છે?'
નવાઈ પામી કાકા બોલ્યા 'શું વાત કરે છે? કાગડા કોણ ભાડે આપે છે?' મેં કહ્યું કાગડા ભાડે આપનારાની શ્રાદ્ધપક્ષમાં ખરી ડિમાન્ડ હોય છે. મહારાષ્ટ્રના કેટલાંક ગામોમાં શ્રાદ્ધપક્ષ વખતે કાગડા ભાડેથી ફેરવવાવાળા 'રેન્ટ-એ-ક્રો' કંપનીવાળા સોશ્યલ મિડિયામાં નજરે પડયા હતા. એ શું કરે ખબર છે? જંગલમાંથી કાગડા પકડી લ ાવે. પછી એક પગે દોરી બાંધી દે. પછી એક એક ખભા ઉપર બે-બે કાગડા બેસાડીને બૂમ પાડતા નીકળે'લો કૌઆ ભાડેસે… લો કૌઆ ભાડેસે…' એ વખતે અગાસીમાં ખીર-પૂરી મૂકીને ઊભા હોય પણ કાગડા ન આવતા હોય એવાં લોકો તરત જ ભાડૂતી કાગડાવાળાને ઉપર બોલાવે છે. પેલો અગાસી કે ધાબા પર જઈને કાગડાને ખીર-પૂરી ખવડાવે છે અને બદલામાં સો-દોઢસો રૂપિયાનું ભાડું વસૂલ કરીને નીકળી જાય છે. બોલો! ંકાગડા ભાડે આપવાનો આ કસદાર સીઝનલ ધંધો કેવો?'
ભાડૂતી કાગડાની વાત સાંભળીને પથુકાકા બોલ્યા સાચું બોલજે હો? જૂઠ બોલે કૌઆ કાટે… કાલે કૌએ સે ડરિયો…' મેં હસીને કહ્યું કાકા તમે બોબી ફિલ્મનું આ ગીત ખરૂં યાદ અપાવ્યું હો?' કાકા બોલ્યા 'તને ખબર છે? રાજ કપૂર મેરા નામ જોકર બનાવતા હતા. ખાવાના શોખીન અને મોટા મનના રાજ કપૂર પોતાના આસિસ્ટન્ટ ડિરેકટરના ઘરે જમવા ગયા. પૂરી, શાક, દાલ તડકા સહિત કૈક વ ાનગી આસિસ્ટન્ટ ડિરેકટરના મમ્મીએ પીરસી હતી. રાજ કપૂર ટેસથી ખાતા હતા. એ વખતે મમ્મીજીએ વ્હાલથી કહ્યું બેટા તુમ તો કુછ ખાતે હી નહીં હો… ત્યારે શોમેને કહ્યું મમ્મીજી જૂઠ બોલે કૌઆ કાટે… દેખતે નહીં કિતના સારા ખા લિયા?' બસ પછી જૂઠ બોલે કૌઆ કાટે… એ મુખડું એમના દિમાગમાં સતત ઘૂમરી લેતું હતું. જ્યારે 'બોબી' ફિલ્મ બનાવી ત્યારે તેમણે આ મુખડા પરથી ગીત બનવવાનું ગીતકારને કહ્યું અને આમ મજેદાર ગીત બન્યું જૂઠ બોલે કૌઆ કાટે… કાલે કૌએ સે ડરિયો…




