ભરૂચ પાલિકાની લેખિત ખાતરી મળતાં ઉપવાસ આંદોલન સમેટાયું
ભરૂચ તા.23 નવેમ્બર 2019 શનિવાર
ભરૂચ શહેરમાં વિવિધ પ્રાથમિક સુવિધાના મુદ્દે છેલ્લા ત્રણ દિવસથી આમરણ ઉપવાસ કરી રહેલા નિવૃત્ત સરકારી અધિકારી અને વરિષ્ઠ નાગરિકે પાલિકાની લેખિત ખાતરી બાદ પારણા કરી આંદોલન સમેટયું હતું.
ભરૂચના પાંચબત્તી સર્કલ પાસે શહેરની રસ્તા, પાણી, ગંદકી, લાઇટ વિગેરે પ્રાથમિક સુવિધાના મુદ્દે ભરૂચ નગરપાલિકા સામે 20 મી નવેમ્બરથી વરિષ્ઠ નાગરિક બીપીનચંદ્ર જગદીશવાલાએ આમરણ ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું હતું છેલ્લા ત્રણ દિવસથી તેઓના ઉપવાસ આંદોલનને સમેટી લેવા માટે એક યા અન્ય રીતે સમાધાન માટે પ્રયાસો કરાઇ રહ્યા હતા. પરંતુ તે શક્ય થઇ રહ્યું ન હતું.
આ બાદ અનશનના ત્રીજા દિવસથી સમાધાન માટેના પ્રયાસો વધુ તેજ બન્યા હતા. અને અંતે ઉપવાસ આંદોલનના ચોથા દિવસે ભરૂચ નગરપાલિકાના કારોબારી ચેરમેન અને સીટી એન્જીનીયર ભરૂચ નગરપાલિકાની બીપીનચંદ્ર જગદીશવાલાની વિવિધ માંગણી અંગે લેખિત ખાતરી આપતો પત્ર લઇને પહોંચ્યા હતા.
આ મુદ્દે ચર્ચા કરી ઉપવાસી બીપીનચંદ્ર જગદીશવાલાને પારણા કરાવાયાં હતાં. કારોબારી ચેરમેને પ્રજાકીય સુવિધાના જે મુદ્દા ઉઠાવાયા છે તે અંગે કામગીરી ચાલી રહી હોવાનું અને અન્ય કામગીરી પણ પૂર્ણ કરાશે તેમ જણાવી પાલિકા હંમેશા પ્રજા સાથે રહી હોવાનું કહ્યું હતું.
આ પ્રસંગે ઉપવાસ આંદોલન સમેટનાર બીપીનચંદ્ર જગદીશવાલાએ આભાર માની ખાતરી આપ્યા મુજબ સમસ્યાનું નિવારણ કરવામાં નહીં આવે તો પુનઃ એક મહિનાની નોટીસ આપી ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ભરૂચ નગરપાલિકા વિપક્ષ નેતાએ વરિષ્ઠ નાગરિકને શહેરીજનોની સમસ્યા સંબંધમાં વેદના દર્શાવી ઉપવાસ આંદોલનનો આશરો લીધો તે બદલ આભાર વ્યક્ત કરી પાલિકા એ આપેલી ખાતરીનો અમલ થશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
ભરૂચ નગર પાલિકા સત્તાધીશો સામેના આમરણાંત ઉપવાસ આંદોલન સમેટાયા બાદ પાલિકા તેઓના મુદ્દા પ્રત્યે વિશેષ ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.