Boj Viana ni Moj

ધરમને નામે ધમાલ કરમને નામે કમાલ

By GS Team
22 Sep 20265 mins read
TukuTouch Logo
મુંબઈના ધમાલિયા જીવનથી કંટાળી અક્ષય અંતાણી અને પથુકાકા માથેરાન ફરવા ગયા. ત્યાં શાંતિથી ઊંઘ ન આવતા, પથુકાકાએ મોબાઈલમાં ટ્રાફિક અને ટ્રેનોના અવાજ રેકોર્ડ કરી સાંભળ્યા, કારણ કે તેમને ઘોંઘાટની આદત પડી ગઈ હતી. માથેરાનમાં જલેબીવાળો વડાની ખોટી જાહેરાત કરતો હતો. પથુકાકાએ કહ્યું, "જે ખોટા હોય, એના અવાજ મોટા હોય."

Summarized by AI; it may make mistakes. Check important info

ધરમને નામે ધમાલ કરમને નામે કમાલ
  • બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

ધમાલિયા મુંબઈમાં જ આયખું વિતાવ્યા છતાં પથુકાકા એક જ ડાયલોગ મારે કે ધમાલમાં નહીં માલ, ધમાલ કરે સહચુના બુરા હાલ… એકનો એક ડાયલોગ સાંભળીને હું કંટાળ્યો એટલે કાકાને ટોકમાંને ટોકમાં (વાતમાં ને વાતમાં) ટોકતા મેં કહ્યું 'કાકા તમે મને એમ કહો છો કે ધમાલમાં નહીં માલ, પણ માલ કમાવવા માટે જ મુંબઈની ધમાલ વચ્ચે ચારે તરફથી લોકોનો ધસારો થતો જ રહે છે એ તમે નથી જોતાં? એટલે હવે તમારે જરા ફેરવીને ડાયલોગ મારવો પડશે કે માલ (પૈસા)ની જ છે આ કમાલ, એટલે જ કોઠે પડી ગઈ છે ધ-માલ…'
મારી વાત સાંભળી કાકાએ કાન પકડયા અને બોલ્યા કે'તારી વાત સાવ સાચી છે હો? મળતો હોય જો માલ તો કોણ ગણકારે ધમાલ?'
તહેવારની રજા આવતી હતી એટલે મે વિચાર્યું કે, ધમાલિયા મુંબઈમાંથી કામચલાઉ છુટકારો મેળવવા માટે નજીકના હિલસ્ટેશન માથેરાન જઈ આવીએ. કાકાને વાત કરી એટલે પથુકાકા પણ તૈયાર થઈ ગયા. હવે માથેરાન એવું એક માત્ર હિલસ્ટેશન છે જ્યાં મોટરોને પ્રવેશ નથી. બધો વહેવાર ઘોડાની મદદથી અને હાથરિક્ષાથી ચાલે. ના કોઈ કારના હોર્ન વાગે, ટ્રેનોની ધડબડાટી સંભળાય કે પછી ના કોઈ ફેરિયાઓનો દેકારો સંભળાય, એકદમ પીસફુલ. દિવસે હું અને કાકા જુદા જુદા ઘોડા પર ફર્યા, સાંજ પડતા હોટેલમાં પહોંચ્યા ત્યારે થાકીને ટેં થઈ ગયા. વહેલું ડીનર લઈને વહેલાસર સૂઈ ગયા.
મધરાતે અચાનક ટ્રાફિકનો અને હોર્નનો અવાજ આવવા માંડયો અને લોકલ ટ્રેનોનો અવાજ આવવા માંડયો. હું તો ગભરાઈને બેઠો થઈ ગયો. લાઈટ કરીને જોયું તો કાકા મોબાઈલ કાને ધરી આ ઘોંઘાટ સાંભળતા હતા. કાકાની આંખો ઘેરાવા માંડી હતી છતાં મેં તંદ્રાવસ્થામાં પડેલા કાકાને હલબલાવી ઉઠાડયા અને મોટા અવાજે પૂછ્યું કે 'આ શું માંડયું છે? મધરાતે શું કામ અવાજ કરો છો?'
પથુકાકા આંખો ચોળીને બેઠા થતા બોલ્યા કે જો ભાઈ ધમાલિયા મુંબઈમાં રહ્યાં પછી ઘોંઘાટની એવી આદત પડી ગઈ છે ને કે આ બધા અવાજ વિના માથેરાનની શાંતિમાં ઊંઘ જ ન આવે. એટલે મેં માથેરાન આવવાને આગલે દિવસે જ આ ટ્રાફિક, કારના હોર્ન અને લોકલ ટ્રેનોના અવાજ મોબાઈલમાં રેકોર્ડ કરી લીધા હતા. એટલે એ બધા અવાજ સાંભળ્યા એટલે તરત આંખો ઘેરાવા માંડી. તું હવે શાંતિથી સૂઈ જા, હું તને ડિસ્ટર્બ ન થાય એટલે કાનમાં ઈયરફોનની ભૂંગળી લગાડી ધાંધલ ધમાલ સાંભળતો સાંભળતો સૂઈ જઈશ, વહેલી પડે સવાર… ઓ કે ગુડ-નાઈટ.
સૂતાં સૂતાં કાકાની વાત સાંભળીને મને પેલી માછીમાર સ્ત્રીની વાર્તા યાદ આવી. એકવાર ભારે વરસાદ પડતા માછીમાર સ્ત્રી રાતે મચ્છી માર્કેટથી ઘરે પહોંચી શકે એમ નહોતી એટલે ફુલોની વેણી બનાવીને વેચતી એક બહેનપણીના ઝૂંપડામાં રોકાઈ ગઈ. પણ ફુલોની મધમધતી ખુશ્બુ વચ્ચે તેને કેમેય કરીને ઊંઘ જ ન આવે. એટલે એણે શું કર્યું ખબર છે? બહાર મૂકેલો માછલીનો ટોપલો અંદર લઈ આવી અને એ દુર્ગંધ મારતો ટોપલો માથા પાસે રાખ્યો પછી ઘસઘસાટ સૂઈ ગઈ. એટલે ટૂંકમાં માછીમાર સ્ત્રીને દુર્ગંધની આદત પડી હોવાથી સુવાસિત ફુલો વચ્ચે ઊંઘ નહોતી આવતી એમ કાકાને મુંબઈની ધમાલ કોઠે પડી ગઈ હોવાથી માથેરાનની શાંતિમાં ઊંઘ નહોતી આવતી, ઘોંઘાટ જેને કોઠે પડે એને શાંતિ નડે બરાબરને? એટલે જ લોકો ધાર્મિક ઉત્સવો પણ ક્યાં ધાંધલ ધમાલ વિના ઉજવી શકે છે?'
સવાર પડી એટલે ચા-નાસ્તો કરી હું અને કાકા લટાર મારવા નીકળ્યા. એક જગ્યાએ એક પરપ્રાંતીય જણ ખુમચાં ઉપર ગરમાગરમ જલેબી વેંચતો હતો. પાસે એક પોર્ટેબલ સ્પીકર રાખ્યું હતું એમાંથી ઊંચા વોલ્યુમમાં સતત રેકોર્ડેડ અવાજ રેલાતો હતો 'ખાલો ગરમાગરમ વડા… ખાલો ગરમા ગરમ વડા… ખાલો ગરમાગરમ વડા…' સતત અવાજ સાંભળીને મારી કમાન છટકી એટલે મેં નજીક જઈ જ લેબીવાળાને જરા ગુસ્સે થઈ કહ્યું કે 'વેચે છે જલેબી અને ખોટે ખોટી જાહેરાત ગરમાગરમ વડાની કેમ કરે છે?' જલેબીવાળો ભોળા ભાવે બોલ્યો કે 'સાહબ ચીંટી ઔર મખ્ખી પરેશાન ન કરે ઈસ લિયે જૂઠ બોલના પડતા હૈ… ક્યા કરે?'
જલેબીવાળાનો જવાબ સાંભળી પથુકાકા ખડખડાટ હસી પડયા અને સોંસરવી ઉતરી જાય એવી માર્મિક ટકોર કરતા બોલ્યા કે 'જે ખોટા હોય. એના અવાજ મોટા હોય.' ખરેખર કાકાની આ ટકોર સાંભળીને મને ટીવી પર ન્યૂઝ ચેનલોમાં ડિબેટ વખતે ખોટી રાડારાડી કરતા નેતાઓ યાદ આવી ગયા.
મેં કાકાને કહ્યું કે 'ધાર્મિક ઉત્સવોમાં પણ કેટલો કાનફાડ દેકારો કરવામાં આવે છે? જંગી ભૂંગળામાંથી ઊંચા અવાજે ગીતોની ગોળાબારી થતી હોય, ઘાટ ઘાટ પર ઘોંઘાટ થતા હોય અને ડી.જે.નો દિમાગ ચકરાવે ચડાવે એટલો દેકારો મચાવવામાં આવતો હોય એ સાંભળીને વિચાર આવે કે ઉજવણી વખતે ધમાલ કરવી પડે એવું કયા ધરમમાં લખેલું છે?'
મારી વાત સાંભળી કાકાના ભેજામાં ઓચિંતી જ્ઞાનની બત્તી થતા બોલી ઉઠયા કે 'કબીર સાહેબે દોહામાં લખ્યું છે ને કેઃ ચીંટી કે પગ નૂપુર બાજે સો ભી સાહિબ સુનતા હૈ… કીડીના પગે બાંધેલા ઝાંઝરનો ઝણકાર પણ ઉપર બેઠેલો સાહેબ (બોસ નહીં, ભગવાન) સાંભળે છે તો પછી ઓવો ઘોંઘાટ શું કામ કરતા હશે લોકો? મને તો લાગે છે કે મીરાબાઈએ લખેલું કેઃ ઘુંઘટ કા પટ ખોલ રે તોહે પિયા મિલેંગે…આ ભજનના શબ્દો ફેરવીને ધમાલિયા ભક્તો શું ગાય છે ખબર છે? ''ઘોંઘાટ'' કા પટ ખોલ રે તોહે પિયા મિલેંગે…'
મેં કહ્યું 'કાકા ડી.જે. ધમાલિયા અવાજમાં જોર જોરથી વાગતા ગીતોને લીધે હાર્ટઅટેક આવવાના બનાવ પણ બને છે તમને ખબર છે? કાકા બોલ્યા 'ગાંડા એને હાર્ટ એટેક નહીંમ આર્ટ-એટેક કહેવાય.'
મેં ધ્વનિ પ્રદૂષણ ન ફેલાય માટે બાંધવામાં આવેલી અવાજની મર્યાદા વિશે કહ્ય કે ધાર્મિક ઉત્સવો અને તહેવારોમાં લાઉડ-સ્પીકર વગાડવામાં આવે ત્યારે દિવસે ૫૫ ડેસિબલ અને રાત્રે ૪૫ ડેસિબલ અવાજનું પ્રમાણ રહેવું જોઈએ.'
પથુકાકા બોલ્યા કે મેં પણ હમણાં સમાચાર વાંચ્યા હતા કે ઝાડની ડાળ ઉપર સાત-આઠ કાગડા બેઠા બેઠા કોરસમાં (જાણે મને બોલાવતા હોય એમ) કાકા… કાકા… કાકા… એવો કાકારવ કરે ત્યારે અવાજનું પ્રમાણ ૫૫ ડેસિબલ પર પહોંચી જાય છે. આના પરથી સાર્વજનિક મંડળો વાળાએ સમજી જવું જોઈએ કે આનાથી વધુ ડી.જે.નો ઘોંઘાટ કરવાથી લોકોને કેટલો ત્રાસ થાય?
મેં કહ્યું કલાપીનો કેકારવ અને કાકાના કાનમાં સંભળાય કાગડાનો 'કાકારાવ' આ તો તમે ભારે મેળ જમાવી દીધો હો?'
પથુકાકા બોલ્યા આ આપણે ઘાંેઘાટની આટલી ઘોંઘાટાયણ કરી એના પરથી મારા ભેજામાંથી એક સવાલ ઉઠયો કે આખા દેશની જનતા એક સાથે ઊંચા અવાજે મોંઘવારી… મોંઘવારી… મોંઘવારીની બૂમરાણ મચાવી ડેસિબલની બધી જ લિમિટ તોડી નાખે છે છતાં સરકાર કેમ સાંભળતી નહીં હોય?'
મેં કહ્યું 'મોંઘવારીની એ બૂમરાણ બહેરા કાને અથડાય એમાં ક્યાંથી સરકારને સંભળાય?' એટલે જ કહું છું ને કેઃ
જે જનતાના અવાજને પાછો પાડે
બહેરા કાનથી.
એ જ સરકાર સત્તા
ચલાવે શાનથી.
અંત-વાણી
મુંબઈમાં મિની સૌરાષ્ટ્ર તરીકે ઓળખાતું પરું છે ઘાટકોપર. પણ તહેવારોમાં ધમાલ વખતે પરાનું નામ બદલાઈને શું થઈ જાય ખબર છે? ઘોંઘાટકોપર.
** ** **
ધરમને નામે ધમાલ
કરમને નામે કમાલ