For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હમ જી કે કયા કરેંગે જબ 'પદ' હી છૂટ ગયા...

Updated: Feb 13th, 2024

હમ જી કે કયા કરેંગે જબ 'પદ' હી છૂટ ગયા...

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

હમ જી કે ક્યા કરેંગે જબ 'પદ' હી છૂટ ગયા... કાકા હિંચકા પર બેઠાં બેઠાં સાયગલના અવાજમાં નહીં, પણ ખખડી ગયેલી સાયકલના અવાજમાં દર્દભર્યું ગીત ગાતા હતા.

મેં ટકોર કરી કે મૂળ ગીતના શબ્દો છે: 'હમ જી કે ક્યા કરેંગે જબ દિલ હી તૂટ ગયા... તમે ફેરવીને કેમ ગાઓ છો કે જબ પદ હી છૂટ ગયા?'

મારા સવાલનો કાકા જવાબ આપે એ પહેલાં કાકી ઊંચા અવાજે તાડૂક્યા, 'આ તારા લખણવંતા કાકા ફલાણા ટ્રસ્ટનું અધ્યક્ષપદ સંભાળતા હતા એ ખબર છે ને? એ પદ પર હતા ત્યારે ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો એટલે પછી  ભારે હૈયે ગાવાનો વારો આવ્યો છે કે: હમ જી કે ક્યા કરેંગે જબ પદ હી છૂટ ગયા...'

મેં કહ્યું,'જે ઊંચા પદ પર રહી પદને ભ્રષ્ટ કરે એવાને તરત જ લોકો પદ-ભ્રષ્ટ કરવાની હિંમત દેખાડશે ને તો જ ભ્રષ્ટાચાર ઘટશે. શું ક્યો છો, કાકા?'

પથુકાકા બોલ્યા, 'કેટલાંય ટ્રસ્ટોમાં ભ્રષ્ટાચાર ચાલતા હોય છે, ટ્રસ્ટના ભ્રષ્ટાચારને એક શબ્દમાં શું કહેવાય ખબર છે ને? ટ્રસ્ટાચાર... આવાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને ભ્રષ્ટીઓ જલસા કરે છે અને મારી જેવા કોઈ ઝપટમાં આવી જાય ત્યારે તેને પદ છોડાવવામાં આવે છે. આ તો છીંડે ચડયોએ ચોર, બીજું શું?'

મેં કાકાની વાતને ટેકો આપતા કહયું , 'ખરા ભ્રષ્ટાચારીઓ ઊંચા પદ, પાર્ટી અને પુરસ્કાર પામે છે. પોલિટિક્સમાં આવો જ ખેલ ચાલે  છેને? જેનું નામ પણ ન સાંભળ્યું હોય એવાં ન-નામી જોતજોતામાં બની જાય છે નામી અને પછી ઊંચા ઊંચા પદ પર જાય છે જામીસ બરાબરને?'

પથુકાકા ખોંખારો ખાઈને બોલ્યા,  'ગમે એવા બદનામ પણ પદ-નામ મેળવી ઊંચા હાલવા માંડે છે.મને વિચાર આવે છે કે કોઈ સંસ્થા કે સંગઠનમાં પાછલે દરવાજેથી ઘૂસણખોરી કરતા અને પછી માન, સન્માન અને ઈનામ મેળવતા હોય એવા ને કયા ખિતાબથી નવાજવા જોઈએ?'

મેં તરત કહ્યું , 'પદ મેળવવા ગમે ત્યાંથી ઘૂસણખોરી કરે એવાં ને 'પદમા-ઘૂસણ' અથવા 'પદમા-દૂષણ' અવોર્ડથી નવાજવા જોઈએ.'

ખડખડાટ હસીને કાકા બોલ્યા,  'બેટમજી, જોજે તો ખરો? આવનારા દિવસોમાં સરકાર બાંધી મુદતના અવોર્ડો જાહેર કરશે.' 

મેં પૂછ્યું, 'કાકા, બાંધી મુદતના અવોર્ડ એટલે શું?' 

કાકા કહે, 'સરકાર મત-બેન્કને નજર સામે રાખીને ઘણી વાર અવોર્ડ આપતી હોય છે. એટલે ભવિષ્યમાં એક એક વર્ષ માટે અવોર્ડ આવશે. અવોર્ડ ઉપર એકસપાયરી ડેટ લખાશે.

 ગણતરીબાજ નેતાઓનો એક જ મંત્ર  છે કે ગરજ સરી એટલે વૈદ વેરી. ચૂંટણી પતી અને પોતે બને ગાદીપતિ એટલે વાત પતી. આ દેશમાં સર્વોચ્ચ અવોર્ડ પાછળ પણ આવી બધી ગણતરી કામ કરી જાય છેને?'

મેં કહ્યું, 'કાકા, જ્યાં શિષ્ટાચાર, આચાર, વિચાર કે સદાચારને બદલે ભ્રષ્ટાચાર જ જોવા મળે છે એવા બિહારમાં ભાઈચારા... ભાઈચારાની વાતો કરી (લાલુ)ભાઈ કરોડોના ચારા ચાંઉ કરી ગયા. લાલુજીનો સૂરજ તપતો હતો ત્યારે એમને કેટલાં માન-સન્માન મળતા હતા, યાદ છેને? ગાદી ગઈ પછી કેવી પીડા થઇ?'

પથુકાકા બોલ્યા, 'આ દેશમાં ભ્રષ્ટ નેતાઓ વારસામાં પોતાના દીકરાઓને   ભ્રષ્ટાચાર આપતા જાય છે, પોતાની ગાદી જાય એટલે એ પદ પર ભ્રષ્ટ બેટાને ગોઠવી દે છે. આવા સત્તાના આસનને અંગ્રેજી અને ગુજરાતીની મિલાવટવાળી ગુજરેજી ભાષામાં શું કહેવાય, ખબર છે? 'પદમા-સન'! જરા આજુબાજુ નજર કરો . કેટકેટલી પાર્ટીમાં ઊંચા ઊંચા પદ પર પદમા-સન વાળીને બેટાઓ બેઠા છે! એટલે જ મારે કાયમ કહેવું પડે છે કે વડ એવા ટેટા બાપ એવા બેટા, સુખી થવું હોય તો એનાથી રહેજો  છેટા.'

પદ અને પદમા-સનની વાત ચાલતી હતી ત્યાં પથુકાકાનું ધ્યાન મારા સફેદ શર્ટ ઉપર ગયું અને તરત  સવાલ કર્યો , 'આ શર્ટ ઉપર શેનો ડાઘ પડયો?' 

મેં કહ્યું , 'કાકા સવારે જરાક ચા  ઢોળાઈ એમાં ડાઘ પડી ગયો.'

 પથુકાકાએ તરત સલાહ આપી, 'કાલે પાવર લોન્ડ્રીમાં શર્ટ આપી આવજે એટલે ડાઘ ધોવાઈ જાય.' 

 મેં પૂછ્યું, 'કાકા, ચાના ડાઘ પાવર લોન્ડ્રીવાળા ધોઈ દેશે? મને નથી લાગતું કે ચાનો ડાઘ લોન્ડ્રીવાળા કાઢી શકે.'

કાકા બોલ્યા, 'ચાનો ડાઘ સો ટકા પાવર લોન્ડ્રીવાળા કાઢી દેશે. આપણા દેશમાં જેના હાથમાં પાવર છે એની પાર્ટીમાં ગમે તેવા ડાઘાડૂઘીવાળા દાગી નેતાઓ પક્ષપલ્ટો કરીને જોડાય ત્યારે કેવા ડાઘ ધોવાઈ જાય છે! પાવર-લોન્ડ્રીની આ જ તો કમાલ છે.'

મેં કાકાને કહ્યું, 'આવા ડાઘાડૂધીવાળા ડાઘીયાઓને હવે પ્રજા  ઓળખી ગઈ છે એવું નથી લાગતું?'

કાકા બોલ્યા, 'પ્રજા કાંઈ ભોટ નથી. આ બધા ડાઘીયાઓને ઓળખી જ જાયને! એટલે જ હું કાયમ કહું છું કે-

અય લીડર જનતા

અબ વિશ્વાસ ખોતી હૈ,

જરા દેખ, કિતની

દાગદાર તેરી ધોતી હૈ.'

કાકાની ચાર લાઈના સાંભળીને મને પણ કંઈક કહેવાનું મન થયું એટલે એક હિન્દી કવિ સંમેલનમાં સાંભળેલી કાવ્યપંક્તિ સંભળાવી-

'સમય સમય કી બાત હૈ

સમય સમય કા યોગ,

લાખો મેં બીકને લગે

દો કૌડી કે લોગ.'

કાકા બોલ્યા, 'ભ્રષ્ટ નેતાઓ પદ પર પોતાના પુત્રોને ગોઠવી દે છે અને આમ વારસાગત ભ્રષ્ટાચારનો સિલસિલો ચાલુ જ રહે છે એ કેવી કમનસીબી કહેવાય!'

મેં કહ્યું, 'કાકા, તમે વારસાગત ભ્રષ્ટાચારની વાત કરી એના  પરથી મજેદાર કિસ્સો યાદ આવ્યો. ગામની કોઈ વ્યક્તિ નામના મેળવે ત્યારે ગામ લોકો પોરસાઈને કહેતા હોય છે કે એ ભાઈ તો ગામનું ઘરેણું છે ઘરેણુ.ં એવી રીતે થોડા વખત પહેલાં બિહારના પટના શહેરમાં જવાનું થયું ત્યારે ત્યાંના  એક રમૂજી પત્રકારે કહ્યું કે ફલાણા લીડર તો દાગીના છે દાગીના. દાગીના શું કામ ખબર છે? લીડરના બાપા દાગી નેતા તરીકે બદનામ થયા હતા, એટલે એના બેટા દાગી-ના જ કહેવાયને? આજે દાગી-નાની જ ઊંચી કિંમત બોલાય છેને!'

અંત-વાણી

પદ પરથી હટાવશે

બાગીને અને દાગીને,

હવે જનતા નહીં

છોડે જાગીને.

Gujarat