Bhavnagar

સિહોરના મોટા સુરકા પાસે ઉછીના નાણાં મામલે યુવક પર લાકડીઓ વડે હુમલો

By GS Team
8 Nov 20262 mins read
TukuTouch Logo
સિહોરના મોટા સુરકા પાસે 4,000 રૂપિયાની લેતીદેતીમાં દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. વાવ ગામના હરેન્દ્રસિંહ ગોહિલને સેદરડાના વિરમદેવસિંહ પાસેથી લીધેલા નાણાં બાબતે રતનપરના શિવરાજસિંહ ગોહિલે મોટા સુરકા બોલાવી, અન્ય 3 અજાણ્યા શખ્સો સાથે લાકડીઓ વડે હુમલો કરી માથું ફોડી નાખ્યું હતું. ઇજાગ્રસ્ત હરેન્દ્રસિંહને ભાવનગરની હોસ્પિટલમાં 3 ટાંકા આવ્યા છે. સિહોર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિહોરના મોટા સુરકા પાસે ઉછીના નાણાં મામલે યુવક પર લાકડીઓ વડે હુમલો

૪ હજાર રૃપિયાની લેતીદેતીમાં દાદાગીરી

કારમાં આવીને ૪ શખ્સે હુમલો કરી માથું ફોડી નાખ્યું, માથામાં ટાંકા આવ્યા

સિહોર -  સિહોર તાલુકાના મોટા સુરકા ગામ પાસે રાત્રિના સમયે રૃ. ૪,૦૦૦ના ઉછીના નાણાંની બાબતે બોલાચાલી કરી એક યુવક પર લાકડીઓ વડે ઘાતક હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે સિહોર પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી વિગતો અનુસાર, વાવ ગામે રહેતા અને ભાવનગર ખાતે ખાનગી બેંકમાં કલેક્શનની નોકરી કરતા હરેન્દ્રસિંહ દાદભા ગોહિલ (ઉં.વ. ૩૫) નામના યુવકે સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, હરેન્દ્રસિંહે ત્રણ મહિના પહેલાં સેદરડા ગામના વિરમદેવસિંહ પાસેથી રૃ. ૪,૦૦૦ ઉછીના લીધા હતા. આ નાણાં રતનપરના શિવરાજસિંહ ગોહિલે પોતાની પાસે માંગ્યા હતા.ગઈકાલે રાત્રે શિવરાજસિંહે હરેન્દ્રસિંહને ફોન કરી મોટા સુરકા સોનગઢ તરફ આવેલી શિવ પાન નામની બંધ દુકાને મળવા બોલાવ્યો હતો. હરેન્દ્રસિંહ પોતાની બાઇક લઇને ત્યાં પહોંચતા જ શિવરાજસિંહ અને તેની સાથેના અજાણ્યા ત્રણ શખ્સોએ લાકડીઓ સાથે આવી તને શું હવા છે તેમ કહી ગાળો આપવાનું શરૃ કર્યું હતું.ત્યારબાદ શિવરાજસિંહે હરેન્દ્રસિંહના માથામાં લાકડીનો ફટકો મારી દેતાં માથું ફાટી ગયું હતું અને લોહી વહેવા લાગ્યું હતું. જ્યારે બાકીના ત્રણ અજાણ્યા શખ્સોએ તેમને ડાબા પડખામાં અને પગના ભાગે ઢોર માર માર્યો હતો. યુવકે બૂમાબૂમ કરતા હાઇવે પર વાહનોની અવરજવરને કારણે ચારેય હુમલાખોરો પોતાના બાઇક પર ફરાર થઈ ગયા હતા.ઘવાયેલા યુવકે પોતાના મિત્રને ફોન કરી બોલાવતા તેને તાત્કાલિક ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં માથાના ભાગે ત્રણ ટાંકા આવ્યા હતા. સિહોર પોલીસે શિવરાજસિંહ ગોહિલ અને ૩ અજાણ્યા શખ્સો સામે બી.એન.એસ. તથા જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.