આસમાનમાં એકીકરણ કરે એવાં અપલખણાને આપો 'આ-ધાર' કાર્ડ

Updated: Jan 24th, 2023


બોજ વિનાની મોજ - અક્ષય અંતાણી

(હો)બાળાકાકી લંડનમાં  સેટલ થયેલા મોટા દીકરાને પહેલી વાર મળવા જતાં હતાં. લંડન જતાં હોવાથી  ધીરે ધીરે 'ઈંગ્લિશ'નો નશો ચડવા માંડયો.  મેં અને કાકાએ ટેક્સીમાં સામાન ચડાવ્યો. કાકીએ ટેક્સીમાં બેસતાં પહેલાં આડોશી પાડોશીને  ગુજરેજીમાં  આવ-જો... કરતા હાથ ઊંચો કરી કમ-જો... કમ-જો... કહ્યું.

ટેક્સી એરપોર્ટ તરફ આગળ વધી એટલે પથુકાકાએ કાકીની ટીંગલ કરતાં કહ્યું,'છ-છ બેગ લઈને પ્લેનમાં જાય  છે તે 'બેગર' જેવી લાગીશ.' કાકી બોલ્યાં, 'છ મહિના ઈન્વેસ્ટમેન્ટ (રોકાણ) કરવાની છું એટલે બેગેજ તો હોય જને?' હસીને કાકા બોલ્યા, 'હે ભગવાન...  ઈંગ્લિશના નશામાં તું શું- શું બોલે  છે એનું ભાન છે?' કાકી બોલ્યાં, 'ઈંગ્લિશના નશામાં ભાયડા સૂ-સૂ કરે છે એનું કાંઈ નહીં?'

એરપોર્ટ પહોંચી સામાન ઉતાર્યો. ફલાઈટને હજી ચાર કલાકની વાર હતી  એટલે  કાકી, હું અને પથુકાકા બેઠાં. કાકીએ સવાલ કર્યો કે મારી ટિકિટ કઈ એરલાઈન્સની છે? કાકાએ મજાક કરતા જવાબ આપ્યો, 'ભારતની હવા.' કાકી તાડૂક્યાં, 'આવું તે કાંઈ નામ હોતું હશે? ભારતની હવાઅને ભારતનું પાણી?' ખડખડાટ હસીને કાકા બોલ્યા, 'તને ઈંગ્લિશનો નશો ચડયો એમ મને 'દેશી'નો કેફ ચડયો એટલે એર-લાઈન્સનું  નામ કહ્યું છે, એર-ઈન્ડિયા.'

એર-ઈન્ડિયાનું નામ સાંભળી કાકી ગભરાઈને બોલ્યાં, 'હાય હાય... એર-ઈન્ડિયાના વિમાનમાં  જવાનું છે?' મેં પૂછ્યું 'કાકી, એર-ઈન્ડિયાનું નામ સાંભળી મોંઢામાંથી  હાયકારો કેમ નીકળી ગયો?' કાકી બોલ્યાં, 'એર ઈન્ડિયાના પ્લેનમાં જ એક પીધેલા પ્રવાસીએ મારી  ઉંમરના ડોશીમાનું મોઢું બગાડયું હતુંને? આવો કોઈ માથાનો મૂત્રસેન પ્લેનમાં ભટકાઈ જાય તો શું થાય?'

પથુકાકા બોલ્યા, 'એમાં બીજું શું થવાનું? આવો કોઈપીધેલો પ્રવાસી નજરે પડે કે તરત તારે માસ્ક ઊતારીને મોઢે ડાયપર બાંધી દેવાનું.' છણકો કરીને (હો)બાળાકાકી બોલ્યાં, 'નવી નવી ઉપાધી ઊભી થાય છેને? પહેલા મને હાયપર ટેન્શનની વ્યાધિ લાગુ પડી અને હવે પ્લેનમાં ડાયપર ટેન્શન... શું દિવસો આવ્યા છે?'

પથુકાકા બોલ્યા, 'સાવ સાચી વાત છે તારી. તું આપણાં અપલખણા અપ્પુડાને મળવા લંડન જાય છેને? ઈ અપ્પુડો નાનો હતો ત્યારે પાળી ઉપર ચડી  સેર ઉડાડતો.  જ્યારે  આજે મોટા ઢાંઢા પીને સેર ઉડાડે છે એ કેવું  ખરાબ લાગે? આનું શું કરવું?'

કાકી બોલ્યા, 'એમાં કરવાનું શું? એર-ઈન્ડિયાનું નામ બદલીને કરી નાખો સેર-ઈન્ડિયા'.

કાકીનો ડાયલોગ સાંભળી હુંઅને કાકા ખડખડાટ હસી પડયા.  કાકીએ સવાલ કર્યો, 'જમીનથી હજારો ફૂટની ઉંચાઈએ આ રીતે બધા પેસેન્જરની વચ્ચે એકીકરણ કરે એની સામે  શું પગલાં લેવાય?'

પથુકાકાએ જવાબ આપ્યો,'મેં સાંભળ્યું છે કે પ્લેનમાં આવી હરકત કરે એની ઉપર પ્લેનમાં પ્રવાસનો મુદતિયો  પ્રતિબંધ લગાડવામાં  આવે છે.' કાકીએ પૂછ્યું, 'પણ ખબર કેમ પડે કે એ માણસે  પ્લેનમાં  મેકવોટર કરેલું?'

કાકા ટીખળ કરતા બોલ્યા, 'આપણને જેમ વોટરકાર્ડ અપાય છેને? એવી રીતે જાહેરમાં પી-પી કરવાવાળાને મેક-વોટરકાર્ડ આપવામાં આવે છે. ટૂંકમાં, જાહેરમાં ધાર કરેલી એ એરપોર્ટ ઓથોરિટીને ખબર પડે માટે હવેથી  ખાસ આ-ધાર કાર્ડ આપવામાં આવશે?'

મેં કહ્યું, 'કાકા, તમને યાદ છે? ગુજરાતમાં  એક તો દારૂબંધી અને વળી બીજેપીની સત્તા. એ વખતે બહારથી આવનાર દારૂ માગે તો લોકો મજાકમાં કહેતા કે બીજે-પી,ગુજરાતમાં નહીં. એવી રીતે હવે પ્લેનમાં દારૂના નશામાં ચકચૂર થઈ કોઈ પી-પી કરવાની હીણી હરકત  કરશે તો એને કહી શકાશે કે બીજે-પીપી.'

કાકા કહે, 'અણધડ, અળવિતરા કે અભણ પહેલી વાર પ્લેનમાં  સફર કરતા હોય ત્યારે જાણતા-અજાણતા એવી એવી હરકત કરતા હોય છે કે વાત ન પૂછો. ઘણાં વર્ષો પહેલાં હું દુબઈ જતો હતો. મારી બાજુમાં ડાયરાના કલાકારો બેઠા  હતા. દુબઈ બાજુ ગુજરાતી સમાજમાં  પોગ્રામ આપવા જતા હતા. બારી પાસે વિન્ડો  સીટમાં  બેઠેલો કલાકાર બસ કે  ટ્રેન સિવાય કોઈ વાહનમાં બેઠો નહોતો. પહેલી વાર પ્લેનમાં બેસવાનો મોકો મળ્યો એટલે એ આભો બની ચકળવકળ આંખો કરતાં બધું જોતો હતો. ટેસમાંઆવીને તેણે તમાકુવાળું પાન ગલોફામાં દબાવ્યું હતું. પ્લેનમાં એક ફિક્સ ગ્લાસ વિન્ડો હોય છે અને અંદરની તરફ તડકો આવે તો બંધ કરી શકાય એવી વિન્ડો  હોય છે. હવે પાન જમાવીને બેઠેલા કલાકારને  આવી ક્યાંથી ખબર હોય? વીસેક મિનિટ થઈ એટલે એણે તો ધીરેકથી  અંદરની બાજુની વિન્ડો ઊંચી કરી પિચકારી મારી. પિચકારી બહારની તરફની વિન્ડો પરથી રિબાઉન્ડ થઈ અને પાનેશ્રીના કપડાં બગાડયાં. ભાઈને તો  એસટી બસની બારીમાંથી  બહાર થૂંકવાની આદત ખરીને?તરત એક એર હોસ્ટેસ દોડતી આવી અને કમને વોટર સ્પ્રેયરથી સાફ કરી ગઈ. એટલે  ડાયરાના કલાકારે  એર-હોસ્ટેસની આ કામગીરીને  બિરદાવતા  કહ્યું ઘણી ખમ્મા... ઘણી ખમ્મા... મારા બેટું આ તો કહેવું પડે હો? મેં બગાડયું ને આ પારકી કન્યા આવી પોતું મારી સાફ કરી ગઈ. ઘરે તો મારી  બાઈડી મારી  પાસે જ પોતાં કરાવીને વળી શેખી કરે છે કે 'પોતાના' ઈ પોતાના.'

એરપોર્ટ પર બેઠા બેઠા  અમે શંકા-પુરાણ ઉખેળ્યું એમાં ક્યાં  ટાઈમ નીકળી ગયો એ  ખબર ન પડી.  એનાઉન્સમેન્ટ થયું - લંડન જાનેવાલી એર ઈન્ડિયા કી ફલાઈટ ઉડાન કે લિયે તૈયાર હૈ, યાત્રી કૃપયા અપની સુરક્ષા જાંચ કરવા લે. પથુકાકા બોલ્યા , 'જમીન પર તો બધાની  સુરક્ષા જાંચ કરો છો, પણ આકાશમાં  જઈ પીને પ્લેન માથે લે એવાં પરાક્રમી પેસેન્જરો સામે બીજા યાત્રીઓની સુરક્ષાનું શું?'

(હો)બાળાકાકી સુરક્ષા જાંચ માટે ધીમે ધીમે આગળ વધ્યાં અને જરાક મલકીને પથુકાકાની  સામે જોઈ હાથ ઊંચો કરી બોલ્યાં,  'ટાટા... ટાટા... સંભાળજો હો?' કાકા બોલ્યા, 'એર ઈન્ડિયામાં  જાય છે એટલે ટાટાવાળા તને સંભાળશે.'

અંત-વાણી

એર લાઈન્સનું નામ એર-     ઈન્ડિયા,

યાત્રીઓની સંભાળ લે એ કેર-     ઈન્ડિયા

કોઈ પ્રવાસી વટકે તો કહેર-     ઈન્ડિયા

ફલાઈટ મોડી પડે તો દેર-ઈન્ડિયા

**  **  **

અપલખણા પેસેન્જરો સામે

સલામત રહે હવાઈસુંદરી,

એ માટે હટ્ટીકટ્ટીને હાડેતીને

બનાવો હવાઈ-સુંદરી,

જેને જોઈને જ પેસેન્જર હવાઈ     જાય

ભલે એવી હોય હવાઈ-સુંદરી.

**  **  **

બાદશાહો પોતાના જનાન ખાનાની બેગમોની રક્ષા માટે સુરક્ષા ગાર્ડ તરીકે વ્યંડળો રાખતા. આવી રીતે વિમાનમાં  અળવીતરા પેસેન્જરોની કનડગતથી થાકી દૂર-પૂર્વના દેશની એરલાઈન્સે એરહોસ્ટેસ તરીકે સુંદર તૃતીયપંથીઓને રાખ્યા છે.

**  **  **

એક એરલાઈન્સની એરહોસ્ટેસ્ટોને માટેની સૂચનાઃ કમરનો ઘેરાવો કાબૂમાં નહીં રાખો તો તમારી  જગ્યાએ ન્યુ-કમરને રાખીશું.

**  **  **

પ્લેનમાં પીનારા માટે સૂચનાઃ

નશો કરી પછી ન-શો કરો.

**  **  **

સહુની  જળવાય સલામતી

અને તંદુરસ્તી,

કોઈ કરે નહીં હરકત ખરાબ,

માટે વિમાનમાં શરાબને બદલે

પીરસો રાબ.


    Sports

    RECENT NEWS