mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

કારની જેમ સર-કારમાં પણ સીટ-બેલ્ટ ફરજિયાત?

Updated: Sep 20th, 2022

કારની જેમ સર-કારમાં પણ સીટ-બેલ્ટ ફરજિયાત? 1 - image


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

કાર અને  સર-કારનું  એવું છે  કે સડસડાટ  ચાલે ત્યાં  સુધી વાંધો નહીં, પણ  એકવાર ખોટવાય ત્યારે  ધક્કા મારીને  ચલાવવી  પડે. એવું  જ ગાડી અને લાડીનું  છે.  ગાડી અને લાડી  ચાલે આડી તો કૈંકને  દે ઊડાડી. કારમાં  હોર્ન વાગે  અને સર-કારમાં  વિપક્ષો હોર્ન (શિંગડા) વગાડે.  ગાડી  શીખવા લર્નિંગ લાયસન્સ જોઈએ અને લાડી  મેળવવા અર્નિંગ લાયસન્સ જોઈએ.

હું કાર, સર-કાર, ગાડી અને લાડીના વિચારોના ચક્કરમાં  ધુમતો  હતો ત્યાં પથુકાકા  કપાળે  બરફની થેલીનો શેક  કરતા આવ્યા.  કપાળે મોટું  ઢીમડું  થયું હતું અને નાક પર પણ ઊઝરડા પડયા હતા.   મારા પેટમાં  ફાળ પડી. પૂછ્યું, 'કાકા, ક્યાં ઘાયલ થઈને  આવ્યા? પરણીને કપાળ કૂટતા થઈ કે શું?'

પથુકાકા મને ધબ્બો મારી  બોલ્યા, 'એલા... મારું  કપાળ રંગાઈ ગયું અને તને મશ્કરી સૂઝે છે? આ  તો એવું  થયું કે હું  અને તારી કાકી ઓળખીતાની કારમાં  ગણપતિ  દાદાના દર્શન કરીને  આવતાં  હતાં ત્યારે  રસ્તામાં  મોટો ખાડો આવ્યો  અને ડ્રાઈવરે જોરદાર ઈમર્જન્સી બ્રેક મારી  એમાં  મારું માથું  આગલી  સીટના  સળિયા સાથે ભટકાયું અને  કપાળ રંગાઈ ગયું.'

મેં સવાલ કર્યો,  'કાકા, તમે બેલ્ટ નહોતો પહેર્યો?' પથુકાકા બીજો ધબ્બો મારી  તાડૂક્યા, 'અલ્યા, અક્કલના  ઓથમીર... ધોતિયા ઉપર ક્યાં બેલ્ટ પહેરાય? બેલ્ટ તો પેન્ટમાં  પહેરાયને?'

મેં ખડખડાટ હસીને કાકાની  ગેરસમજ દૂર  કરતા કહ્યું ,'અરે કાકા! જરા  સમજો તો  ખરા? હું સીટ-બેલ્ટની  વાત કરૂં છું, પેન્ટના બેલ્ટની  નહીં,  સમજ્યા?'

પથુકાકા બોલ્યા, 'અરે  ભાઈ, પાછળ બેઠેલાએ પણ શું બેલ્ટ પહેરવાનો? બેલ્ટ  તો ડ્રાઈવિંગ  કરવાવાળાએ અને  જે આગલી  સીટમાં બેઠા  હોય એણે  પહેરવો પડે, પાછળવાળાએ બેલ્ટ  પહેરવો  પડે એવું  કોણે કહ્યું?

મેં કાકાને  સમજાવ્યા કે, 'કાર અકસ્માતો  વધતા જાય છે  અને એમાં જીવ ગુમાવનારાની  સંખ્યા પણ વધતી જ જાય છે એટલે  સરકારે  આદેશ બહાર પાડયો  છે કે  હવે કારમાં  પાછળ બેઠા હોય  તેણે પણ  ફરજિયાત  બેલ્ટ પહેરવો  પડશે  બેલ્ટ,  નહીંતર દંડ થશે દંડ.'

કાકા તરત જ નવાઈ પામી બોલી ઉઠયા,'હવે  કહેવું પડશે કે ખરા અર્થમાં  અચ્છે દિન આ ગયે.'

મેં કહ્યું, 'કાકા,  કારના સીટ-બેલ્ટની  વાતમાં  વચ્ચે  આ અચ્છે દિન આ ગયે એ શેના પરથી  કહો  છો?' કાકા બોલ્યા, 'આવનારા દિવસોમાં  બેલ્ટ એટલે  કે 'પટ્ટાવાળા' કારમાં  ફરવા માંડશે. આ પ્રગતિની નિશાની જ કહેવાયને? રસ્તા   પર અજબ  નઝારો  જોવા મળશે  હો?  ઝેબ્રા ક્રોસિંગ  ચટ્ટાપટ્ટાવાળા અને  કારમાં   ફરશે પટ્ટાવાળા!'

મેં કાકાને  કહ્યું, 'સરકારને  જનતાના જીવની કેટલી  ચિંતા છે, જોયું? કાર અકસ્માતમાં  કોઈ જીવ ન ગુમાવે  માટે  સીટ-બેલ્ટ પહેરવાનું ફરજિયાત કર્યું ને?' કાકા કહે,'એમ તો  ટુ-વ્હીલરવાળા પટકાય ત્યારે માથું  બચી જાય  માટે હેલ્મેટ પહેરવાનું  ફરજિયાત છે, છતાં દંડની  ઐસીતૈસી  કરી કેટલાય બાઈક-સ્કૂટરવાળા  ઊઘાડા માથે ફરતા જ  હોય  છેને?  આદેશનું પાલન ન કરે  એ માઠા (કે માથાં) પરિણામ ભોગવે જ છેને?'

મેં કહ્યું, 'કાકા, એમ તો ગુજરાતમાં શહેરનું નામ જ પાલનપુર છે. છતાં ત્યાંના  લોકો પણ  ક્યાં બધા નિયમોનું  પાલન કરે  છે?   પાલનપુરમાં  હાથીસાહેબ  કહેતા કે- બાળકોનું  કરો લાલનપાલન અને  મોટેરાઓ  કરે નિયમોનું  પાલન તો લેખે  લાગે ગામનું  નામ પાલનપુર.'

પથુકાકા કહે, 'વાત સાવ સાચી. સરકાર કરે સહુની દરકાર અને લોકો કારના  નિયમનું  પાલન કરીને કરે પડકાર તો પછી   એને વાગે  જ છે ને ફટકાર?  તે જોયું ને કાર,  સર-કાર, દર-કાર, પડ-કાર અને ફટ-કાર એ બધા શબ્દોમાં  છેલ્લે કાર જ આવે છેને?'

મેં કહ્યું , 'કાકા, કાર  અકસ્માત  વખતે જીવ  બચાવવો હોય તો  સીટ-બેલ્ટ પહેરવો જ પડેને? સીટ-બેલ્ટ ન પહેરો  તો અથડામણ વખતે કારમાંથી  બહાર  ફેંકાઈ જવાનું કે   પછી  ઉથલી પડવાનું  જોખમ રહે જ છેને?'

પથુકાકા બોલ્યા, 'મને લાગે છે કે  અકસ્માતને   ભેટતી કાર અને અકસ્માતે  રચાતી  આજકાલની સાંઘાવાળી કૈંક સર-કારના ખેલ જોઈને  મને વિચાર  આવે છે કે  કારમાં બેઠેલા  માટેનો નિયમ સરકારમાં  બેઠેલા પણ લાગુ  કરે તો કહેવાય નહીં.'

મેં કહ્યું, 'કારનો નિયમ સરકારો પર લાગુ કરશે એનો મતલબ શું?'

પથુકાકા લીડરો જેવું  લુચ્ચું  હસીને  બોલ્યા, 'હવે જે  પાર્ટીની  સરકાર હોય એ  પોતાની પાર્ટીના  પ્રધાનો  અને  ધારાસભ્યોને ફરમાન બહાર પાડશે  કે બધા  સીટ-બેલ્ટ બાંધીને  બેસજો,  નહીંતર  અકસ્માતે  ક્યારે ફેંકાય જવાય એનો ભરોસો નહીં.  એટલે  સહુને સૂત્ર  આપશે કે કારમાં પણ સીટ-બેલ્ટ. અને સરકારમાં  પણ સીટ બેલ્ટ.'

જમીનથી આભ સુધી  પટ્ટા બાંધો તો આવે નહીં વાંધો

માન ન માન હમ દેખેંગે વિમાન... પથુકાકા અને (હો)બાળાકાકીએ  કોઈ દિવસ  વિમાનમાં પ્રવાસ  નહોતો  કર્યો એટલે  મેં તીર્થયાત્રાએ બન્નેને  પ્લેનમાં લઈ  જવાનું નક્કી કર્યું.   ત્રણેક મહિના  એડવાન્સમાં  ટિકિટ  બુક કરાવી એટલે   સસ્તા ભાવે   મળી ગઈ.  બસ ત્યારથી  પથુકાકા  એક જ  રટણ કરતા  હતા કે  માન ન માન હમ દેખેંગે વિમાન...

વિમાનમાં  હવાઈ સફરનો  દિવસ  આવ્યો.  હું, કાકા અને કાકી  પ્લેનમાં  ગોઠવાયાં.  કાકા તો  ચકળવકળ આંંખો  ફેરવતા  હવાઈ  સુંદરીને  જ ગોતતા હતા. પ્લેન ટેક ઓફ  લેવાની તૈયારીમાં  હતું,   પ્લેનના  સ્પીકરમાં એરહોસ્ટેસના  અવાજમાં  સૂચના કાને પડી-  પ્લીઝ  ફાસન યોર સીટ-બેલ્ટ... પછી  એ જ સૂચના હિન્દીમાં  સંભળાઈઃ  અપની અપની  પેટી  બાંધ લીજિયે... તરત કાકા ઊભા થયા અને  ઉપર લગેજનું  ખાનું  ખોલી  પોતાની  પેટી  બાંધવાનો પ્રયાસ  કરવા લાગ્યા.  આ જોઈ  એક ગોલમટોળ હવાઈ-સુંદરી  દોડતી  આવી અને  તાડૂકી,' અંકલ, કયા કર રહે હૈ?'  કાકા ભોળાભાવે   બોલ્યા, ' આપને  કહા  એટલે પેટી બાંધ રહા હું...' જવાબ સાંભળી પેલી   ટનબદન  હવાઈ સુંદરી   ખડખડાટ હસીને  બોલી, 'ચાચા, પેટી મતલબ સીટ પે જો બેલ્ટ હૈ વહ  કમર  પે બાંધ  લીજિયે, સમજે?'

ઝંખવાણા પડી ગયેલા કાકા ચૂપચાપ બેસી ગયા  અને હવાઈસુંદરી દૂર ગઈ એટલે દાંત ભીંસી બોલ્યા, 'અલી, અમને તું કમરપટ્ટો કસીને બાંધવાનું  કહે છે? તેં પોતે સમયસર કમરપટ્ટો  કસીને બાંધવાનું રાખ્યું હોતને તો તારી કમર  આમ કમરામાં ન ફેરવાત, સમજી?' 

રંગીલા સ્વભાવના કાકાને રગેરગ ઓળખતા (હો)બાળાકાકી બોલ્યાં, 'તમારી  જેવાં ગમે  ત્યાં  લટ્ટું થઈ જતા  પેસેન્જરો  તરફથી કોઈ  જોખમ ન રહે  એટલે જ  ઘણી એર-લાઈન્સો  જેને જોઈને  ભલભલા  હવાઈ  જાય એવી  હવાઈ-સુંદરીને નોકરીએ રાખતી હશેને?'

મેં  ગિન્નાયેલા કાકાને જરા ટાઢા પાડતા  કહ્યું, 'કારની જેમ પ્લેનમાં  પણ જોખમથી બચવું હોય  તો કમરપટ્ટો  બાંધવો  પડે સમજ્યા? એટલે જ હું કહું છું -

ધરતીથી  આભ સુધી

કમરપટ્ટા બાંધો,

તો અથડામણ વખતે

આવે નહીં વાંધો.'

આ સાંભળી વધુ ખીજાયેલા કાકા બોલ્યા, 'આ શું કમરપટ્ટો... કમરપટ્ટો એવું ગાણું ગાયા કરે છે? તું કમરપટ્ટાની પીંજણ કરે છે, પણ દુનિયામાં ક્યાં કોઈ અમરપટ્ટા લખાવીને  આવે છે?'

બોલો! કાકા સાથે  કોણ માથાઝીક  કરે?  છેવટે  મેં  કંટાળીને  કહ્યું,'કાકા, જીવનનો જીતવો હોય  સટ્ટો તો  મોઢે  મારો  દટ્ટો અને કમરે  બાંધો પટ્ટો.'

અંત-વાણી

સંસારની ગાડી સડસડાટ હંકારે  એ વર સાચો ડ્રાઈવર. 

જે વર શુષ્ક મિજાજનો  હોય એ ડ્રાય-વર.

**  **  **

બા બા ચા... આને મરાઠી-અંગ્રેજીમાં મિશ્રણવાળી ભાષામાં શું કહેવાય?

આઈ આઈ ટી!

**  **  **

સિટી બસનું  સ્ટોપ આવ્યું એટલે  ધણી ઠેકડો મારી ઉતરી ગયા અને બસ  ઉપડી ગઈ. ધણિયાળી બસમાં રહી ગયાં. હાંફળાફાંફળા  બની  ગયેલા  ધણીને કોઈએ ધરપત આપતા  કહ્યું  ઃ ચિંતા ન કરો, બસમાં સૂચના  લખેલી જ હોય  છે કે  ધણીધોરી  વગરની 'નધણિયાતી' ચીજોને  અડકશો નહીં.

**  **  **

સવાલઃ અમારા અમેરિકામાં  તો  ફેમિલીના દરેક મેમ્બર દીઠ એક  એક કાર છે, ઈન્ડિયામાં શું  સ્થિતિ છેઃ

જવાબઃ અમારી પાસે નવ-કાર છે.

**  **  **

અકસ્માતથી બચવાનો  એક જ

મંત્રઃ અહંકારની  કાર ન-હંકાર.

Gujarat