ભાષાને વળગે ભૂર, ભગા કરે ભરપૂર
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
ભાષાને વળગે શું ભૂર, રણમાં જીતે ઈ શૂર... પણ કાકા ફેરવીને કહે કે, ભાષાને વળગે શું ભૂર 'પ-રણ'માં જીતે ઈ શૂર...ટૂંકમાં, કાકા રણમેદાનમાં નહીં પણ પ-રણમેદાનમાં જે જીતે તેને શૂર કહે છે. રણમાં શૂરવીરતા દાખવે એ રણવીર અને પરણીને શૂરવીરતા દાખવે એ પ-રણવીર...
અંગ્રેજો ગયા અને અંગ્રેજી મૂકતા ગયા. કાકાનો જનમ પણ આઝાદી પહેલાં થયો હતો એટલે અંગ્રેજીની છાયામાંથી બહાર નથી આવ્યા. અંગ્રેજી અને ગુજરાતીની મિલાવટવાળી ગરવી ગુજરેજીમાં પથુકાકા ફફડાવ્યા કરે અને પાછા વટથી કહે કે હું તો મધરટંગ પણ જાણું અને પારકી અધર-ટંગ પણ જાણું એટલે ગુજરેજી વાપરીને મોજ માણું.
શનિવારે સવારે કાકા તેલની નાનકડી ટબુડી લઈને નીકળ્યા. મેં કાકાને પૂછ્યું, 'કંઈ તરફ જાવ છો?' કાકાએ જવાબ આપ્યો, 'શનિવાર છેને એટલે રોકડિયા હનુમાન મંદિરે ઓઈલીંગ કરવા જાઉં છું.' મેં ખડખડાટ હસીને કહ્યું, 'હનુમાન મંદિરે ઓઈલીંગ કરવા જાઉં છું એમ કહેવાને બદલે સીધે સીધું કહોને કે હનુમાનજીને તેલ ચડાવવા જાઉં છું?' કાકા બોલ્યા, 'માતૃભાષાનું અને પારકી ભાષાનું સન્માન કરવું જોઈએ એમ ભાષાશાસ્ત્રીઓ કહે છેને? એટલે હું મધરટંગની સાથે અધરટંગનો પણ ઉપયોગ કરૃં છું. પડી સમજ?'
મેં સવાલ કર્યો, 'કાકા, આપણી ભાષાને માતૃભાષા કેમ કહેવાય છે?' કાકાએ હસીને કહ્યું, 'ભાષાને માતૃભાષા જ કહેવાયને? દરેક ઘરમાં માતા જ બોલ-બોલ કરે છે, પિતાને બોલવાનો ચાન્સ ક્યાં મળે છે? એટલે માતૃભાષા જ કહેવાયને!'
અમે ઊભા ઊભા ભાષાની ભાખરી શેકતા હતા ત્યાં દૂરથી કાકાનાં જીવન સંગિની અને તંગીમાં સાથ આપે એવાં જીવન તંગીની (હો)બાળાકાકીને આવતાં જોયા. કાકા તરત જ બોલી ઉઠયા, 'જો દૂરથી મારી કૂકરી આવે છે કૂકરી... હવે ઘરે પહોંચશે પછી અમે ખાવા ભેગા થાશું.'
મેં નવાઈ પામી પૂછ્યું, 'કાકીને કૂકરી કેમ કહો છો? કૂકરી તો કેરમમાં હોય.' કાકા મૂછમાં હસીને બોલ્યા, 'આ જ મારી ગરવી ગુજરેજી ભાષાની કમાલ છે. રાંધવું એને અંગ્રેજીમાં કૂકિંગ કહે છે બરાબર? એટલે મારી ઘરવાળી અને તારી કાકી કૂકિંગ કરે એટલે એ મારી કૂકરી, બરાબર? એ મારી કૂકરી અને હું એનો મોજીલો મુકરી...'
મેં પૂછ્યું,'કાકીનું મગજ ઠેકાણે હોય અને રાંધે ત્યારે કૂકરી કહેવાય. એ બરાબર, પણ ક્યારેક એમની કમાન છૂટકે અને રાંધે નહીં અને તમારે રાંધવાનો વખત આવે ત્યારે શું થાય?'
કાકાએ જવાબ આપ્યો, 'કાકી રાંધે ત્યારે કૂકરી પણ ન રાંધે અને મારે રાંધવું પડે ત્યારે હું કૂકર બની જાઉં... આમ પણ મુંબઈ જેવાં શહેરમાં ધણી-ધણિયાણી બન્ને નોકરી કરતાં હોય ત્યારે ઘણીવાર વરને રાંધવું પડે છે. સંસારની રમતમાં 'કૂકરી' બરાબર ચાલે માટે ધણીએ 'કૂકર' બન્યા સિવાય છૂટકો જ નથીને? શહેરી ધણીઓની આ દશા જોઈને કૂકડા પણ સવારના પહોરમાં હાકલ કરે છે ને કે કૂકરે-કૂક કૂકરે-કૂકરે-કૂક...'
કાકાએ હજી તો વાક્ય પૂરૃં કર્યું અને કાકી નજીક આવી ગયાં. એટલે કાકાની બોલતી બંધ થઈ ગઈ. ચાલાક કાકી તરત સમજી ગયાં એટલે ઊંચા અવાજે બોલ્યાં, 'તમે બેઉ કાકો-ભત્રીજો ભેગા થઈને ટોક કરો છો ને? મને શું ફૂલ સમજો છો?' કાકાએ હકારમાં માથું ધુણાવતા કહ્યું, 'તને ફૂલ જ સમજું છું... પણ ફાગણનું ફૂલ... તું એકલદોકલ ફૂલ નથી પણ (સતત ટોક-ટોક કર્યા કરતી) ફૂલોની ટોકરી છો ટોકરી.'
વખાણ સાંભળીને હરખાતાં હરખાતાં (હો)બાળાકાકી ઘર ભણી ચાલતાં થયાં એટલે કાકા મસ્તીભર્યા અંદાજમાં બોલ્યા, 'મારી આ ડોકરીને મેં ફૂલોની ટોકરી કહીને કેવી રાજી કરી દીધી, જોયુંને? મારી જેમ જેને ટોક ટર્ન કરતા (વાત વાળતા) આવડે એ વંટોળીયાને પણ વાળી શકે. જે ધણીને આવડે વાત વાળતા એ જ રહે લાત ખાળતા ને સુખેથી સંસાર ગાળતા.'
મેં કાકાને કહ્યું, 'તમે ભલે કાકીની પીઠ પાછળ એમને વગોવો, પણ કાકી તો તમારી ગેરહાજરીમાં પણ તમને વખાણે છે, હો! ગઈ કાલે તમે ઘરે નહોતા ત્યારે લાઈટનું બિલ આપવા ગયો ત્યારે કાકી ઓટલા પર બેસી તમારૃં ગીત ગાતાં હતાં કે-
જેને મસ્તી ભરી છે
અંગ અંગ
પથુ મારા પ્યારા
પ્લવંગ...'
તમને પ્યારા પ્લવંગ કહીને કાકી ગાણું ગાતા હતા બોલો, તમે માનશો?
મારી વાત સાંભળી રાજી થવાને બદલે કાકાએ મારી પીઠમાં જોરદાર ધબ્બો માર્યો અને તાડૂક્યા, 'અરે મૂરખ કાકીએ ગાતાં ગાતાં મને વાંદરો કહ્યો, તને કાંઈ ભાન પડે છે કે નહીં? પ્લવંગનો એક અર્થ વાનર થાય છે વાનર! મન્કી... મન્કી... સમજાયું ?
મેં સોરી...સોરી કહી દિલસોજી પ્રગટ કરતા અને મારા અજ્ઞાાનનું એક્ઝિબિશન કરતા કહ્યું કે, 'પ્લવંગનો અર્થ વાનર થાય એ મને ખબર નહીં, બાકી તો આ સહુના મનની વાત એટલે 'મન્કી બાત' છે, બીજું તો શું કહું?'
છાપા ંવાંચવાના અઠંગ બંધાણી કાકા બોલ્યા,'ભાઈ, છાપામાં જોડણી કે અનુવાદમાં એવા છબરડા વાળવામાં આવે છે કે વાંચીને મફતમાં મનોરંજન મળે છે. શહેરમાં ટ્રી-કટીંગનું કોઈએ ટ્રાન્સલેશન કર્યું હતું. વૃક્ષ-પતન, હવે આમાં કોનું પતન કહેવાય? આમાં તો સમજ્યા વિના પતનનું સ્ત્રીલિંગ 'પતની' કરી નાખે તો કેવો હોબાળો મચી જાય?'
મેં કાકાની વાતમાં સૂર પૂરાવતા કહ્યુ,ં 'થિન્ક-ટેન્કનું શું ગુજરાતી કર્યું હતું, ખબર છે? વિચારોની ટાંકી...'
કાકા કહે, 'આ તો જાણે સમજ્યા, પણ ક્યારેક કટ્ટર ભાષાપ્રેમીઓ દ્વારા એવા ભદ્રંભદ્ર જેવા શબ્દપ્રયોગ થાય છે કે થોડી વાર તો સમજાય નહીં, અને જ્યારે સમજાય ત્યાર પછી હસ્યા વિના રહેવાય નહીં.'
મેં પૂછ્યું, 'એવો વળી ક્યો શબ્દ-પ્રયોગ વાંચ્યો કે જેમાંથી રમૂજના રસગુલ્લા ફૂટયા?'
કાકા મરીમસાલો ભભરાવીને બોલ્યા, 'હમણા જ એક અઠંગ ભાષાપ્રેમીએ મને કહ્યું કે કાકા, શહેર બજાર બાજુ જાવ તો મારા માટે એક સ્વયંપ્રતિમા ખેંચક દૂર-સંચાલિત દંડિકા લઈ આવશો? ફરમાઈશ સાંભળીને મારૃં તો મગજ ચકરાવે ચડી ગયું. એટલે પૂછ્યું કે સ્વયંપ્રતિમા ખેંચક દૂર- સંચાલિક દંડિકા એટલે શું એ કહે તો ખરો? ત્યારે તેણે હસીને કહ્યું: સેલ્ફી-સ્ટિક!'
અંત-વાણી
સ: ઉનાળામાં પિત્ત થાય એને ગુજરેજીમાં શું કહેવાય?
જ: સમર-પીત.
** ** **
સ: પત્નીને સંસ્કૃતમાં શું કહેવાય?
જ: પત્નીને એકેય ભાષામાં કંઈ ન કહેવાય.