મેળવવા લોટ અને વોટ, થાવ તૈયાર ખર્ચવા વધુ નોટ


- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

નવરાત્રીમાં ગરબા ગાઈ ગાઈને  કાકીનું ગળું 'થ્રોટ સીટીંગ' પોઝીશનમાં આવી ગયું હોવાથી એટલે ગળું બેસી ગયું હોવા છતાં તરડાયેલી રેકોર્ડ જેવા સાદે કાકા ભણી નજર કરીને લલકાર્યું, 'આ લોટ લે કે આજા મેરે મીત તુઝે મેરે ગીત 'રૂલાતે' હૈ...'

મેં ટકોર કરી, 'ગીતના સાચા શબ્દો છેઃ આ લૌટ કે આજા મેરે મીત તુઝે મેરે ગીત બુલાતે હૈ... છતાં  ફેરવીને કેમ ગાવ છો?'

કાકીને બદલેકાકાએમારા સવાલનો જવાબ આપતા કહ્યું , 'તારી કાકી ગાવાની એવી શોખીન છે કે ગાઈને જ મને લોટ લઈ આવવાનું  કહે છે, એટલે જ એ ગાય છેઃ આ લોટ લે કે  આજા મેરે  મીત... તુઝે મેરે ગીત 'રૂલાતે' હૈ...'

મેં કહ્યું, 'કાકા લોટ લઈ આવવામાં કંઈ મોટી વાત છે? બજારમાં  જઈને લઈ  આવોને!' કાકા મોઢુંબગાડી બોલ્યા, 'તને રમત વાત   લાગે છે, પણ વધતી જતી મોંઘવારીમાં ઘઉંના ભાવ ઊંચે ગયા એની સાથે લોટના ભાવમાં પણ વીસેક ટકાનો વધારો  થઈ  ગયો એ  તું છાપામાં વાંચતો  નથી?  એટલે જ હું તો તારી કાકીની જેમ  ફેરવીને ગાઉં છું કે 'કોઈ લોટ લા-દે... મેરે બીતે હુએ દિન...' એટલે કોઈ વિતેલા દિવસોમાં સસ્તો લોટ ચક્કીમાંથી લઈ આવતા એ ભાવે  કોઈ લાવી દે તો કેવું સારૂં?' 

મેં કહ્યું, 'કાકા, એ આપણો ચક્કીવાળો ભારે ઉત્સાદ  હતો, ખબર છે? રાત્રે ચક્કી બંધ થાય પછી ચારે તરફ ઊડેલો લોટ ખંખેરી ખંખેરીને ભેગો કરતો અને પછી તેને ચાળીને બીજે દિવસે સસ્તામાં  વેચતો.  એટલે એ લોટની કિંમત ઓછી  હતી એ કેમ ભૂલી ગયા?'

પથુકાકા બોલ્યા, 'અત્યારે તો લોટ  અને વોટ  બંને માટે વધુ નોટ ઢીલી કરવી જ પડે છેને? ચક્કીનો સંબંધ લોટ સાથે, ચૂંટણીનો સંબંધ વોટ સાથે  અને જીતવા  માટે પૈસા  વેરતા ઉમેદવારોને સંબંધ નોટ સાથે, બસ પછી નોટના બદલામાં ખરીદી વોટ સીધી મૂકે ખુરશી તરફ દોટ... આ રાજકારણીઓને જ કહેવાયઃ દોટ-કોમ...'

મેં કહ્યું, 'કાકા તમે થોડું ઘણું અંગ્રેજી ભણ્યા છો  એટલે પૂછું છું કે વોટરના ક્યા બે  અર્થ થાય?' પથુકાકા  કહે, 'તું મને  સાવ 'પપ્પુ' સમજે  છે?  વોટર એટલે પાણી અને વોટર એટલે મતદાર બન્ને અર્થ થાય, પણ તું મને  કહે કે તેં આવો ઉખાણા જેવો સવાલ કેમ પૂછ્યો?' મેં હસીને કહ્યું, 'કાકા, લોટ બાંધવા વોટરનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે વોટ આપતા વોટરોને બાંધવા કેટલાય નેતાઓ નોટનો  ઉપયોગ કરે છે કે નહીં?' 

પથુકાકાએ મને તાલી દઈ તત્કાળ જોડકણું  સંભળાવી દીધું:

'ચક્કીમાં ઊડે લોટ

ચૂંટણીમાં ઊડે નોટ,

સત્તા ભણી મૂકવા દોટ

ખરીદવાય પડે  વોટ.'

મેં કહ્યું, 'કાકા, આજકાલની ચૂંટણીમાં  નોટ ફોર વોટ અને વોટ ફોર નોટનો જ  ખેલ ચાલે છેને?  પછી ભલે એ  રોકડેથી હોય કે રેવડીથી હોય.'

પથુકાકા બોલ્યા, 'મને યાદ  છે કે વર્ષો પહેલાં ઘઉંનો તૈયાર લોટ  વેંચવાનું શરૂ થયું એ વખતે   સૌરાષ્ટ્રના  એક ગામે એક વેપારીએ  લોકલ લેવલે કમળ છાપ તૈયાર લોટ વેંચવાનું ચાલુ કર્યું હતું.'

મેં હસીને પૂછયું, 'કાકા, એ જમાનામાં ઓપરેશન લોટસ શરૂ થયું  હતું? ' પથુકાકા હસીને બોલ્યા, 'એ વખતે  કમળ છાપ લોટનું  વેચાણ થતું અને અત્યારે  કમળ છાપ  પાર્ટીના રાજમાં  વોટનું  વેંચાણ થાય છે. બાકી તો જ્યાં બીજી પાર્ટીનું  રાજ  હોય એને લાગ મળે ત્યારે ઊથલાવવા માટે ઓપરેશન લોટસ હાથ ધરવામાં આવે છેને? ઓપરેશન લોટસના લોટ-સ શબ્દમાં પણ લોટ તો આવે જ છે!'

મેં કહ્યું, 'રાજકારણના રસોડે  સહુએ પોતપોતાની રોટલી  કે રોટલા શેકવા  હોય ત્યારે લોટની તો જરૂર પડે જને?' કાકા બોલ્યા, 'સાવ સાચી  વાત છે. પહેલાં ગરીબોને આપે  રોટલા અને પછી હળવેકથી કહેશે કે વોટ-લા. બસ, બધાને મફત ધાન  આપી  પ્ર-ધાન થવાની જ લાલચ  હોય છેને?  ગરીબોને મફત લોટની આપી પોટલી પછી  હાથમાં  રાખે એની ચોટલી એ જોઈ  કહેવું પડે કે બદલીને  રોટલીનું નામ, કરી નાખો વોેટલી.'

પથુકાકા જૂના દિવસો યાદ કરી બોલ્યા, 'અમારા જામખંભાળીયામાં સવાર પડે એટલે બારણે ટહેલ સંભળાયઃ દયા પ્રભુની ધરમનો જય... એટલે ઘરવાળા તરત જ  ભૂદેવની  કપડાની થેલીમાં  છાલીયું  ભરીને ઘઉંનો લોટ આપી દે, એટલે  ભૂદેવ આશીર્વાદ  આપીને ચાલ્યા જાય.' મેં કહ્યું, 'કાકા, પહેલાંના જમાનામાં  લોટ  માગવા  આવતા  અને આજના જમાનામાં વોટ માગવા  આવે છે અને જાણે આવી ટહેલ નાખતા  હોય એવો  ભાસ થાય છેઃ દયા પક્ષની  અધરમનો જય...'

કાકા કહે ,'લોટને  હિન્દીમાં આટો કહે છે, બરાબરને? એટલે જ  હું  કહું છું ને કે લોટને કહેવાય આટા અને વોટ માટે  ખેલાય  આટા-પાટા... કોઈ રહે નફામાં  તો કોઈના ભાગ્યમાં  ઘાટા... જીતેલાને જલ્સા અને હારેલાને ગાલે ચાટા...'

ચવડ રોટલીથી  ચાચા ફસાય, ચૂહા નહીંં

પથુકાકાને કોમ્પ્યુટરના માઉસ પકડવાને બદલે સાચા માઉસ પકડવાનો શોખ.  સવારના પહોરમાં  ઓટલા પર બેસી ઉંદરના પાંજરામાં  કાકીએ બનાવેલી અને વધેલી  રોટલી ટીંગાડતા હતા. કાકા બોલ્યા,  'રાજકારણીઓ રોટી-કપડા- મકાનનાં વચનો  આપીને  મતદારોને ફસાવે, જ્યારે  આપણે તો સીધા રોટીથી જ ઉંદરને ફસાવીએ, બરાબરને? આ સરકાર રેટ (દર) તો કાબૂમાં લાવી  નથી શકતી, પણ આપણે ઘરમાં  દોડાદોડી કરતા રેટને તો કાબૂમાં  લઈએ?  રેટ એટલે  ઉંદર અને રેટ એટલે દર... એટલે આપણી જેવા સામાન્ય માણસોને રેટ વધે  તો પણ ડર અને 'રેટ' વધે  તો પણ ડર...'

કાકા હજી વાક્ય પૂરૂં કરે ત્યાં પાડોસમાં રહેતાં ઉત્તર ભારતીય ભાભીએ સીધી  માગણી કરી, 'ચાચા, ચૂહા  પકડને કા પીંજરા  ચાહિયે...' પથુકાકા બોલ્યા, 'લ્યો લઈ જાવ, રોટલી લટકાડીને  તૈયાર જ  રાખ્યું છે.' ભાભી પીંજરૂ લઈ ગયા.

બીજે દિવસે પાડોશી ભાભી પીંજરૂં પાછું આપવા આવ્યા અને બોલ્યાં, 'એક ભી ચૂહા... પકડા નહીં ગયા.' પથુકાકા નવાઈ પામી બોલ્યા, ' શું વાત કરો છો?  મેં તો એમાં  તારી કાકીએ બનાવેલી રોટલી પણ લટકાડી હતી. આમ કેમ થયું?' પાડોશી ભાભી ખડખડાટ હસીને મિક્સ ભાષામાં  બોલ્યાં, 'અરે  મેરે ચાચા...  ચાચીએ  બનાવેલી ચવડ રોટીથી  તમે  ફસાવ, ચૂહા ન ફસાય...'

મેં કાકાને કહ્યું, 'તમને ખબર છે, ૧૮૫૭ના બળવા વખતે  ક્રાંતિકારીઓએ  ગુપ્ત સંદેશાની  આપ-લે માટે  રોટીનો  ઉપયોગ  કર્યો હતો?' 

પથુકાકા મને તાલી દઈ બોલ્યા, 'અચ્છા, એમ વાત છે?  બળવા વખતે  રોટલીનો ઉપયોગ  થયેલો? હજી ગઈ કાલે જ હું  જમવા  બેઠો  ત્યારે તારી (હો)બાળાકાકી ઉપરાઉપરી  બે બળેલી રોટલી આપી. મેં રાડ પાડી કે રોટલીમાં રીતસર બળવાની વાસ આવે છે બળવાની. હવે ખબર પડી કે  બળવામાં રોટલી વપરાઈ હતી ત્યારથી  રોટીમાં  બળવાની વાસ  ઘૂસી ગઈ લાગે છે.'

મેં પથુકાકાને કહ્યું, 'હવે તો વાંઢાજનક  સ્થિતિમાં  આશીર્વાદરૂપ રેડીમેડ  રોટલીઓ  છૂટથી  વેંચાય છે.  કાકીના  હાથની ચવડ અને બળેલી  રોટલી ખાવાને બદલે તમેય  રેડીમેડ રોટલી ખાવા માંડોને?'

પથુકાકા બોલ્યા, 'અરે  ભાઈ, ઘઉં, તેલ, ગેસ બધું  મોંઘુ થવાથી રોટલી, ભાખરી, થેપલાં બધાના ભાવ વીસથી પચ્ચીસ ટકા વધી ગયા છે, ખબર છે? વધતા રેટની રામાયણ સામે પેટની પારાયણ શું કરીએ? તારી કાકી જેવુંં બનાવે એવું ખાવાનું,  બીજું  શું? આપણને નેતાઓની જેમ પોતપોતાની રોટલી શેકતા થોડી જ આવડે છે?'

મેં કહ્યું, 'કાકીને એટલું તો કહેવાયને કે રોટલી તો સરખી બનાવો?' પથુકાકા બોલ્યા, 'ના ભાઈ ના, વઢતી  ઘરવાળી, વધતી દર-વાળી અને  વધતી કર-વાળી સ્થિતિ સામે  કાંઈ બોલાય નહીં.  એટલે હું તો આ રોટીમંત્રનો જાપ કરી ચૂપચાપ ખાઈ લઉં છું. આ મંત્ર છેઃ

ભલે તાણી તૂટે નહીં

એવી છે કાકીની રોટલી,

શું થાય? રોટલી વણનારીના હાથમાં જ છે અમારી ચોટલી.'

અંત-વાણી

સઃ હિન્દી અને અંગ્રેજીનો મિલાવટનો  બે અક્ષરનો કયો શબ્દો  છે જેમાં ચા-રોટલી બન્ને સમાયેલા છે?

જઃ રો-ટી.

City News

Sports

RECENT NEWS