ગાયને અને ભાઈને ખવડાવો વાસી રોટલી
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
- ' આ તારી કાકી દરરોજ બે-ચાર દિવસની ટાઢી અને વાસી રોટલી ખવડાવે એને લીધે ગાય વટકી હશે એટલે ચવડ રોટલી ખાતાની સાથે જ ઢીંક મારી. હવે તો મારે નવી કહેવત કોઈ ને કરવી પડશે કે દીકરી ને ગાય ઢીંક મારીને ખાય...'
પથુકાકાનો એક તકિયા-કલામ છે, 'કાકા કાયમ છોડે તકલીફના તાકા તોય તારી કાકી કહે કે કાકા ચાલે વાંકા.'
મેં પૂછયું, 'કાકા, આજે શું નવી તકલીફ ઉભી થઈ 'કાકીસ્તાન'ની સરહદે?' પથુકાકાએ જવાબ આપ્યો, 'સવારના પહોરમાં આ તારી મૂંઢ જેવી કાકીને મૂંઢમાર વાગ્યો. ગાયને રોટલી ખવડાવવા ગઈ ત્યારે ગાયે ઢીંક મારતાં તારી કાકી પડી ગઈ એમાં પગે માર વાગતા વૈદરાજ પાસે લેપ લેવા દોડવું પડયું.'
મને નવાઈ લાગતા પૂછયું,'ગાયને રોટલી ખવડાવવા ગયાં એમાં ગાયે ઢીંક શું કામ મારી?' કાકા ધીરેકથી બોલ્યા, 'આ તારી કાકી દરરોજ બે-ચાર દિવસની ટાઢી અને વાસી રોટલી ખવડાવે એને લીધે ગાય વટકી હશે એટલે ચવડ રોટલી ખાતાની સાથે જ ઢીંક મારી. હવે તો મારે નવી કહેવત કોઈ ને કરવી પડશે કે દીકરી ને ગાય ઢીંક મારીને ખાય...'
ખાટલે પડેલાં કાકીએ આ સાંભળીને બેડરૂમમાંથી રાડ પાડી, 'બેઠાં બેઠાં મારી રોટલીને શું વગોવો છો? યાદ રાખજો, રોટલી વણવાનું જ બંધ કરી દઈશ, પછી મારજો ભાત અને ખીચડીના લોંદા.'
રોટી- રમખાણ થશે એવો અણસાર મળતા મેં મામલો ટાઢો પાડવા કાકીના પક્ષમાં બોલતા કહ્યું,'કાકા, હમણાં જ કોઈક છાપાની હેલ્થ કોલમમાં વાંચ્યું કે તંદુરસ્તી ટકાવવી હોય તો ગરમાગરમ રોટલીને બદલે આગલા દિવસની વાસી રોટલી ખાવી જોઈએ.'
કાકાએ સવાલ કર્યો , 'વાસી રોટલીથી શું ફાયદો થાય, કહે તો ખરો?' મેં કહ્યું, 'વાસી રોટલી ખાવાથી એસિડીટી, ગેસ, બ્લડ- પ્રેશર જેવી બીમારીનું જોખમ ઓછું થાય છે, કારણ કે રોટલી આખી રાત ઝાકળીઆમાં પડી રહે ત્યારે એમાં સારા એવા પ્રમાણમાં પ્રી-બાયોટિક્સ બની જાય છે. એટલે જે ખાય વાસી રોટી એને બીમારી ન જાય ચોંટી.'
આ વાત સાંભળતાની સાથે જ કાકી લંગડાતા પગે દીવાનખાનામાં આવી ગયાં અને કાકા સામે જોઈને તાડૂક્યાં, 'વાસી રોટલીના ગુણ સાંભળ્યાને? અત્યાર સુધી ગાયને વાસી રોટલી ખવડાવતી, પણ હવે તો તમનેય રોજ વાસી રોટલી ખવડાવીશ.' કાકી પોતાનો સંકલ્પ જાહેર કરીને પાછા બેડરૂમમાં ચાલ્યાં ગયાં એટલે કાકા મને ધબ્બો મારીને બોલ્યા, 'તેં તો મારી ગરમ રોટલી ટાળી હોં! આ તારી કાકી એટલે વાસી ચોટલી, હવે ધરાર મને વાસી રોટલી ખવડાવીને રહેશે.'
મેં હસીને કહ્યું, 'જે જે ગૃહિણીઓ આ વાસી રોટલીના ગુણ વાંચશે એ પોતપોતાના ધણીને વાસી રોટલી ખવડાવતી થઈ જશે અને બટકા કરીને કહેશે કે ગાયને પણ વાસી રોટલી અને તમારા ભાઈને પણ વાસી રોટલી.'
કાકા બોલ્યા, 'હશે હવે, ઊની રોટલી ખવડાવે કે ટાઢી રોટલી, ઘરવાળીના હાથમાં જ હોય છે ને ધણીની ચોટલી?'
મેં કહ્યું, ' બ્રેડ, બર્ગર, હોટ- ડોગ, પિઝા જેવું ફાસ્ટફૂડ અને ચરબીયુક્ત ખાણું તેમજ નોનવેજ ફૂડ ખાતા હોય એમને અલ્ઝાઈમર્સ (સ્મૃતિભ્રંશ)ની બીમારીનો ખતરો રહે છે, પણ ગુજરાતીઓની જેમ રોટલી, દાળભાત અને લીલા શાક ખાતા હોય એમને ભૂલવાની બીમારીનું જોખમ ઓછું રહે છે એવું જ હમણાં સંશોધન થયું છે. એમાં પણ રોટલી ખૂબ ચાવી ચાવીને ખાવાથી શરીરને સારામાં સારું પોષણ મળે છે.'
આ સાંભળી ફરીથી કાકી પાણીની ડંકીની જેમ લંગડતા પગે આવી બોલી ઉઠયાં,'જોઈ અમારી રોટલી અને દાળ, ભાત, શાકની કમાલ? યાદશક્તિ તેજ થાય અને ભૂલકણાપણાની બીમારીથી બચી શકાય.'
આ સાંભળતાની સાથે જ કાકાએ સિક્સર ફટકારી, 'તારી વાત સાવ સાચી, તારા હાથની રોટલી, દાળ- ભાત, શાક આખી જિંદગી ખાધા એમાં જ તારી સાથે લગ્નની પહેલી ભૂલ કરેલી એ ભૂલને આજ સુધી ભૂલી નથી શક્યો.'
આ વાત ચાલતી હતી ત્યાં શેરીમાંથી માગણ બાઈએ ટહેલ નાખી, 'એ બેન... કોઈ ટાઢી સૂકી રોટલી આપજો.'
આ સાંભળતાની સાથે જ કાકાએ હસીને કાકીને કહ્યું, 'ઝટ જઈને આ તારી સગલીને તાજી માજી રાખવા ટાઢી રોટલી ખવડાવી આવ. એટલે પછી સહુ કહેશે કે ખવડાવે ગાયને, બાઈને અને ભાઈને ટાઢી રોટલી, કાકી છોડે તંદુરસ્તીની તરકીબની પોટલી...'
મેં કહ્યું,'રાજકારણના રસોડે તો સહુ પોતપોતાની રોટલી જ શેકવામાં પડયા હોય છે. એમાં પણ જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે તો વેકેશન નહીં, પણ પોતપોતાની રોટલી શેકવાનું શેકે-શન જ શરૂ થઈ જાય છે. શું કયો છો, કાકા?'
પથુકાકાએ ચહેરા પર અડધી બળેલી રોટલી જેવો ભાવ લાવીને કહ્યું, 'હું તો એટલે જ કાયમ કહું છું કે રાજકારણને રસોડે વાળુ છે, અહીં કોણ પૂછવાવાળું છે? રોટલી વણાય લોટથી અને વોટ મેળવાય નોટથી.'
'એટલે જ રાજકારણને રસોડે વોટ ખાતર શેકાય એને હું રોટલી નહીં, પણ શું કહું છું ખબર છે? વોટલી...'
મેં કહ્યું , 'કાકા, આઝાદી પછી સત્તા ઉપર આવ્યા એ બધા પોતપોતાની રોટલી શેકવા લાગ્યા એ તો આપણે જોઈએ છીએ, પણ તમને ખબર છે? આઝાદી મેળવવા માટે ૧૮૫૭માં બળવો થયો ત્યારે ક્રાંતિકારીઓએ રોટલીનો ઉપયોગ સાંકેતિક સંદેશાની આપલે માટે કરેલો?'
'ઓહોહો... આ તો મને ખબર જ નહીં હોં! હવે મને સમજાયું કે તારી કાકી મને કાયમ અડધી બળેલી રોટલી કેમ ખવડાવે છે. હું જો વિરોધ કરું તો તરત સંભળાવે છે કે ૧૮૫૭ના બળવાની સ્મૃતિ કાયમ રહે માટે રોટલીમાં બળવાની વાસ તો આવવા દો!'
મેં હસીને કાકાની બળતરાને ઔર ભડકાવતા કહ્યું, 'વર્ષો પહેલાં નવલકથા લખાઈ હતી 'મળેલા જીવ', હવે તમે બળેલી રોટલીની જીવનભરની બળતરા સહીને નવલકથા લખજો અને ટાઈટલ આપજો 'બળેલા જીવ.''
અંત- વાણી
ગરીબોને આપે રોટલા
બદલામાં કહેશે વોટ-લા.
* * *
સવાલઃ ચા સાથે પૌષ્ટિક વાસી રોટલી ખાવાની મજા કંઈક ઔર છે. ચા અને રોટલી બંનેને સમાવી લે એવું કયુ ગામ છે?
જવાબઃ મુંબઈ નજીક પાલઘર જિલ્લામાં આવેલું ગામેઃ ચા- રોટી.