વાંસી ગામે બુટલેગરોના ત્રાસથી મહિલાઓ દ્વારા તાલુકા પોલીસ મથકે રજુઆત
-મહિલાઓની રજૂઆતને પગલે પોલીસ અધિકારી દ્વારા દારૂ બંધ કરવા ખાતરી આપી
ભરૂચ તા.3 માર્ચ 2020 મંગળવાર
ભરૂચ જિલ્લામાં બુટલેગરો ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. બુટલેગરોના ત્રાસથી ભરૂચ તાલુકાના વાંસી ગામની મહિલાઓએ તાલુકા પોલીસ મથક ખાતે દારૂ બંધ કરાવવા માટે રજૂઆત કરવા પહોંચી ઉગ્રતા પૂર્વક રજુઆત કરવા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વાંસી ગામની મહિલાઓએ ગામમાં દારૃના અડ્ડા ચાલતા હોવાની ફરિયાદ સાથે મકતમપુર રોડ પર આવેલા તાલુકા પોલીસ મથકે વિરોધ પ્રદર્શન કરી ભરૃચ તાલુકા પોલીસ મથકના પી.આઈને રજૂઆત કરતા જણાવ્યું હતું કે ગામમાં છૂટથી દારૃ મળે છે ,
બુટલેગરો ખુલ્લેઆમ દારૃનો ધંધો કરે છે .હવે તો મહિલાઓ પણ દારૃ પીવા લાગી છે. યુવાનો ,વૃદ્ધો પણ દારૂની લતમાં એક પછી એક મોતને ભેટી રહયા છે. વિધવા મહિલાઓનું દર્દ કોઈ સાંભળવા તૈયાર નથી.પોલીસ આવે છે અને બે દિવસ દારૂ બંધ કરાવીને ચાલી જાય છે પછી પાછો હપ્તો લઈ દારૃનો ધંધો ધમધમતો થઇ જાય છે.તેવો આક્ષેપ પણ કર્યા હતા.હવે દારૂ બંધ નહીં થાય તો ઉચ્ચસ્તરે રજુઆત કરાશે.
વાંસી ગામની મહિલાઓની રજૂઆતને પગલે હાજર પોલીસ અધિકારી દ્વારા ખાતરી આપી હતી કે દારૃ બંધ કરી દેવામાં આવશે.દારૂ વેચનાર સામે કડક કાર્યવાહી કરાશે. પોલીસ અધિકારીની ખાતરી બાદ કેવા પ્રકાર ની અને ક્યારે કડક કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.