ભરૂચના કેબલ બ્રીજ ટોલ પ્લાઝા ખાતે ટોલ વસૂલવાનો પ્રારંભ
-લોકડાઉનની છુટછાટના પ્રથમ દિવસે વાહનોની સંખ્યા પ્રમાણમાં ઓછી
ભરૂચ તા.20 એપ્રિલ 2020 સાેમવાર
દેશના ઠપ્પ થયેલા અર્થતંત્રને ગતિ આપવાના આશય સાથે લોકડાઉનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત અન્ય માર્ગો પર વાહનોની અવર જવર વર્તાવા લાગી હતી .
ભરૂચ ના કેબલ બ્રીજ ટોલ પ્લાઝા ખાતે ટોલ વસુલાતની કામગીરી શરૃ કરી દીધી છે. કોરોના સંક્રમણના કારણે દેશવ્યાપી લોકડાઉનનો બીજો તબક્કો ૩ મે સુધી અમલ છે.
આ દરમિયાન ૨૦ મી એપ્રિલથી અર્થતંત્રને ગતિ આપવા માટે ગ્રામીણ અને સેઝ વિસ્તારોમાં કૃષિ, બાંધકામ ,ઔદ્યોગિક એકમોને છૂટ આપવા ઉપરાંત સ્વરોજગારી ધરાવતા વિવિધ લોકોને પણ કામ કરવાની મંજૂરી આપી છે . જેના પગલે લોકડાઉન પૂર્વે વાહન વ્યવહારથી ધમધમતા ભરૃચના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપરાંત દહેજ બાયપાસ રોડ તથા શહેરી માર્ગો પુનઃ ગતિ પ્રાપ્ત કરવા લાગ્યા હોઈ તેમ વાહનોની અવરજવર વર્તાવા લાગી હતી.
હજુ લોકડાઉનની છુટછાટનો પ્રથમ દિવસ હોવાથી વાહનોની સંખ્યા પ્રમાણમાં ઓછી જોવા મળતી હતી.હાઇવે ઓથોરિટી દ્વારા દેશના તમામ ટોલબુથ પર ટોલ નાબૂદી લોકડાઉનના પ્રારંભ સાથે કરી ટ્રાફિક જામ ન થાય તે માટેનો પ્રયાસ કરાયો હતો. જે વાહનોની છુટછાટ આપતા જ ટોલમુક્તિ પરત ખેંચી લઈ પુનઃ ટોલ વસુલાત શરૃ કરી દેવામાં આવી છે.
ભરૂચના ઝાડેશ્વર સ્થિત નર્મદા નદી પરના કેબલ બ્રીજના ટોલ પ્લાઝા ખાતે ટોલ ટેક્સ વાહન ચાલકો પાસેથી વસુલવાનો પ્રારંભ કરી દીધો છે.
રોજના સરેરાશ ૩૦ હજાર વાહનોથી ધમધમતો નેશનલ હાઇવે નંબર 48 લોકડાઉન દરમિયાન સુમસાન જોવા મળતો હતો તેને ધીમે ધીમે પુનઃ પુર્વવત થવા તરફ ડગ માંડયા હોય તેમ આજની વાહનોની અવર જવરથી લાગી રહ્યું હતું.