ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડતાં છેલ્લા નોરતે ગરબાના રંગમાં ભંગ
-કેટલાક સ્થળોએ ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફરી વળ્યા તો ક્યાંક વરસાદમાં ગરબે ઘૂમ્યા
ભરૂચ તા.7 ઓક્ટાેબર 2019 સાેમવાર
ભરૂચમાં નવરાત્રિના શરૂઆતમાં વરસાદના કારણે આયોજકોને ગરબા ગ્રાઉન્ડને ગરબા રમવા લાયક બનાવવા માટે ભારે મહેનક કરવી પડી હતી. પરંતુ આઠ દિવસ સુધી વરસાદે પોરો ખાતાં નવરાત્રિના આઠ નોરતા સુધી દિલ ખોલીને ગરબે રમ્યા હતા. પરંતુ આઠમા નોરતેનની સંધ્યાકાળે જ મુશળધાર વરસાદ તૂટી પડતાં ગરબા મેદાનો પાણીથી ચિક્કાર ભરાઈ ગયા છે. જેના કારણે છેલ્લે ખેલૈયાઓના રંગમાં ભંગ પડયો છે.
સતત બે કલાક મુશળાર વરસાદ વરસતા ભરૃચ માં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો.જેના પગલે ભરૂચ શહેર ના નીચાણવાળા વિસ્તારો માં જળબંબાકાર ના દ્રશ્યો સર્જાયા હતા.
ભરૃચ શહેર જિલ્લામાં મા જગદંબાની આરાધનાના પર્વ આસો નવરાત્રીની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે નવરાત્રિના શરૃઆતના બે દિવસ વરસાદ વિધ્ન બન્યો હતો જે બાદ પાંચ દિવસ મેહુલિયે વિરામ લીધા બાદ ભરૂચ નગર અને જિલ્લામાં નવરાત્રિના ગરબાનો માહોલ બરાબર જામ્યો હતો. મોડી રાત સુધી ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘુમ્યા હતા.
પરંતુ આઠમ દિવસે માતાજીની પૂજા અર્ચના દિવસે સંધ્યાકાળના સમયે જ વાતાવરણમાં અચાનક પલટો આવી આવી ગયો હતો. થોડી વારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડતાં નગરના મોટાભાગના ગરબા ગ્રાઉન્ડ વરસાદી પાણીથી ચિક્કાર થઈ જતાં ગરબા આયોજકો ચિંતાતુર બન્યા હતા તો વરસાદનું વિઘ્ન આવતાં ખેલૈયાઓમાં પણ નિરાશા જોવા મળી છે.
બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવી જતા મુશળધાર વરસાદ તૂટી પડતાં ઠેરઠેર ખેલૈયાઓ વરસાદ ને રોકવા માટે પ્રાર્થનાઓ કરવા લાગ્યા હતા પરંતુ કુદરતે તેમના પ્રાર્થના નામંજૂર કરતાં મુશળધાર વરસાદના કારણે ભરૂચના ગરબા ગ્રાઉન્ડ ઉપર પાણી ભરાઈ જવાને કારણે ગરબાના મેદાનો અને ખેલૈયાઓની આશા ઉપર વરસાદી પાણી ફરી વળ્યું છે.
ભરૂચ ના સિદ્ધનાથ નગર ના ગરબા ગ્રાઉન્ડ ઉપર વરસાદી પાણી ફરી વળતા કાદવ કીચડ ના સામ્રાજ્ય ના કારણે ખૈલયાઓની સંખ્યા મોટી પ્રમાણમાં જોવા મળતા આયોજકોએ ખૈલયાઓ નિરાશ ન થાય તે માટે ગરબા ગ્રાઉન્ડ ની બહાર આર.સી.સી રસ્તા ઉપર ગરબા રમાડવામાં આવ્યા હતા.મોડી રાત્રી એ દશ વાગ્યે કલાવૃંદે ગીતોની રમઝટ બોલાવતા ખૈલેયાઓ મનમુકી ને ઝૂમી ઉઠયા હતા.
એ.બી.સી ચોકડી સ્થિત ગેલેક્ષી પાર્ટી પ્લોટ માં રિધમ ગૃપ દ્વારા ગરબાનું આયોજન કરાયું છે જેમાં આસો નવરાત્રીની આઠમ ના દિવસે સંધ્યાકાળે મુશળધાર વરસાદ ના કારણે ગરબા ગ્રાઉન્ડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા આયોજકો ચિંતાતુર બન્યા હતા. બે કલાક બાદ વરસાદ થંભી જતાંગરબા આયોજકોએ ગ્રાઉન્ડની સફાઈ કરાવી રાત્રી એ ૧૧ કલાકે ખૈલયાઓ માટે ગ્રાઉન્ડ ખુલ્લું મુકાયુ હતું. ખૈલેયાઓ મનમુકી ને ગરબે ધૂમ્યા હતા.
કસક વિસ્તાર માં ભૃગુપુર પટેલ સોસાયટીમાં સાત દિવસથી ચાલતા ગરબાના ગ્રાઉન્ડ પર આઠમા દિવસે વરસાદી પાણી ભરાયા હતા. પરંતું આયોજકો એ તાબડતોડ ગરબા ગ્રાઉન્ડ ની સાફ સફાઈ કરાવી ગ્રાઉન્ડમાં ભરાયેલ પાણીને ઉલેચી ગરબા શરૃ કરાયા હતા.
દુધધારા ડેરી ઉપર રિલાયન્સ દ્વારા યોજાતા ગરબા ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ જતા ખૈલયાઓ નિરાશ જોવા મળ્યા હતા.તો ગરબા ગ્રાઉન્ડ માં પાણી વધુ પ્રમાણમાં હોવાથી ગરબા રદ્દ કરાયા હતા.
રચના નગર ખાતે પણ ગરબા ગ્રાઉન્ડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. સાફ સફાઈ કરીને મોડી રાત્રેે ગરબા શરૃ કરાયા હતા. આસો નવરાત્રીમાં વરસાદ ના કારણે પડેલા વિઘ્નને સરભર કરવા કેટલાક ગરબા ગ્રાઉન્ડો પર દશેરાના પણ ગરબા ચાલુ રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.