ભરૂચ નેશનલ હાઇવે પર બન્ને બાજુએ પાંચ કિમી સુધી વાહન ચાલકો અટવાયા
-જૂના સરદારબ્રિજ પર ટ્રાફિકની એવર જવર બંધ કરતાં સુરત ,દક્ષિણ ગુજરાત , મુંબઇ તરફ જતાં વાહનો નવા સરદારબ્રિજ અને ગોલ્ડનબ્રિજ પર ડાયવર્ટ
ભરૂચ તા.12 ડિસેમ્બર 2019 ગુરૂવાર
ભરૂચ ની નર્મદા નદી પર કેબલ સ્ટેડ બ્રિજ અને ઝાડેશ્વર ચોકડીએ ફલાય ઓવર બ્રિજ બની ગયા બાદ ટ્રાફિકની સમસ્યા લગભગ ભુતકાળ બની ચુકી હતી . જુના સરદાર બ્રિજના નુકશાન થવાથી વાહન વ્યવહાર માટે બંધ રહેતાં ટ્રાફિકની સમસ્યાએ ફરી એક વખત માથું ઉચક્યું છે.
જુનો સરદારબ્રિજ બંધ હોવાથી સુરત સહિતના દક્ષિણ ગુજરાતના અને મુંબઇ સહિતના મહારાષ્ટ્ર તરફ જતી કાર, સહિતના વાહનો નવા સરદારબ્રિજ અને ગોલ્ડનબ્રિજ પર ડાયવર્ટ થયાં છે.
ગુરૂવારના રોજ ગોલ્ડન બ્રિજ અને નેશનલ હાઇવે પર ટ્રાફિકની વિકટ સમસ્યા જોવા મળી હતી. નવા સરદાર બ્રિજના રસ્તા પર પડેલાઓ ગાબડાઓ રીપેર કરવામાં આવતાં નહિ હોવાથી વાહનો એકદમ ધીમી ગતિએ ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. હાઇવે પરથી પસાર થતી કાર ગોલ્ડનબ્રિજના રસ્તે આવી રહી છે .
ભરૂચ માં ફલાય ઓવરની કામગીરી ચાલતી હોવાથી રસ્તો સાંકડો બની ગયો છે .જેના કારણે અહીં ટ્રાફિકની સમસ્યા વકરી છે .જેનો ભોગ ભરૃચ અને અંકલેશ્વરના સ્થાનિક રહીશો વધુ બની રહયાં છે. બુધવારના રોજ ગોલ્ડન બ્રિજ અને સરદાર બ્રિજ પર પાંચ કીમીથી વધારે વાહનોની કતાર લાગી હતી . જેમાં હજારો વાહનચાલકો અટવાઇ પડયાં હતાં.
-રાજયના આરોગ્યમંત્રી કિશોર કાનાણીને ભરૂચના ટ્રાફિક જામનો કડવો અનુભવ
ભરૂચના ટ્રાફિકજામ ની શિરોવેદના સમાન બની રહેલ ટ્રાફિકજામની સમસ્યાનો રાજ્યના આરોગ્ય મંત્રીને પણ કડવો અનુભવ થયો હતો. આરોગ્યમંત્રીના કારને ટ્રાફિક જામમાં બહાર કાઢતાં ભરશિયાળે પરસેવો વળી ગયો હતો.
નેશનલ હાઇવે પર આવેલાં નર્મદા નદી પરના જુના સરદારબ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવતાં ભરૃચના ગોલ્ડનબ્રિજ ખાતે ટ્રાફિકની સમસ્યા વકરી છે. ગુરૃવારના રોજ ગોલ્ડન બ્રિજ ખાતે થયેલાં ટ્રાફિકજામમાં રાજયના આરોગ્યમંત્રી કિશોર કાનાણી પણ ફસાઇ ગયાં હતાં.
સામાન્ય રીતે મંત્રીઓની ગાડીઓ પોલીસ પાઇલોટીંગ સાથે સડસડાટ પસાર થઇ જતી હોય છે. ગોલ્ડનબ્રિજ પર થયેલાં ટ્રાફિકજામમાં રાજયના આરોગ્યમંત્રી કિશોર કાનાણીની કાર પણ ફસાઇ ગઇ હતી. મંત્રીની કાર ફસાઇ જતાં પોલીસતંત્રમાં દોડધામ મચી ગઇ હતી. રાજયના આરોગ્યમંત્રીને જ ગોલ્ડન બ્રિજના ટ્રાફિકજામનો પ્રત્યક્ષ અનુભવ થયો છે ત્યારે તેઓ સરકારમાં આ બાબતની રજૂઆત કરશે તેવી આશા જાગી છે.
ભરૃચમાં ગોલ્ડનબ્રિજની સમાંતર બની રહેલાં નર્મદા મૈયા બ્રિજની કામગીરી ઝડપથી પુર્ણ કરવા લોકો માંગ કરી રહયાં છે.ગોલ્ડનબ્રિજ પર વાહનોનું ભારણ વધી ગયું છે જેથી ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે. પણ હજી સુધી કોઇ કાર્યવાહી શરૃ કરવામાં આવી નથી.