સિંગલ યુઝ પ્લાસ્ટિક નિયંત્રણ હેઠળ આમોદ પાલિકાએ વેપારીઓને રૂ.2650 નો દંડ ફટકાર્યો
-નગરની દુકાનમાંથી 10 કિલો પ્લાસ્ટિક જપ્ત
આમોદ તા.24 સપ્ટેમ્બર 2019 મંગળવાર
આમોદ નગરને સિંગલ પ્લાસ્ટિક યુઝ થી મુક્ત બનાવવા માટે આમોદ નગર પાલિકાએ બજારમાં ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. આમોદના વેપારીઓ પાસે 10 કિલો સિંગલ પ્લાસ્ટિક યુઝ જપ્ત કરી કુલ 2650 રૂપિયાનો દંડ કર્યો હતો .જેથી સિંગલ પ્લાસ્ટિક યુઝ કરતા વેપારીઓમાં પાલિકાની કડક કાર્યવાહીથી ફફડાટ ફેલાયો હતો.
આમોદ પાલિકાના મુખ્ય અધિકારી તેમજ પાલિકા ઇજનેર તથા સ્ટાફ દ્વારા બપોરના સમયે આમોદ બજારમાં વેપારીઓને ત્યાં અચાનક રેડ પાડી સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું. તેમજ સ્થળ ઉપર દંડ પણ વસુલ કર્યો હતો. જો કે પ્લાસ્ટિક નિયંત્રણની કામગીરી કરવા ગયેલા મુખ્ય અધિકારી અને પાલિકાના સ્ટાફના કર્મચારી સાથે કેટલાક વેપારીઓએ રકઝક પણ કરી હતી અને દંડ ભરવાની ના પાડતા વેપારીઓ સાથે મોટી રકઝક થતા આમોદ પાલિકાના મુખ્ય અધિકારીએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.પોલીસની દરમિયાનગીરીથી વેપારીઓ અને પાલિકાના અધિકારીઓનો મામલો શાંત પડયો હતો.
સ્વચ્છતા હી સેવાની ઝુંબેશ હેઠળ આમોદ પાલિકાના મુખ્ય અધિકારીએ આગામી દિવસોમાં વેપારીઓ સાથે બેઠક કરી પ્લાસ્ટિક મુક્ત નગર બનાવવા માટે ચર્ચા કરવામાં આવશે તેમ મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું.