Bhavnagar

ટ્રાવેલ્સની બેટરી બાબતે ફોન પર થયેલી વાતચીતમાં ગેરસમજ થતાં યુવક પર હુમલો

By GS Team
5 Nov 20262 mins read
TukuTouch Logo
તળાજાના નવી છાપરી ગામમાં ખાનગી ટ્રાવેલ્સની બેટરી બાબતે ફોન પર વાત કરવા જેવી સામાન્ય બાબતે ડ્રાઇવિંગ કરતા દિનેશભાઈ ભાદરકા પર હુમલો થયો. જેસિંગ મારુ અને તેમના માતા કુંવરબેને લાકડાના ઉપળાથી માથામાં ઇજા પહોંચાડી, લોહીલુહાણ કર્યા. બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપી. ઇજાગ્રસ્ત દિનેશભાઈને 108 દ્વારા હોસ્પિટલે ખસેડાયા, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રાવેલ્સની બેટરી બાબતે ફોન પર થયેલી વાતચીતમાં ગેરસમજ થતાં યુવક પર હુમલો

માતા-પુત્ર સામે તળાજા પોલીસમાં ફરિયાદ

માથામાં લાકડાનું ઉપળું ઝીંકી દીકરા અને માતાએ જાનથી મારી નાંખવાની ધમકી આપી

ભાવનગર -  તળાજા તાલુકાના નવી છાપરી ગામના દલિતવાસ નદીના કાંઠે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા યુવક પર સુરત ગયેલી ખાનગી ટ્રાવેલ્સની બેટરી બાબતે ફોન પર વાતચીત કરવા જેવી સામાન્ય બાબતમાં મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ અંગે તળાજા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ગત તળાજા તાલુકાના નવી છાપરી ગામના દલિતવાસ નદીના કાંઠે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા દિનેશભાઈ કાનાભાઈ ભાદરકા ગત રોજ બપોરે પોણા એક વાગ્યાની આસપાસ પોતાના ઘરના ફળિયામાં ખાટલા પર બેસીને સુરત ગયેલી પોતાની ટ્રાવેલ્સના ડ્રાઇવર-કંડક્ટર સાથે બેટરી ઉતરી ન જાય તે માટે ફોન પર વાત કરી રહ્યા હતા. આ દરમિયાન બાજુમાંથી પસાર થતા જેસિંગ ધનજીભાઈ મારૃએ એમ માન્યું કે આ વાતો મને સંભળાવીને કરવામાં આવે છે, જેની અદાવત રાખીને તેમણે ઝઘડો શરૃ કર્યો હતો.જેસિંગએ દિનેશભાઈની વાડમાંથી લાકડાનો કટકો લાવી પાછળના ભાગે મારી ઇજા પહોંચાડી હતી. તે જ સમયે જેસિંગના માતા કુંવરબેન ધનજીભાઈ મારૃ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે લાકડાનું ઉપળું (લાકડી) લાવીને પોતાના પુત્ર જેસિંગને આપ્યું હતું તથા દિનેશભાઈને ગાળો આપી હતી. ત્યારબાદ જેસિંગએ તે લાકડાનું ઉપળું દિનેશભાઈના માથાના ભાગે મારી દેતા લોહીલુહાણ ઇજા થઈ હતી.ઘટના બાદ દેકારો થતાં આસપાસના માણસો દોડી આવ્યા હતા અને જતા જતા માતા પુત્રએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત દિનેશભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તળાજા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે કાયદેસરની આગળની તજવીજ હાથ ધરી છે.