મૈત્રી કરારની અદાવતમાં પાલિતાણામાં ટેક્સી ડ્રાઇવર પર પાઇપ-ધોકાથી જીવલેણ હુમલા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પાલિતાણા ટાઉન પોલીસમાં ૮ શખ્સ સામે ગુનો દાખલે
સુખસાગર હોટલ સામે બનેલી ઘટના, બે ફોર-વ્હીલર ગાડીમાં આવેલા સશસ્ત્ર હુમલાખોરોએ યુવકને લોહીલુહાણ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી
ભાવનગર - પાલીતાણાના તળેટી રોડ પર આવેલી સુખસાગર હોટલ સામે મૈત્રી કરારની જૂની અદાવતને રાખીને એક ટેક્સી ડ્રાઇવર પર લોખંડના પાઇપ, લાકડી અને ધોકા વડે પ્રાણઘાતક હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને વધુ સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, પાલીતાણાના પચાસ વારીયા વિસ્તારમાં રહેતા અને ટેક્સી ચલાવી ગુજરાન ચલાવતા મજીદભાઈ ઓસમાણભાઈ સમા (ઉં.વ. ૩૮) ના કાકાના દીકરા અસ્લમે મહુવાના રફીકભાઈની દીકરી જસ્મીન સાથે મૈત્રી કરાર કર્યા હતા. આ બાબતની અદાવત રાખી રફીક અવારનવાર ધમકીઓ આપતા હતા. જેથી મજીદભાઈએ વચ્ચે પડીને સમજાવટનો પ્રયાસ કરતા આંઠ ઈસમે તેમની સાથે પણ મનદુઃખ રાખ્યું હતું.ગત શુક્રવારે સવારના આશરે ૧૦ ૪૫ વાગ્યાના સુમારે મજીદભાઈ પોતાની ઇકો ગાડી સાથે સુખસાગર હોટલ સામે ઉભા હતા, ત્યારે ઓરા અને ઇન્ડિકા ગાડીમાં ૮ જેટલા ઇસમો ધસી આવ્યા હતા. જેમાં મહુવાના રેહાન રફિકભાઈ અને નવાજ હનીફભાઈ, ડુંગર ગામના સમીર રફિકભાઈ ગાહા, તાતણીયાના રઇસ યુનુસભાઈ ગાહા તથા અન્ય ૪ અજાણ્યા શખ્સોનો સમાવેશ થતો હતો.તમામ લોકોએ ગેરકાયદે મંડળી રચી સમીર ગાહાએ મજીદભાઈના માથામાં લોખંડનો પાઇપ મારી નીચે પાડી દીધા હતા અને અન્ય ઇસમોએ લાકડી-ધોકા વડે આડેધડ માર માર્યો હતો. આ હુમલામાં મજીદભાઈને હાથની આંગળીમાં ફ્રેક્ચર તેમજ માથા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકો વચ્ચે પડતાં આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં તમામ ૮ આરોપીઓ સામે બી.એન.એસ. અને હથિયાર બંધી ભંગ હેઠળ ગુનો નોંધી પી.એસ.આઈ. આર.જે. ઓડેદરાએ વધુ તપાસ હાથ ધરી છે.




