અંકલેશ્વરમાં નવરાત્રીનાં ઘેર નૃત્ય રજુ કરતા યુવાન ઘેરૈયા બન્યા આકર્ષણનું કેન્દ્ર
-નૃત્યમાં મળેલી આવકને માતાજીના મંદિરના કામમાં ઉપયોગમાં લે છે.
અંક્લેશ્વર તા.29 સપ્ટેમ્બર 2019 રવીવાર
શક્તિ અને ભક્તિનાં પર્વ નવરાત્રીનાં પ્રારંભ સાથે મા અંબાની ભક્તિમાં ભક્તો લિન બન્યા છે. ઘટ સૃથાપન અને માતાજીની પ્રતિમાનું સૃથાપન સથે પ્રથમ રાત્રીથી જ યુવાધન ગરબે ઝૂમશે ત્યારે લુપ્ત થઇ રહેલા ઘેરૈયાઓ દ્વારા આજે પણ તેની ઘેર નૃત્યની પરંપરાને જીવંત રાખી છે.
અંકલેશ્વર ગુંજ સોશિયલ ગુ્રપ દ્વારા આયોજીત પાંચમાં નવરાત્રી મહોસ્તવ નિમિત્તે શહેરમાં માતાજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.જેમાં આદિવાસી સમાજનાં યુવાનો દ્વારા લુપ્ત થતી ઘેર નૃત્યની પરંપરાને આજે પણ સજીવન રાખી નવરાત્રીનાં પ્રારંભ સાથે ઘેરૈયાઓ લોક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
નવરાત્રીમાં સાંસારિક જીવનનો ત્યાગ કરી માતાજીની ભક્તિમાં આદિવાસી સમાજનાં યુવકો જોતરાય છે. આ યુવાનોની ટોળી વેશ ધારણ કરી ગલીએ ગલીએ ઘુમીને ઘેર નૃત્ય રજુ કરે છે. આ કાર્ય દરમિયાન થતી આવકનો ઉપયોગ માતાજીનાં મંદિરનાં કામમાં કરે છે.
ઘેર નૃત્ય રજુ કરતી ટોળકીમાં મુખ્ય પાત્ર કાળી બિલાડીનું હોય છે .બિલાડીનું પાત્ર ઘેરૈયાઓને ખરાબ નજરથી બચાવતું હોવાની માન્યતા છે. બિલાડીની વેશભૂષા ધારણ કરેલા યુવાને પાછળ ઘંટ બાંધ્યો હોવાથી લોકોમાં તે વધુ આકર્ષણનું કેન્દ્ર બને છે. ગુંજ સોશિયલ ગુ્રપ દ્વારા આયોજીત શોભાયાત્રામાં ગૃપનાં હોદ્દેદારો , સભ્યો તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.