પાલેજની કંપનીમાં ગેસની અસરથી એક કામદારનું મોત
-અન્ય કામદારોને હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છેઃમોત હાર્ટએટેકથી થયું હોવાનું કંપની કહે છે
ભરૂચ તા.17 સપ્ટેમ્બર 2019 મંગળવાર
પોલીસની એક કંપનીમાં કામકાજ દરમ્યાન ત્રણથી ચાર કામદારોને ગેસની અસર થઇ હતી. જેમાં એક કામદારનું મૃત્યુ થયું હતું. જેને કંપની ેસંચાલકોએ હાર્ટ એટેકમાં ખપાવી હાથ ખંખેરી લીધા હોવાના અહેવાલ બહાર આવી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક અકસ્માતોમાં અત્યાર સુધીમાં અનેક કામદારો મોતને ભેટયા છે. કંપની સંચાલકો તંત્રના મેળાપી પણામાં આવાં મૃત્યુને કુદરતી મૃત્યુમાં ખપાવી હાથ ખંખેરી લેતી રહી છે.
ઉદ્યોગોમાં થયેલા અકસ્માતો સંબંધીમાં ગંદુ રાજકારણ ખેલાય છે. ઔદ્યોગિક અકસ્માત માટે જવાબદાર કંપની સંચાલકો કે અધિકારીઓ સામે કોઇ પગલા ભરાતાં નથી. થોડા સમય પછી બધુ પાછુ યથાવત થઇ જાય છે. આવા અનેક કિસ્સા ગુજરાતના ગોલ્ડન કોરીડોર ગણાતા અને ઔદ્યોગિક હબ એવા ભરૂચ જિલ્લામાં નોંધાયા છે.
પાલેજ ખાતે આવોજ આ કિસ્સો બહાર આવ્યો છે. શુક્રવારે પાલેજની એક વિખ્યાત કંપનીમાં કામકાજ દરમ્યાન ગેસની ટાંકીની સફાઇ કરતાં કેટલાક કામદારોને ગેસની ગંભીર અસર થઇ હતી. જેમાં એક પરપ્રાંતિય કામદારનું મૃત્યું થયું હતું. જ્યારે અન્ય કામદારને વલણની ખાનગી હોસ્પીટલમાં સારવાર અપાઇ હતી.
ગેસની અસરથી કામદારનું મૃત્યુ થવાની ઘટનાને કંપની સંચાલકોએ કુદરતી મૃત્યુમાં ખપાવી દીધું હતું. કંપનીએ કામદારના મોત અંગે પોલીસ કે ફેક્ટરી ઇન્સ્પેક્ટરને પણ જાણ કરી ન હતી.
કંપની સંચાલકોએ કામદારનું કંપનીની બહાર હાર્ટએટેકથી મૃત્યુ થયુ હોવાની ઠોકી બેસાડી હાથ ખંખેરી લીધા હોવાની ચર્ચા પાલેજ ઔદ્યોગિક ક્ષેત્રે ઉઠી છે.