ઝાડેશ્વર પાસે રિસોર્ટ અને ફાર્મહાઉસના માલિકને નર્મદામાં બનાવેલા પાળા દૂર કરવા આદેશ
-મામલતદાર, પાણી પુરવઠા યોજના અને પર્યાવરણની ટીમનો કાફલો સ્થળ પર નિરીક્ષણ માટે પહોંચતા દોડધામ
ભરૂચ તા.7 મે 2019,મંગળવાર
ભરૂચના ઝાડેશ્વર પાસે નર્મદાનદીના પ્રવાહને અવરોધતા ખાનગી રિસોર્ટ અને ફાર્મહાઉસના માલિકે ગેરકાયદે બનાવેલા પાળા અને રસ્તાના ભરૂચ જિલ્લા તંત્રે છેવટે તેને દૂર કરવા આદેશ કર્યો છે.
ભરૂચ સહિત નર્મદા ડેમના હેઠવાસમાં નર્મદા નદી નામશેષ થઈ રહી હોવાની બૂમો ઉઠી રહી છે. બે દિવસ પૂર્વે જિલ્લા પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મળેલી પાણીની સમસ્યા અંગેની સમીક્ષા બેઠકમાં નદીમાં વધી રહેલી ખારાશને નાથવા ભાડભૂત પાસે પાળા બનાવવા અંગે વિચારણા કરવામાં આવી હતી. અને નિર્ણય કરાયો હતો. જેના બીજા દિવસે જ ઝાડેશ્વર પાસેના મનન આશ્રમની સામેના કિનારે નદીની વચ્ચે જ ઊભા કરાયેલા સુરતના ફાર્મ હાઉસ સંચાલકે ત્યાં જવા માટે માટી નાંખી રસ્તો બનાવી દીધો હોવાનું બહાર આવ્યું હતુ.
સરકારી અધિકારીઓની ટીમે સુરતના સવજીભાઈ ધોળકીયાએ ગેરકાયદે પાળા બાંધી રસ્તો બનાવ્યો હોવાનું નોંધી તે અંગેનો પંચકેસ કરી તાત્કાલિક અસરથી તે દુર કરવામાટેના આદેશ પણ આપ્યો હતો.
આ અંગેનો હેવાલ સ્થાનિકોના આક્રોશ સાથે વહેતો થયો હતો. જેમાં કોઈપણ જાતની મંજૂરી વિના આ રસ્તો બનાવી નર્મદાનો પ્રવાહ અવરોધવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ ઉઠી હતી. જે બાદ નિંદ્રાધીન તંત્ર એકાએક એકશનમાં આવ્યું હતુ. અને મામલતદાર, પાણી પુરવઠા યોજના અને પર્યાવરણની ટીમોનો કાફલો સ્થળ નિરીક્ષણ માટે પહોંચતાં દોડધામ મચી જવા પામી હતી.