mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

'અર્બન નકસલો' ગુજરાતમાં ઘૂસવાની ફિરાકમાં : મોદી

Updated: Oct 11th, 2022

'અર્બન નકસલો' ગુજરાતમાં ઘૂસવાની ફિરાકમાં : મોદી 1 - image


- કહેવાતા બુદ્ધિજીવીઓ અને આપના નેતાઓ પર પીએમનો કટાક્ષ

- કાશ્મીરની સમસ્યા હલ કરી સરદાર સાહેબને સાચી શ્રધ્ધાંજલિ અર્પી: મોદી : વડાપ્રધાનના હસ્તે ભરૂચ જિલ્લાના આમોદ ખાતે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત 

ભરૂચ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહેવાતા બુદ્ધિજીવીઓ, અર્બન નકસલો અને આમ આદમી પાર્ટીના નેતાઓ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, અર્બન નક્સલીઓ ગુજરાતમાં ઘૂસવાની ફિરાકમાં છે, પરંતુ ગુજરાતના સમજદાર લોકો એમને સફળ નહીં થવા દે. મોદી આજે ભરૂચ જિલ્લાના આમોદમાં રૂા. ૨૫૦૬ કરોડના ખર્ચે નિર્માણ પામનારા બલ્ક ડ્રગ પાર્કના શિલાન્યાસ તથા અન્ય પ્રોજેક્ટના લોકાર્પણ તથા ખાતમુહૂર્તના કાર્યક્રમો પછી સંબોધન કરી રહ્યા હતા.

પ્રધાને અર્બન નકસલવાદીઓ પર શાબ્દિક પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, હવે અર્બન નક્સલવાદીઓએ વાઘાં બદલ્યા છે. તેઓ યુવાનોને ભોળવી રહ્યા છે. આદિવાસીઓની જિંદગી નકસલવાદીઓએ ખતમ કરી નાખી હતી. અમે ઉમરગામથી અંબાજી સુધી વિકાસનું બીડું ઉપાડયું પરિણામે ગુજરાતમાં નકસલવાદ ઘુસી શકયો નથી, પરંતુ હવે અર્બન નકસલવાદીઓ આવી રહ્યા છે. ભરૂચની ભાડભૂત બેરેજ યોજનામાં નક્સલવાદી માનસિકતાવાળા લોકોએ રોડા નાખ્યા હતા. તેમણે પ્રજાને તેમના સંતાનોને આવા નક્સલવાદીઓ ભોળવી ના જાય તે સામે ચેતવ્યા છે. યુવા પેઢીને ખતમ કરવાના તેમના પ્રયાસમાં અમે નક્સલવાદીઓને  સફળ થવા દઈશું નહીં. દેશનો વિનાશ કરવાની પેરવી કરતાં અર્બન નક્સલોથી સાવચેત રહેવા દેશના યુવનનોને સજાગ કરવા પડશે. નક્સલો વિદેશ સત્તાના એજન્ટો છે. ગુજરાત નક્સલવાદ સામે ક્યારેય ઝુકશે નહીં. 

ભરૂચ જિલ્લામાં રૂા.૮૨૦૦ કરોડના વિવિધ વિકાસના કામો માટે ખાતમુહૂર્ત  અન લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન આમોદ ખાતે યોજાયેલી જાહેર સભાની શરૂઆતમાં વડાપ્રધાને મુલાયમ સિંહ યાદવને યાદ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ જનસભા સંબોધન કરતાં જણાવ્યું હતું કે, એક જમાનામાં ભરૂચ જિલ્લાની માત્ર ખારી સિંગ જાણીતી હતી. જ્યારે હવે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે પણ હરણફાળ ભરી રહ્યો છે. ઉદ્યોગ જગતમાં ભરૂચ જિલ્લાનું નામ આજે સમગ્ર વિશ્વમાં ગુંજતું થયું છે. એક રાજ્યમાં જેટલા ઉદ્યોગ હોય તેના કરતાં વધુ ઉદ્યોગો માત્ર ભરૂચ જિલ્લામાં સ્થાપિત થયેલા છે. જેને આગળ વધારતાં આજે ભરૂચ જિલ્લાને રાજ્યનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક પણ મળ્યો છે. 

વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, ભરૂચની ધરતીએ અનેક એવા સંતાનોને જન્મ આપ્યો છે કે જેમણે દેશનું ગૌરવ વધાર્યુ છે. કનૈયાલાલ મુન્શી, પંડિત ઓમનાથ ઠાકુરનો સંબંધ અહીંની માટી સાથે રહ્યો છે. ભરૂચ જિલ્લો હવે કોસ્મોપોલિટન જિલ્લો બની ગયો છે. કેમિકલ પ્લાસ્ટને લઇને અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ થયુ છે. અને આ બધા ખાતમુહૂર્ત અને લોકાર્પણમાં હજારો બેરોજગારોને રોજગારી પણ મળશે. વડાપ્રધાનની આજની સભામાં મોટીસંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયો હતો.

દરમિયાન આણંદ પાસેનો વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલ જનવિશ્વાસ સંમેલન કાર્યક્રમ થકી વડાપ્રધાને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હોવાની ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી યુવાનોને કોંગ્રેસની નવી ચાલથી અવગત કરી આ નવી નીતિને નાકામ કરવા જણાવ્યું હતું. કોંગ્રેસ ઠંડી તાકાતથી ગામેગામ ગોઠવણ કરી રહી છે અને ખાટલા-બેઠકો યોજી લોકોમાં ઝેર ભરી રહી હોઈ કાર્યકરોને સતર્ક રહેવા જણાવી ઘરે-ઘરે જઈને લોકસંપર્ક કરી કોંગ્રેસની નીતિ નાકામ કરવા જણાવ્યું હતું.

આણંદ પાસેના વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે જનવિશ્વાસ સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમિયાણામાં જનમેદની જોઈ કેસરીયો સાગર હિલોળા લઈ રહ્યો હોવાનું જણાવી આણંદવાસીઓને કેમ છો? તેમ પૂછી ખબરઅંતર પુછ્યા હતા. પૂ.બાપુ, સરદાર વલ્લભભાઈ પટેલ તથા ભાઈકાકા જેવા દીર્ઘદ્રષ્ટાને યાદ કરતા તેઓના ચરણમાં વંદન કરી વડાપ્રધાને જણાવ્યું હતું કે સરદાર સાહેબના પદચિહ્નો ઉપર સરકાર ચાલે છે. સરદારના કદમ પર ચાલીને કાશ્મીરની સમસ્યા હલ કરી સરદાર સાહેબને સાચી શ્રધ્ધાંજલિ આપી છે. ૨૦-૨૨ વર્ષ પહેલાં અને અત્યારની ગુજરાતની પરિસ્થિતિની તુલના કરીએ તો ગુજરાતમાં મા-દિકરીઓ સુરક્ષિત છે. ગુજરાત ભાજપ એટલે સેવા, સુરક્ષા, શાંતિ, વેપારી ધંધા માટે ઉત્તમ વાતાવરણ, હુલ્લડ-કર્ફ્યુને દેશવટો અને સૌનો સાથ-સૌનો વિકાસ થકી વિશ્વાસની ગાથા. ૨૦-૨૨ વર્ષ પહેલાં કનેક્ટીવીટી, રોડ રસ્તાનો અભાવ હતો જ્યારે ભાજપે સત્તામાં આવતા નાના-નાના ગામડાં મજબૂત કર્યા અને કનેક્ટીવીટી વધારી. કોંગ્રેસે તેમના રાજમાં ડેમ બનાવ્યા પણ ડેમ સુધી પાણી લઈ જવા માટે કેનાલ બનાવી નહોતી તે કામ ભાજપે પૂર્ણ કર્યા છે તેમ જણાવતા વડાપ્રધાને સરદાર સરોવર ડેમ બનાવવા માટે કોંગ્રેસે ગુજરાતના નાગરિકોના પૈસા કોર્ટમાં ખર્ચ્યા હોવાના કટાક્ષ સાથે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ ગુજરાતમાં ૨૦ વર્ષમાં થયેલ વિકાસગાથાને વર્ણવી હતી અને આણંદ જિલ્લાએ ગોબર ધન પ્રોજેક્ટ બનાવી દેશમાં નામ રોશન કર્યું હોવાનું જણાવતા ગુજરાતના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીનું બીડું ઝડપ્યું હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.

આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ વડાપ્રધાન દ્વારા ચૂંટણી પ્રચારનું બ્યુગલ આણંદ ખાતેથી ફૂંકવામાં આવ્યું હોવાની ચર્ચાઓ વચ્ચે વડાપ્રધાને યુવાનો માટે આ સુવર્ણ કાળ હોવાનું જણાવી ગુજરાતની નવી ઓળખ ઉભી કરવા આગળ આવવા અનુરોધ કર્યો હતો. મહાત્મા ગાંધીના નામે મત માંગનાર કોંગ્રેસે આજદિન સુધી દાંડી માર્ગ અંગે કંઈ વિચાર્યું નહોતું જ્યારે ભાજપે ૪૦૦ કી.મી.થી વધુ આધુનિક દાંડી માર્ગ બનાવ્યો છે. ૫૦૦ વર્ષ જૂના પાવાગઢ સ્થિત મહાકાળી માતાના મંદિર ઉપર ધજા ફરકતી કરી છે. વિરાસત સાથે વિકાસ કરતી ડબલ એન્જિનની સરકારને આગામી સમયમાં ગુજરાત તરફથી પૂર્ણ સહકાર મળી રહેશે તેવો આશાવાદ નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો હતો.

દેશ અને રાજ્યની પ્રગતિમાં ભરૂચનું વિશેષ યોગદાન

ભરૂચ અને અંકલેશ્વર પણ ટ્વીન સિટિ તરીકે વિકસિત થશે

- ભાડભૂત બેરેજ યોજનામાં પણ નક્સલવાદી માનસિકતાવાળા લોકોએ રોડા નાખ્યા હતાં

આજે આમોદ ખાતે યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આવનારા સમયમાં ભરૂચ અને અંકલેશ્વર પણ અમદાવાદ - ગાંધીનગરની જેમ ટ્વીન સિટિ તરીકે વિકસિત થશે. 

વડાપ્રધાને સંબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રગતિ હોય કે દેશની પ્રગતિ હોય ભરૂચનું યોગદાન મહત્વનું રહ્યુ છે. એક રાજ્યમાં હોય તેના કરતાં વધુ ઉદ્યોગો ભરૂચ જિલ્લામાં આવેલા છે.  જેના કારણે જે રોજગારી મળે છે, તે એક રેકોર્ડ છે. હવે જ્યારે અંકલેશ્વરમાં એરપોર્ટ બનશે તો વિકાસને નવી ગતિ મળશે. તેમણે વધુમાં જણાવ્યું કે, અગાઉ ભરૂચમાં છાસવારે તોફાનોના કારણે કર્ફયુ લદાતા હતાં. આજે કાયદો વ્યવસ્થાના કડક અમલના કારણે જનતા સુખ શાંતિથી જીવી રહી છે. આજે ભરૂચ જિલ્લો ચેતનવંતો બની ગયો છે. 

અર્બન નક્સલવાદનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, હવે તેમણે વાઘા બદલ્યા છે. ભાડભૂત બેરેજ યોજનામાં પણ નક્સલવાદી માનસિકતાવાળા લોકોએ રોડા નાખ્યા હતાં. 

અર્બન નક્સલીઓ એટલે કોણ ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણ દરમિયાન અર્બન નક્સલીઓ એવો શબ્દ પ્રયોગ કરીને આમ આદમી પાર્ટીના નેતાઓને નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે અર્બન નક્સલીઓ એટલે કે શહેરી નક્સલીઓ અલગ પ્રકારના કપડામાં યુવાપેઢીને ગુમરાહ કરીને ગુજરાતમાં ઘૂસવાની ફિરાકમાં છે, પરંતુ ગુજરાતની ઉર્જાવાન યુવાપેઢી આ નક્સલીઓને ઓળખે છે. આમ આદમી પાર્ટીના નેતાઓના સંદર્ભમાં વડાપ્રધાન મોદીએ આ કટાક્ષ કર્યો હતો. સરદાર સરોવર ડેમના પ્રોજેક્ટમાં અવરોધો ઉભા કરનારા પર નિશાન સાધીને તેમણે મેધા પાટકરથી લઈને અરૂંઘતી રોય, વૃંદા કરાત સહિતના ડાબેરી નેતાઓ/એક્ટિવિસ્ટ પર પણ કટાક્ષ કર્યો હતો.

Gujarat