mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

રાજકારણના ગિરી-મથકમાં દાદાગીરી, ગુંડાગીરી અને ચમચાગીરી

Updated: Dec 19th, 2023

રાજકારણના ગિરી-મથકમાં દાદાગીરી, ગુંડાગીરી અને ચમચાગીરી 1 - image


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

આપણાં દેશમાં જુદા જુદા પ્રાંતોની હસ્તકલા એ વિસ્તારની આગવી ઓળખ બની ગઈ છે. જો કે ચૂંટણી નજીક આવે ત્યારે કોનો હાથ પકડવો અને કોનો હાથ તરછોડવો એ હસ્ત-કલામાં આપણાં નેતાઓને કોઈ ન પહોંચે. આવી હસ્તકલા  અને મસ્ત-કલાના જાણકાર જ ઊંચે પહોંચે. 

દર વર્ષની જેમ આ વખતે પણ મુંબઇના મોટા ક્રોસ મેદાનમાં યોજાયેલા હસ્તકલાના રાષ્ટ્રીય પ્રદર્શનમાં જવાનું થયું. એક જુઓ અને એક ભૂલો એવી હસ્તકલાની ચીજો વંચાતી હતી, પણ ભાવ બહુ  ઊંચા હતા. ભેગા કાકા હતા એ બોલ્યા, 'આટલા ઊંચા ઊંચા  ભાવ રાખીને આપણને શેંડી જ મારે છેને? એટલે આ પ્રદર્શનને હેન્ડીક્રાફટને બદલે શેંડી-ક્રાફટ પ્રદર્શન કહી શકાય.'

અમે બધું જોતા જોતા આગળ વધતા હતા ત્યાં એક સ્ટોલ નજરે પડયો, જેના બોર્ડ પર લખ્યું હતું ઃ 'અમારે ત્યાં દરેક પ્રકારના કલાત્મક ચમચા મળશે.' હું અને કાકા અંદર ગયા અને ચમચા-ચમચીની વરાઈટી જોઈને દંગ રહી ગયા. 

બે ઈંચની લાકડાની ચમચીથી માંડીને બે ફૂટના ચમચા, બારીક કોતરણી અને નક્શીકામ કરેલા ચમચા, જુદી જુદી મેટલના ચમચા,  હાથામાં ખોટા હીરાજડિત ચમચા જોઈને અમે તો  હસ્તકલાના કારીગરની તારીફ કરતા કહ્યું , 'આટલી બધી ચમચાની વરાઈટી અમે જિંદગીમાં બીજે ક્યાંય જોઈ નથી. તમે ક્યાંથી આવો છો?' કારીગરે હરખાઈને જવાબ આપ્યો, 'અમે દિલ્હી બાજુના ગામડેથી આવીએ છીએ.'

કારીગરનો જવાબ સાંભળી પથુકાકાએ તરત મને ધબ્બો મારીને કહ્યું, 'ચમચાગીરીની આવી કલા દિલ્હી બાજુ જ સંભવી શકે. દિલ્હીમાં જ પ્રાંત પ્રાંતના પક્ષ-વિપક્ષના અને જાતજાતની વરાઈટીના લાઈવ-ચમચા ચમચીઓને જોઈને જ આ હસ્તકલાકારને જોઈને જ આ હસ્તકલાકારન પ્રેરણા મળી હશેને? આપણા દેશમાં ગિરીમથક ઘણાં છે, પણ મુખ્ય ચમચાગીરી-મથક તો એક જ છેને!'

પ્રદર્શનમાંથી અમે બહાર નીકળ્યા ત્યારે મેં કાકાને કહ્યું ,'અવનવા ચમચા બનાવનાર કારીગરની હસ્તકલા જોઈને ખરેખર તાજ્જુબ થઈ જવાય હો!' ત્યારે કાકાએ હળવેકથી ઉપરના ખિસ્સામાંથી ટચુકડી કોતરણીવાળી ચમચી કાઢીને મને દેખાડતા કહ્યું,'આ મારી હસ્તકલા જોઈ? સ્ટોલવાળાનું ધ્યાન ભટકાવીને સેરવી લીધી. શું કરું? આદતથી મજબૂર છું.' કાકાની આ વગર કારણે ચોરી કરવાની ક્લોટોમેનિયા તરીકે ઓળખાતી બીમારી હું જાણતો હતો. એટલે તરત જ એમના હાથમાંથી ચમચી ઝૂંટવીને દોડાદોડ સ્ટોલ ઉપર પાછી આપી આવ્યો.

મેં કાકાને ધમકાવ્યા, 'મોટા માણસો ચમચાથી છૂટી નથી શક્તા અને તમે ચમચા ચોરવાની આદત છોડી નથી  શકતા?' કાકા જરા ઝંખવાણા પડીને બોલ્યા, 'માનસિક બીમારી છે એનો શું ઈલાજ કરૃં?  તને ખબર છે હિન્દી ફિલ્મોના એક સુપરસ્ટાર કોમેડિયનને પણ મારી જેમ ચમચા-ચમચી ચોરવાની કુટેવ હતી?'

મેં કહ્યું, 'ઘણાં વર્ષો પહેલાં એ સ્ટાર કોમેડિયનનો રાજકોટમાં પ્રોગ્રામ હતો. સુપ્પર-ડુપ્પર હિટ પ્રોગામ પૂરો થયા પછી હાસ્યનટ ભાઈજાન તેમના ગુ્રપના એક ગુજ્જુ કલાકારના નાનાજી, જે રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ હતા, તેમના ઘરે નાસ્તોપાણી કરવા ગયા. ટેસથી નાસ્તો-પાણી કરી બહાર નીકળ્યા પછી હોટેલ તરફ જતી વખતે ભાઈજાને ધીરેકથી પોકેટમાંથી બે ચાંદીની ચમચી કાઢી અને બોલ્યા, 'ચમ્મચ ચુરાને કી બુરી આદત હૈ ક્યા કરું? પર તુમ્હારે ગાંધીવાદી ફેમિલીવાલે ઈતને સચ્ચે ઔર અચ્છે ઈન્સાન હૈ,  ઇસ લિયે  મૈંને સોચા કે ચુરાયે હુએ ચમ્મચ વાપસ દે દેના ચાહિયે. લો બેટા, તુમ નાનાજી કે ઘર પે દે દેના.' ત્યાર પછી તેમણે ટકોર કરી, 'અબ કહાં પહલે જૈસી રાજનીતિ રહી હૈ? આજકલ હતો ચાંદી કે ચમચે નહીં ચમચોં કો ચાંદી હૈ... બોલ, બેટા સહી ફરમાયા કે નહીં?'

કાકા બોલ્યા, 'સાવ સાચી વાત. ચમચાગીરી કરી જાણે એને ચાંદી જ છેને! રાજકારણ ત્રણ પાયા પર  ડગુમગુ ટકી રહ્યું છે, અને એ ત્રણ પાયાના નામને છેવાડે 'ચા'  આવે છે, એક તો ખોટા ખર્ચા, લાંબી ચર્ચા અને મોટા ચમ-ચા.'

મેં કહ્યું કે મને મુલ્લા નસરૂદ્દીનનો ઓશોએ સંભળાવેલો કિસ્સો યાદ આવે છે. જી હજૂરી કરીને બાદશાહના સૌથી માનીતા ચમચા બની ગયેલા મુલ્લા નસરૂદ્દીન ચોવીસે કલાક ચમચાગીરી કર્યા કરે. બાદશાહના શાહી રસોઈયાએ એક વાર કારેલાનું સુક્કોમેવો અને મસાલા ભરેલું શાક બનાવ્યું. બાદશાહ ખાઈને આંગળા ચાટી ગયા અને મુલ્લાને કહે કે શું શાક બનાવ્યું છે! રસોઈયાને ૧૦૦ સોનાના સિક્કા ઈનામ આપી દો. મુલ્લા નસરૂદ્દીને શાકના બે મોઢે વખાણ કરતા કહ્યુંઃ બાદશાહ સલામત, કારેલા સ્વાદમાં ભલે કડવા હોય પણ ગુણમાં મીઠા હોય છે. હવે તમારે રોજ કારેલાનું જ શાક ખાવાનું.

બીજે દિવસે પણ રસોઈયો કારેલાનું શાક બનાવ્યું અને બાદશાહે મજેથી ખાધું. મુલ્લા બોલ્યાઃ કારેલાનો તો જવાબ નહીં, આવતી કાલે પણ આ જ શાક ખાજો. આમને આમ રોજ કારેલાનું શાક શાહી રસોઈયો બનાવવા લાગ્યો. છઠ્ઠે દિવસે બાદશાહ કંટાળ્યા. જેવું કારેલાનું શાક સોનાની થાળીમાં જોયું કે આખી થાળીનો ઘા કર્યો અને તાડૂક્યાઃ હવે જો રસોઈયો કારેલાનું શાક બનાવશે તો એની ગરદન ઉડાવી દઈશ.  મુલ્લા નસરૂદ્દીને શાહી ખાન સામાને બમણાં જોરથી રાડ પાડી  ખખડાવ્યો કે ખબરદાર... જો કારેલાનું  શાક બનાવ્યું છે તો! બાદશાહ તને જીવતો નહીં છોડે. કારેલા તે કાંઈ ખાવા જેવું શાક છે?

શાહી રસોઈયો બિચ્ચારો ગભરાતા ગભરાતા બોલ્યો કે મુલ્લા નસરૂદ્દીનસાહેબ, પહેલાં તો તમે કારેલાના શાકના વખાણ કરતા હતા અને હવે કેમ વખોડો છો? મુલ્લા બોલ્યાઃ હું બાદશાહનો શાહી ચમચો છું.કંઈ કારેલાનો ચમચો થોડો જ છું?

આ સાંભળી પથુકાકા બોલ્યા,  'બાદશાહીના વખતમાં મુલ્લા નસરૂદ્દીન જેવા શાહી ચમચા હતા એવા જ ચમચા આજે લોકશાહીમાં નેતાઓની જી-હજુરી કરતા ફરે છેને?'   

મેં કહ્યું, 'કાકા, હમણાં મેં ટીવીમાં એક વિદેશી જાદુગરનો ખેલ જોયો. આ જાદુગરનું બોડી લોહચુંબક જેવું હતું. નાની ચમચીથી માંડી મોટા ચમચા  એના શરીરને અડાડતાની સાથે જ ચોંટી જાય. એણે પોતાના બદન પર આ રીતે લગભગ એક્સોથી વધુ ચમચા ચોંટાડી દીધા અને પછી આખા સ્ટેજ પર ફર્યા. લોકોએ તાલીઓના ગડગડાટથી તેને વધાવી લીધો.'

 આ સાંભળતાંની સાથે જ કાકા બોલી ઉઠયા, 'એમાં શું મોટી વાત છે? આપણા દેશમાં નેતાથી માંડીને અભિનેતાની સાથે ચમચા ચોંટેલા જ હોય છેને? જનતાએ જેને ચૂંટેલા એની  સાથે ચમચા ચોંટેલા. હિમાલયમાં પર્યાવરણને બચાવવા ચીપકો આંદોલન છેડાયેલું અને અત્યારે પોલિટિશિયનોને બચાવવા ચમચાનું ચિપકો આંદોલન ચાલે છે.'

અંત-વાણી

ચમચે જીસ બર્તન મેં

રહતે હૈ ઉસે હી ખાલી કરતે હૈ,

ફિર ક્યાં બડે લોગ

અપને સાથ ચમચે રખતે હૈ?

**  **  **

ચાપલૂસ પહલે

તલવે ચાટતે હૈ,

ફિર વક્ત આને પે

ઉસે હી કાટતે  હૈ.

**  **  **

નેતાગીરી ચાપલૂસ

ઔર ચમચો સે ધીરી હૈ,

ઈસી લિયે યે નેતાગીરી

જનતા કી નઝરોં સે ગીરી હૈ.

Gujarat