ભરૂચમાં ઉષ્ણતામાન 12 ડિગ્રીએ ગગડતા મોસમનો સૌથી ઠંડો દિવસ
- હજી બે દિવસ કાતિલ ઠંડીનો ભરડો યથાવત રહેશે
ભરૂચ તા.29 ડિસેમ્બર 2019 રવીવાર
બર્ફીલા ઠંડા પવનો ફુંકાવાનું રવિવારે પણ ચાલુ રહેતા ઠંડીનો પારો વધુ એક ડીગ્રી ગગડી 12 ડીગ્રી થઇ જતા સન્ડે સ્વેટર ડે બની ગયો હોઇ લોકોએ રવિવારની રજા ઘરમાં જ માણી હતી.
ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની અસર હેઠળ છેલ્લા ચાર દિવસથી ભરૃચ શહેર જીલ્લામાં કોલ્ડવેવની અસર વર્તાઇ રહી છે. ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં કાતિલ ઠંડીનો અનુભવ લોકોને થઇ રહ્યો છે. ઉત્તર પૂર્વમાંથી ફુંકાતા બર્ફીલા પવનોની ઝડપમાં પણ વધારો થઇ રહ્યો છે.
રવિવારે 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફુંકાતા પવનથી ઉષ્ણતામાનનો પારો નીચે ઉતરી આ મોસમમાં સૌથી ઠંડો દિવસ બની રહ્યો હોય તેમ 12 ડીગ્રી પર પહોંચતા સન્ડે સ્વેટર ડે બની ગયો હોય તેમ તમામ લોકો સ્વેટર, જેકેટ, મફલર, હેન્ડગ્લોઝ વગેરે ગરમ વસ્ત્રોથી ઢંકાયેલા જોવા મળતા હતા.
દિવસ દરમિયાન સૂર્યદેવતા વાદળોની પાછળ જ રવિવારની રજા માણતા રહેતા કોલ્ડવેવની અસર જનજીવન પર ઘેરી જોવા મળી હતી. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે કોલ્ડવેવની આગાહી કરી છે તે જોતા મંગળવાર બાદ ઉષ્ણતામાનમાં આંશિક વધારો થઇ શકે તેથી 31 મી ડિસેમ્બરની રાત્રિ પણ વધુ ઠંડી રહેશે.