ભરૂચ જિલ્લામાં પાંચ કોરોના પોઝિટિવ કેસ મળતા ક્વોરેન્ટાઇન એરિયા સીલ કરાયા
-ટ્રાવેલ હિસ્ટ્ર ધરાવતા પાંચ કેસ પોઝિટિવ આવતાં ભરૂચ જિલ્લાનો ટ્રેક રેકોર્ડ બગડયો
ભરૂચ તા.20 મે 2020 બુધવાર
કોરોના એ ભરૂચ જિલ્લામાં છ દિવસ બાદ પુનઃ એક સાથે પાંચ દર્દીઓથી રિ-એન્ટ્રી કરતા ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર પુનઃ દોડતું થઈ ગયું છે. કોરોના પોઝિટિવ કેસ મળી આવતા જેતે વિસ્તારોને સીલ કરી સર્વે સહિતની કામગીરી હાથ તંત્ર દ્વારા હાથ ધરી હતી.
ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસ એન્ટ્રી આમોદના ઈખર ગામેથી થઈ હતી.ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના અનેક દર્દીઓ મળી આવ્યા હતા .32 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.જેમાં ૩ દર્દીઓના મોત નિપજ્યા હતા. જે બાદ કોરોનાના દર્દીઓ મળવાનો સીલસીલો અટક્યો હોવાના કારણે તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો.
પરંતુ સરકાર દ્વારા જાહેર કરેલ ચોથા તબક્કાના લોકડાઉનમાં લોકો અન્ય જિલ્લાઓમાં પરવાનગી વગર અવર જવર કરી શકશે તેમજ આંતર રાજ્ય અવરજવરને મંજૂરી સાથે અવરજવરની છૂટ આપવાના પગલે મુંબઈ અને અમદાવાદથી ભરૃચ જિલ્લામાં આવેલા પાંચ વ્યક્તિઓનું મેડિકલ ચેકઅપ કરી સેમ્પલ લીધા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ ભરૃચ જીલ્લામાં કોરોનાએ છ દિવસ બાદ પુનઃ રિએન્ટ્રી કરી હતી.
જેમાં ભરૂચના મક્તમપુર ખાતે એક વ્યક્તિ, રહડપોરની રંગ ઉપવન સોસાયટીની એક વ્યક્તિ, અંકલેશ્વરના કોસમડી ગામમાં કુમકુમ સોસાયટીમાં 26 વર્ષીય યુવતી, અંકલેશ્વરના પીરામણ નાકા સ્થિતિ માતા અને પુત્રી સહીત કુલ પાંચ કોરોના પોઝિટિવના કેસ મળી આવતા તેઓના નિવાસસ્થાનોને કોરન્ટાઈન એરિયા જાહેર કરી જિલ્લા વહીવટી તંત્રના જાહેરનામા મુજબ આ વિસ્તારોને સીલ કર્યા હતા. સાથે જ સેનેટાઇઝેશન અને સર્વે કામગીરી હાથ ધરી હતી.