અંકલેશ્વરનાં ભંગારીયાને ત્યાંથી સીકા ઇન્ડિયાનો વેસ્ટ મળી આવ્યો
-ઝઘડિયાની સીકા કંપની વેસ્ટ ડમ્પિંગ કરતા ઝડપાય હતી
અંક્લેશ્વર તા.20 જુલાઇ 2019 શનિવાર
અંકલેશ્વરનાં ભંગારીયાનાં ગોડાઉનમાંથી ઝઘડિયાની સીકા ઇન્ડિયા કંપનીનો વેસ્ટ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. તાજેતરમાં જ સીકા કંપની ખાડા ખોદીને વેસ્ટ ડમ્પિંગ કરતા ઝડપાય હતી , ત્યારે વધુ એક વિવાદમાં સપડાય હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ઝઘડિયા જીઆઈડીસીની સીકા ઇન્ડિયા લી. કંપની દ્વારા કેમિકલ વેસ્ટ પ્લાસ્ટિકની બેગોમાં ભરી બે દિવસથી કંપનીની હદમાં ખાડા ખોદી દબાવામાં આવતું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ઔદ્યોગિક આલમમાં ચકચાર જગાવી હતી. હજી તો આ અંગેની તપાસમાં જીપીસીબી લાગ્યુ છે વધુ એક વિવાદમાં સીકા કંપની સપડાય છે.
અંકલેશ્વર મીરાનગર પાસે આવેલી રાજકુમાર યાદવ નામનાં ભંગારીયાને ત્યાંથી સીકા કંપનીનો વેસ્ટ મળી આવતા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી.
હાલ તો જીપીસીબી દ્વારા આ અંગેની તપાસ શરુ કરાઇ છે પરંતુ જીપીસીબી કસુરવાર કંપની અને ભંગારીયા સામે શું પગલા લેશે .તે તો આવનાર સમય જ બતાવશે.વધુમાં ભંગારીયા દ્વારા કંપનીઓ માંથી વેસ્ટ લાવીને તેને સળગાવી દઈને નિકાલ કરવામાં આવતો હોવાનું પણ લોક મોઢે ચર્ચાય રહ્યુ છે .