ભરૂચ જિલ્લામાં મૂશળધાર વરસાદથી ચોમાસાનો પ્રારંભ
-નીચાણવાળી અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા
ભરૂચ તા.13 જુન 2020 શનિવાર
ભરૂચ જિલ્લામાં ગત મોડી રાત્રીએ વાતાવરણમાં અચાનક પલટો આવતા વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ગલીઓનો કચરો પાણી સાથે નગરના મુખ્ય રસ્તા પર ધસી આવ્યો હતો.
અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન અને પાણીની પાઈપ લાઈનના ખોદકામ બાદ પૂરતો સમય મળ્યો હોવા છતાં પેચીંગ વર્ક ન થતાં કાદવ કીચડના સામ્રાજ્યથી વાહન ચાલકો સહિત રાહદારીઓને અકસ્માતોનો ભય સતાવી રહ્યો છે.પાલિકા દ્વારા પેચીંગ વર્ક વહેલી તકે કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
વરસાદમાં ન્હાવા માટે નાના ભૂલકાઓ સહિત શહેરીજનો ઉત્સુક બની ગયા હતા.બીજી તરફ ભરૃચની ઝૂપડપટ્ટી અને સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.જેમાં હુસેનીયા નગર-૨ ની નજીકની મુખ્ય કાંસની સફાઈ કરવામાં ન આવતા વરસાદી પાણીનો નિકાલ ન થતા સમગ્ર સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે ગભરાટ ભર્યા વાતાવરણમાં લોકોએ રાત્રી જાગરણ કરવાની ફરજ પડી હતી.
ભરૂચના મકતમપુર વિસ્તારમાં વરસાદના કારણે જાહેરમાર્ગો ઉપર અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન અને પાણીની પાઈપ લાઈન માટે ખોદકામ કરેલા સ્થળો ઉપર નિયમિત સમયસર પેચીંગ વર્ક કરવામાં ન આવતા સમગ્ર વિસ્તાર કાવ કીચડના સામ્રાજ્યમાં ફેરવાયું છે.કાદવ કીચડના સામ્રાજ્ય વચ્ચે ટુ વ્હીલર વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.ભરૃચ જીલ્લામાં મુશળધાર વરસાદથી ચોમાસાની શરૃઆત થઈ હતી.
મોડી રાત્રીએ વરસાદ વરસતા જ વીજ પુરવઠો પણ ખોરવાઈ જતા ભરૂચ અંધારપટમાં ફેરવાયું હતું. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બી ડીવીઝન પોલીસ મથકની સામે લીમડીચોક વિસ્તારમાં લોખંડના થાંભલામાં વીજ કરંટ ઉતરતો હોય તે દરમ્યાન ગાયો થાંભલાને અડકી જતા વીજ કરંટ લગતા બે ગાયના મોત નીપજ્યા હતા.જેના કારણે ભરૃચ જીઈબીની બેદરકારી સામે સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.
-ભરૂચ જિલ્લામાં શનિવારનો વરસાદ
ભરૂચ - 45 મીમી
અંકલેશ્વર - 6 મીમી
આમોદ - 18 મીમી
જંબુસર - 39 મીમી
નેત્રંગ - 10મીમી
વાલિયા - 08 મીમી
વાગરા - 57 મીમી
હાંસોટ - 11 મીમી
ઝઘડિયા - 06 મીમી