સરદાર પ્રતિમા સાથે જોડતા હાઇવે પર પથ્થરથી ખાડા પૂરતું તંત્ર ડામર પાથરવાનું બાકી રાખ્યું
ઝઘડિયા તા.1 સપ્ટેમ્બર 2019 રવીવાર
ઝઘડીયાને સરદાર પ્રતિમા સાથે જોડતા હાઇવે પર વરસાદમાં પડેલા ખાડા પુરવા ડામર વિના છુટા પથરા (કપચા) નાખવામાં આવતા વાહનચાલકોની હાડમારી વધી ગઇ છે. છુટા પથરા વાહન વ્યવહાર દરમ્યાન વેરવિખેર થઇ જાય છે અને ક્યારેક ઉછળીને વાહવાની ઉપરાંત વાહનોના ટાયર ફાટી જવાની ભીતિ સેવાઇ રહી છે. તંત્ર અને ઇજારાદારની જોખમી કામગીરી સામે સ્થાનિકો અને વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે.
પથરા ઉછળીને વાગવાની કે પછી વાહનોના ટાયર ફાડી નાખવાની ભીતિ ઃ અકસ્માતનો ભય વધ્યો
ઝઘડીયાને ડામર વિનાના છુટા પથરાથી ખાડાઓ પુરવામાં આવતાં આવી જોખમી કામગીરી સામે લોકોમાં આક્રોશ ફેલાયો છે. સરદાર પ્રતિમાને જોડતા માર્ગોની કામગીરી પ્રારંભથી જ વિવાદમાં રહી છે. જુના રોડની આજુબાજુમાંથી હજારો વૃક્ષો કાપી નાંખ્યા બાદ હાલમાં પણ આ વિસ્તૃતીકરણની કામગીરી તંત્ર અને ઇજારદારના મેળાપીપણામાં અધ્ધરતાલ અને અધુરી પડી છે. સરદાર પ્રતિમાને જોડતા આ હાઇવે પર વરસાદ દરમિયાન મોટા અને ઉંડા ખાડા પડી ગયા છે. ઉપરાંત હાઇવે ઠેર ઠેર તકલાદી કામગીરીના કારણે ધોવાઇ ગયો છે. ઝઘડીયાની આસપાસ મોટા ખાડા પડી ગયા છે. હાલમાં વહીવટી તંત્ર અને ઇજારદારે ગુમાનદેવ ઝઘડીયા વાઘપુરા પાસે ખાડા પુરવાની કામગીરી હાથ ધરી છે. તેમાં મોટા પથરા ખાડામાં ડામર વગર નાંખી ઉપર રોલર ફેરવી રહ્યા છે.
સુપરવાઇઝરને પુછવામાં આવતા તેણે જણાવાયુ કે ચોમાસામાં ડામર ચોંટશે તેવી શક્યતા નથી આથી એકલા પથરા જ નાખી રહ્યા છે. ડામર વગર પથરા નાંખવાથી અકસ્માત થવાનું જોખમ વધી ગયું છે. તંત્ર અને ઇજારાદારની આવી બેદરકારીથી સ્થાનીકોમાં તથા વાહનચાલકોમાં રોષ ફેલાયો છે.