ખાખરીયા ગામે કાકાએ ભત્રીજા કુહાડી ઘા માર્યા
-પડોશમાં રહેતા બે કાકાએ જમીનના ભાગ બાબતે ભત્રીજા સાથે ઝઘડો કરી મારી નાંખવાની ધમકી આપી
ઝઘડીયા તા.7 જુન 2020 રવીવાર
ઝઘડિયા તાલુકાના ખાખરીયા ગામે રહેતા યુવાનને જમીનના ભાગ પાડવાના ઝઘડા બાબતે તેની પાડોશમાં જ રહેતા બે કાકાઓ દ્વારા ગાળો બોલી કુહાડી વડે હુમલો કરી ઈજા ગ્રસ્ત કર્યો હતો. બે કાકાએ ભેગા મળી ભત્રીજાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઝઘડિયા તાલુકાના ખાખરીયા ગામે રહેતા પરેશભાઈ ધનજીભાઈ વસાવા હાલમાં કોલેજમાં અભ્યાસ કરે છે. તેના પિતા ધનજીભાઈ મજૂરી કરે છે. ગતરોજ રાત્રીના સમયે તેના પિતા મજુરીએ ગયા હોય પરેશ તેની માતા સાથે જમી પરવારી ઘરના આંગણામાં બેઠો હતો. તે સમયે તેની પાડોશમાં જ રહેતા તેના મોટા કાકા સુખલાલ મણીલાલ તથા ચુનીલાલ મણીલાલનાઓ ઘરની આગળ આવી ગાળો બોલવા લાગેલા.
ભત્રીજાએ કાકાને ગાળો બોલવાનુ ના કહેતાં બંને કાકા ઉશ્કેરાઈ ગયા હતા અને ખેતરના ભાગલા બાબતે અમારી સાથે બબાલ કરો છો હું તમને કોર્ટમાં જોઈ લઇશ તેમ કહી ચુનીલાલ ભાઈએ જ ઝપાઝપી કરી સુખલાલ મણિલાલ તેના ઘરમાં દોડી જઇ કુહાડી લઈ આવી ભત્રીજા પરેશ સાથે ઝપાઝપી કરતા તેના હાથમાં કુહાડી પરેશના માથાના ભાગે વાગી ગઈ હતી.
જેથી બંને કાકા ત્યાંથી જતા રહેલા અને જતા જતા ધમકી આપતા હતા કે આજે તો બચી ગયો બીજીવાર ખેતરમાં ભાગ પાડવાની વાત કરીશ તો તને ત્યાં જ પતાવી દઈશું તેવી ધમકી આપી હતી.
પરેશની માતાએ 108 એમ્બ્યુલન્સને ફોન કરતા એમ્બ્યુલન્સ મારફતે પરેશને નેત્રંગના સરકારી દવાખાને લઈ ગયા હતા. જ્યાં તેની સારવાર કરી હતી. ઘટના બાબતે પરેશભાઈ ધનજીભાઈ વસાવાએ તેના કાકા (1) સુખલાલ મણિલાલ વસાવા (2)ચુનીલાલ મણિલાલ વસાવા બંને રહે. ખાખરીયા તાલુકો ઝઘડિયા વિરુદ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.