સંજાલી ગામે બે બાળકો સહીત 4 વ્યક્તિને હોમકોરન્ટાઇન કરાઇ
-ઉમલ્લા પોલીસ અને મેડિકલ ટીમ દ્વારા સંજાલીના પરિવારની મુલાકાત લઇ તેમને જરૂરી સૂચનાઓ આપી
ઝઘડીયા તા.5 એપ્રિલ 2020 રવીવાર
ઝઘડિયા તાલુકાના સંજાલી ગામનું એક પરિવાર રાજસ્થાન જય પરત આવ્યું હોવાની માહિતી ઉમલ્લા પોલીસ તથા આરોગ્ય વિભાગને થતા તેમણે પરિવારની મુલાકાત લઇ તેમને જરૃરી સૂચનાઓ અને માર્ગદર્શન આપી હોમ કોરન્ટાઇન કર્યા હતા.
કોરોના વાઇરસ ના સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય વિભાગ તથા પોલીસ વિભાગ દ્વારા સધન ચકાસણી હાથ ધરવામાં આવી છે. ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકની હદમાં આવતા સંજાલી ગામનો એક પરિવાર થોડા દિવસ પૂર્વે રાજસ્થાન જઇ પરત આવ્યો હોવાની માહિતી ઉમલ્લા પોલીસ તથા આરોગ્ય વિભાગને થઇ હતી. તેઓએ તાત્કાલિક સંજાલી ના પરિવારની મુલાકાત લીધી હતી અને પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી .
જેમાં પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે તેઓ 17 દિવસ અગાઉ તેમના બે બાળકો અને પત્ની સાથે રાજસ્થાન જઇ પરત આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પરિવારના ૪ સભ્યોને તપાસી તેમને જરૃરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.