ઝઘડિયા તા.25 જાન્યુઆરી 2020 શનિવાર
ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની મહિલા વકીલ ભાવનાબેનના બંધ ઘરમાંથી સોનુ અને અગિયાર હજાર રોકડની ચોરી થવા પામી છે. ચોરો ગામના ફળિયામાં ઘરનો મુખ્ય દરવાજાના તાળા તોડી ઘરમાં પ્રવેશી સોનાના ઘરેણાં રોકડની ચોરી કરી ગયા છે. ચોરોએ કુલ 8,11,૦૦૦ ની મત્તાની ચોરી કરી ગયા છે. ફરિયાદી મહિલાએ ચોરીની ઘટનામાં શકમંદોના નામ ઝઘડિયા પોલીસને આપ્યા છે.
ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે રહેતા મનીષભાઈ કાંતિભાઈ પટેલ રાણીપુરા ગામે રહી ખેતી કરે છે. મનીષભાઈના પત્ની ભાવનાબેન ભરૂચ ખાતે તેમના પુત્રો સાથે રહી વકીલાત નો વ્યવસાય કરે છે. મનીષભાઈ અઠવાડિયામાં એક બે દિવસ ભરૃચ રહેવા જાય છે. ગતરોજ મનીષભાઈ તેમનું ખેતીનું કામ પતાવી અંકલેશ્વર કામ હોઈ ત્યાંથી ભરૃચ ગયા હતા.સવારે રાબેતા મુજબ ભરૃચથી રાણીપુરા તેમના ઘરે આવ્યા હતા. ઘરમાં તેઓ મુખ્ય દરવાજા પાસે આવ્યા ત્યારે દરવાજાને મારેલું તાળું નહિ હતું .દરવાજાનું ઇંટર લોક તૂટેલી હાલતમાં હોઈ તેમને ઘરમાં ચોરી થઈ હોવાનું જણાયું હતું .
તેઓ ઘરમાં પ્રવેશતા ડ્રોઈંગ રૃમ માં સામાન રફેદફે હતો પૂજાઘરમાં તપાસતા પૂજાઘરની નાની તિજોરી તૂટેલી હાલતમાં હતી. પૂજાઘરની તિજોરીમાં રાખેલા સોનાના ઘરેણાં, સોનાની ત્રણ લગડી, 11,૦૦૦ રોકડા ચોરો ચોરી ગયા હતા. કુલ રૂ.8,11,૦૦૦ ની મત્તાની ચોરી થવા પામી છે.ભાવનાબેન મનીષભાઈ પટેલે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને રાણીપુરા ગામના ચાર શકમંદોના નામ પોલીસને જણાવ્યા છે. ઝઘડિયા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી ડોગ સ્ક્વોડની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવાની કાર્યવાહી હાથ ધરી છે.
ઝઘડિયાના રાણીપુરામાં છેલ્લા કેટલા સમયથી લબડમુછીયા ચોરોનો ત્રાસ વધી ગયો છે.થોડા દિવસ પૂર્વે દૂધનું બિલ લઈ આવતા બાલુ આહીર નામના આધેડ પાસેથી બે યુવાનોએ ગામની વચ્ચે અંધારાનો લાભ ઉઠાવી એને નીચે પાડી દઈ રૂપિયા લૂંટી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત ખેતરોમાંથી સિંચાઇના સાધનોની ચોરી વધી રહી છે. સીમોમાં ખેતીના પાક ચોરોની સક્રિયતાના કારણે સલામત નથી. આ બધા ધંધા દેશી વિદેશી દારૂના ધંધા કરનારાઓસાથે સંકરાયેલા બુટલેગરોના મળતીયાઓ દ્વારાજ થતા હોવાનું સ્થાનિક ગ્રામજનોનું માનવું છે.


