mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

રેવડીની થાય લ્હાણી...જનતાની નીકળે ધાણી

Updated: Sep 13th, 2022

રેવડીની થાય લ્હાણી...જનતાની નીકળે ધાણી 1 - image


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

પથુકાકા ઓટલે બેઠાં બેઠાં કંઈક ખાતા હતા  અને ભેગા ભેગા  જોડકણું  ગાતા હતાઃ  ઓટલે  ઓટલે ઈ  વોટ-લે અને પછી  દુઃખી કરે રોટલે...

મેં પૂછયું, 'કાકા ,પહેલાં તો  એ વાત કરો કે ઓટલે બેઠા બેઠા   શું ખાવ છો અને શું ગાવ  છો?'  કાકાએ જવાબ આપ્યા.ે 'મંદિરમાંથી  રેવડીનો  પ્રસાદ મળ્યો હતો  એ ખાઉં છું અને  રેવડીના રાજકારણનું  ગાણું  ગાઉં  છું.'

મેં વળી પૂછયું,'રોટલા અને ઓટલાનું  જોડકણું  સમજાયું નહીં. એ જરા  સમજાવો  તો ખરા?'

ખોંખારો  ખાઈને કાકા બોલ્યા,'આ રતાંધળા નહીં પણ મતાંધળાની વાત કરું છું. ચૂંટણી  ટાણે નેતાઓ  ઓટલે  ઓટલે  ફરીને મફતની રેવડી  આપવાના વચનો  આપી વોટ-લે અને પછી  ચૂંટણી  પત્યા બાદ  ખાવા-પીવાની  ચીજો પર  કર નાખી મોંઘી  કરીને આપણને દુઃખી કરે રોટલે.'

હસીને મેં કહ્યું, 'કાકા, તમે વાત  બહુ મુદ્દાની  કરી  હો? રતાંધળા  રાતે ન જોઈ  શકે અને  મતાંધળા  રૈયતને  ન જોઈ શકે, એ  તો  બસ, મત માટે જ આંધળુકિયા કરે અને  પછી મત  મેળવી  જીતે અને  સત્તા મેળવે એટલે  મતાંધળામાંથી  બની જાય  સત્તાંધળા.'ં

ખડખડાટ  હસીને રેવડી  ખાઈને થોડી મને  આપતા કાકા બોલ્યા, 'આને જ કહેવાય  રેવડીનું રાજકારણ.  કરદાતાના  હિસાબે  ને  જોખમે  જ્યાં જ્યાં   ચૂંટણી જીતવી હોય  ત્યાં ત્યાં  મફતની રેવડી  વહેંચવાની  અને ચૂંટણી  જીતવાની  પછી પૂછો  નહીં કે  મતદારોને માથે શું  વીતવાની...'

મેં કહ્યું, 'આ રેવડીનું  રાજકારણ  તો બહુ ચગ્યું  છે  હો કાકા?'

પથુકાકા મોંઢામાં  થોડી રેવડી  ચોરીને બોલ્યા,'આપણાં વડાએ  કૈંક  પાર્ટીની   વડીની  રે-વડી  દાણાં  દાણા કરી  નાખી છેને? આમાં  આપણી જેવાનું  શું ભલું  થવાનું? આપણે ભાગે  તો મોં વકાસીને  આ વડા-વડી અને લડા-લડીના  ખેલ જોયા   સિવાય છૂટકો જ  નથીને?  એટલે જ  જોડકણું કે તોડકણું કહેવાનું મન રોકી  શક્તો નથી-

આ રે વડા

અને આ રે વડી

નવરા ન પડે

ઈ લડી લડી,

વાતું કરે બડી બડી

જનતા દેખે ખડી ખડી.'

મેં કાકાને દાદ દેતાં કહ્યું, 'ખરેખર  તમારા આ  તોડકણાં જેવી જ દશા છે હો!'

પથુકાકાના ફળદ્રુપ  ભેજામાં નવો  ફણગો  ફૂટતા બોલ્યા, 'ઈન્ડિયાને  ફ્રીડમ મળી એ  પછી આટલાં  વર્ષે રેવડીના રાજકારણ સાથે નવી  ફ્રી-ડમ મુવમેન્ટ શરૂ થઈ છે.'

મેં પૂછ્યું, 'નવી ફ્રીડમ મુવમેન્ટ એટલે વળી શું  એ જરા કહો તો ખરા?'

પથુકાકા બોલ્યા કે  'વતન પરસ્ત  અને 'વચન-પરસ્ત' નેતાઓ  મત મેળવવા માટે વચન  આપતાં ફરે છે  કે અમે જીતીશું   તો ફ્રી વીજળી આપીશું, ફ્રી  અનાજ આપીશું, ફ્રી  ઘર આપીશું, ફ્રી એજ્યુકેશન આપીશું, ફ્રી  ટ્રાવેલની  સુવિધા આપીશું... આમ  નેતાઓ વચ્ચે જે આપવાની   હોડ લાગે  છેને   તેને નવી 'ફ્રી-ડમ' મુવમેન્ટ  જ કહેવાયને?'

મેં વચ્ચે  ડબકું  મૂક્યું,'ગાંધીજીએ ભારતમાં ફ્રીડમ  મુવમેન્ટ  શરૂ કરી એના મૂળિયા  દક્ષિણ  આફ્રિકામાં  નખાયા હતા, બરાબરને?'

પથુકાકાએ  દક્ષિણ આફ્રિકાની વાતનો   તંતુ પકડી કહ્યું, 'ગાંધીબાપુની ફ્રીડમ મુવમેન્ટના  મૂળિયા  દક્ષિણ  આફ્રિકામાં  નખાયા હતા એ વાત  સાચી, પણ  અત્યારે મફતની  રેવડી  વેંચવાની જે  ફ્રી-ડમ મુવમેન્ટ  છેને?  એનો  સંબંધ  પણ આફ્રિકા  સાથે જોડવો  હોય તો  જોડી શકાય,   કેવીરીતે,  ખબર છે? 'ફ્રી... ફ્રી... ફ્રી...'ની લ્હાણી કરતા    રેવડીબાજ   રાજકારણીઓને   જોઈને બધા જ   બોલી ઊઠે છેઃ ઝમાના  હૈ  આ-ફ્રી-કા...  ફ્રી-કા...'

મેં કહ્યું, 'આ બધા  લ્હાણી કરનારાને જોઈને  મનમાં  થાય કે-

રેવડીબાજો

કરતા રહે  લ્હાણી,

કરદાતાની નીકળતી

રહે ધાણી.

વચનને જોરે  વોટ

જાય તાણી તાણી,

ખીરના ખ્વાબ જોતા

મતદાતા તરસે પાણી... પાણી'

મેં કહ્યું, 'કાકા, નોટના બદલામાં  વોટની  આ સત્તાબાજી  અને સટ્ટાબાજી  ચાલે છે  એવું નથી લાગતું?' પથુકાકા બોલ્યા 'એવું જ ચાલે છે ને?  એટલે તો મારે ફરી એ જ તોડકણું કહેવું પડે છે-

સત્તા માટેની છે દોટ

છૂટથી વેરાય છે નોટ,

હારેલા મારે હવાતિયા

જીતેલા જલ્સામાં લોટપોટ.'

કાકાને દાદ દેતા મેં કહ્યું ,'સૌથી પહેલાં તો  ચૂંટણીઓ  પાછળ થતા અબજોના ખર્ચા  બંધ થવા જોઈએ એવું  નથી લાગતું?'

કાકા બોલ્યા, 'આપણા દેશની  ચુનાવી રાજનીતિમાં  સૌથી  વધુ લ્હાણી કરે એ  ચૂંટાય છે અને કરદાતા કૂટાય છે.'

મેં કહ્યું , 'વાત સાચી યુપી અને બિહાર બાજુ  પૈસાના જોરે  સમાજ કંટકો  પણ ચૂંટાય  છેને?  થોડા  વખત પહેલાં જ એક  સર્વેક્ષણ  થયેલું કે  માત્ર  યુપી કે બિહારમાં   જ નહીં, પણ બધે જ એવાં   અઢળક  લોકપ્રતિનિધિઓ  ચૂંટાયા છે જે ગુનાહિત  ભૂતકાળ ધરાવે છે.'

આ સાંભળી કાકા દાઢમાંથી બોલ્યા, 'આવાંને લોક-પ્રતિનિધિ નહીં,  પણ લોકઅપ-પ્રતિનિધિ  કહેવાય. આવા માથાભારેને અંગ્રેજીમાં નોટોરિયસ કહે છેને?  પણ આવાં  નોટોરિયસ પણ મની પાવર  અને  મસલ પાવરથી વોટ મેળવીને જીતે  એટલે એને  શું કહેવાય ખબર  છે?  જે નઠારા નોટોરિયસ વોટ મેળવે  એ વોટોરિયસ બરાબરને?'

કરે કાળા-ધોળા, 

ઈ જેલમાં ન પડે મોળા

'કીડીને કણ, હાથીને મણ, કબૂતરને ચણ અને માણસને કાયમ ચણ-ભણ બરાબરને?'

પથુકાકાએ જૂની કહેવત  સંભળાવીએટલે મેં  એમાંં  ઉમેરો કર્યો, 'કીડીને કણ  અને ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરોકટોરેટ)ને   ખણ... ખણ...'

કાકાએ પૂછ્યું ,'ઈડીને ખણ... ખણ એટલે  વળી શું ?'  મેં જવાબ આપ્યો, 'કાળું ધન ભેગું કરતાં  કે કાળા ધનને ધોળું કરવા કૈંક ખોટા ખેલ કરતા  હોય એવાં નેતાઓ કે  કાળાબજારીયાને  ઈડીને  કાને પડે  એટલે  ઈડીવાળા   છાપો મારે છે અને  પછી આ બધાનાં નામો  સીડી વગર  ઈડીને પ્રતાપે   છાપે  ચડે છે.  મહારાષ્ટ્રમાં  ભૂતપૂર્વ  પ્રધાનો અને સાંસદને  ઈડીએ  જ સાણસામાં  લઈને   જેલભેગા કર્યા  છેને?'

પથુકાકા  બોલ્યા, 'ઈ બધા નઠારા નેતાઓ  હાય-સોસાયટીના કહેવાય,  હાય-સોસાયટીના.' મૈં  પૂછયું  કે આ નેતાઓને  અને હાય  સોસાયટીને  શું સંબંધ? કાકા  હસીને  કહે, 'બરાબર સાંભળ, હું એમને  હાઈ-સોસાયટીના નથી કહેતો  હાય-સોસાયટીના કહું છું. 'ઈ' અને 'ય'માં  ફરક છે , જે  સમાજના  એટલે  સોસાયટીના પૈસા પડાવી  અને કૈંક લોકોની 'હાય' લઈને પોતાના ઘર  ભરે એ  હાય-સોસાયટીવાળા જ કહેવાયને?'

કાકાની વાત સાંભળી મેં કહ્યું ,'મને લાગે  છે  કે  હમણાં જ  મહારાષ્ટ્રના એક પ્રધાને  એવું સૂચન કર્યું કે  સરકારી  કચેરીઓમાં    બાબુઓએ  'હાય-હેલ્લો'  કહેવાને  બદલે  વંદે-માતરમ કહેવાનું.'

પથુકાકા બોલ્યા, 'મને લાગે છે કે એ  પ્રધાને  ગરીબો પાસેથી જેને લાંચ  પડાવવાની   કુટેવ  હોય  એવા  સરકારી  બાબુઓ  કે પછી ગરીબોને  નામે  મોટી યોજનાઓ  જાહેર કરી ધૂમ પૈસા  ભેગા કરી હાથ ઊંચા  કરી દેતા હોય  એવાં અગ્રણીઓને સાનમાં સમજાવી  દીધું કે  કોઈની હાય  લેશો નહીં. પેલા દોહામાં કહ્યું છે ને-

તુલસી  હાય ગરીબ કી

કભી ન ખાલી જાય,

મૂઆ ઢોર કે ચર્મ સે

લોહા ભસ્મ હો જાય.

અંત-વાણી

તપ કરે એ તપસ્યા

લગ્ન કરે એ લપસ્યા.

**   **   **

દીકરી વ્હાલનો દરિયો

જમાઈ વ્હાલમથી 'ડરિયો'

**   **   **

સઃ ભારેખમ સ્ત્રી વજનના કાંટા પર ઊભી રહે તેને ગુજરેજીમાં શું કહેવાય?

જઃ 'મોટી-વેટ' કરે છે.

**   **   **

પશ્ચિમ બંગાળમાં  જાદુગર (પી.સી.)  સરકાર અને દેશમાં સરકાર જાદુગર.  જાદુગર સરકાર  કરે હાથચાલાકી, (ગઠબંધન) સરકારમાં થાય સાથ-ચાલાકી.  જાદુગર સરકાર 'વોટર ઓફ  ઈન્ડિયા' કહી ખાલી જગામાંથી  પાણી કાઢે  જ્યારે સરકાર જાદુથી  વોટર (મતદાર)  ઓફ ઈન્ડિયાનું  તેલ  પાઈ એરંડિયું કાઢે.

Gujarat