ભરૂચમાં પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર જળબંબાકાર સર્જાયુ
ભરૂચ તા.9 જુન 2020 મંગળવાર
ભરૂચ જિલ્લામાં મંગળવારે સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને મેઘરાજાની પધરામણી થઈ હતી. વરસાદ પડતાં લોકોને ઉનાળાની ગરમીમાંથી રાહત સાંપડી હતી. ભરૃચના અનેક માર્ગો ઉપર પાણી ભરાઈ જતાં લોકોની હાલત કફોડી બની હતી તો કેટલાક વિસ્તારોમાં માર્ગો ઉપર ખુલ્લી ગટરો હોઈ સાવચેતી માટે તેમાં લાકડીઓ ઉભી કરી લોકોને સાવચેત કરાયા હતા.
કોરોના પ્રકોપ વચ્ચે મંગળવારે ભરૃચ જિલ્લામાં ચોમાસા ઋતુની શરૃઆત થઈ છે. સવારે થોડો સમય સૂર્યનારાયણ દર્શન આપ્યા બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળોની હજારી વચ્ચે અચાનક વરસાદ તૂટી પડયો હતો. ભરૃચ , અંકલેશ્વર, દહેજ સહિત જિલ્લામાં ઠેર ઠેર મુશળધાર વરસાદ વરસતાં માર્ગો ભીંજાઈ ગયા હતા.
શીતલહેરોએ વાતાવરણને ઠંડુગાર બનાવી દીધુ હતુ. વરસાદના કારણે વીજળી ડુલ થઈ જતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. મોસમના પહેલા વરાસદમાં ખાસ કરીને નાના બાળકોએ નાહવાની મોજ માણી હતી. વરસાદના આગમથી ખેડૂતોના ચહેરા પર સ્મિત રેલાયુ હતુ. માટીની મીઠી સોડમે લોકોને વરસાદની હાજરીનો અહેસાસ કરાવ્યો હતો.
ભરૂચમાં પ્રથમ વરસાદે જ ભરૃચ નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ છતી કરી હતી. પ્રથમ સામાન્ય વરસાદમાં જ ભરૃચ માર્ગો જળબંબોળ બન્યા છે. ત્યારે ચોમાસાના ચાર મહિનામાં સ્થિતિ કેવી હસે તે ચર્ચાનો પ્રશ્ન બની ગયો છે. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં ખુલ્લા કાંસોનું પ્રદુષિત પાણી અને વરસાદી પાણી માર્ગો ઉપર ભરાઈ રહેતા લોકોમાં ગંભીર રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત વરતાઈ રહી છે.
-કાંસના બદલે ઝૂંપડપટ્ટીના દબાણ સાફ કર્યા
ભરૂચમાં સામાન્ય વરસાદમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થતા ભરૂચ નગરપાલિકાએ કાંસની સફાઈ કરવાના બદલે નન્નુમીયા ઝુંપડપટ્ટીનું દબાણ દુર કરવા પોલીસ કાફલા સાથે પહોંચી જતા સામે લોકોમાં રોષ ફેલાયો હતો. વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે કાંસની સાફ કરવાના બદલે નન્નુમીયા ઝુંપડપટ્ટીનું દબાણ દુર કરવા પાલિકાની ટીમે પહોંચી દબાણ દુર કરવા સ્થાનિકોમાં રાેષફેલાયો હતો.