પાલીતાણાની સદવિચાર હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ વિવાદમાં ભારે ધમાલ, ડોક્ટરો સામે લૂંટ, ધમકી અને એટ્રોસિટીની ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પોલીસે ડોક્ટરો, મેનેજર સહિત ચાર સામે તપાસ હાથ ધરી
વોર્ડ નં. ૧ ના કોર્પોરેટર અને તેમના સાથીઓ પર હુમલો કરી ફોન ઝૂંટવી લેવાયાનો આક્ષેપ
ભાવનગર - પાલીતાણા સ્થિત સદવિચાર હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર અને વધારાના નાણાં વસૂલવા બાબતે ચાલી રહેલા વિવાદે ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યું છે. દર્દીના સગા અને સ્થાનિક કોર્પોરેટર વચ્ચે થયેલી વાતચીત બાદ હોસ્પિટલ તબીબો અને મેનેજર દ્વારા ખિજાઈને લૂંટ, જાનથી મારી નાખવાની ધમકી તેમજ જાતિ વિષયક અપમાનજનક શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હોવાની ફરિયાદ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
ઘટનાની વિગતો અનુસાર, ગણેશનગરના રહીશ અને વોર્ડ નં. ૧ ના કોર્પોરેટર કિરીટભાઈ શામજીભાઈ સાગઠીયાના કૌટુંબિક કાકીના ઓપરેશન વખતે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં હોસ્પિટલ દ્વારા વધારાના નાણાં વસૂલાયા હતા. આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ, હોસ્પિટલ ખાતે વાતચીત કરવા ગયેલા કિરીટભાઈ અને તેમના સાથીઓ સાથે તબીબોએ ઉગ્ર બોલાચાલી કરી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, બચાવ અને પુરાવા રૃપે વિડીયો શૂટિંગ કરી રહેલા સાથીઓના હાથમાંથી આશરે રૃ. ૬૭,૦૦૦ ની કિંમતના બે મોબાઈલ ફોન (મોટોરોલા અને આઈફોન) ઝૂંટવી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ઉપસ્થિત ડોક્ટરો તથા મેનેજરે એકસંપ થઈ ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપીને જ્ઞાાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા.પાલીતાણા ટાઉન પોલીસે ડો. દામજીભાઈ છોટાલા, ડો. વાળા, ડો. ચૌહાણ અને મેનેજર જયપાલભાઈ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમો તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી નાયબ પોલીસ અધીક્ષક મિહીરકુમાર બારીયાને તપાસ સોંપી છે.




