લોકડાઉન વચ્ચે કબીરવડનો ઘાટ પ્રવાસીઓ વિના સૂમસામ
-છાસવારે નદીમાં મગરો દેખાવાના બનાવો વધ્યા
ભરૂચ તા.4 જુન 2020 ગુરૂવાર
નર્મદા નદીમાં છેલ્લા કેટલાક વર્ષોથી કેવડિયા ખાતેના સરદાર ડેમમાંથી પાણીની આવક ઓછી રહેતા નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ ઘણો ઓછો રહેતો હતો. જેના કારણે પાણીના ઓછા પ્રવાહમાં નાવડીઓ ચલાવવી મુશ્કેલ બની રહી હતી.
નર્મદા નદીમાં પાણીના ઓછા પ્રવાહના કારણે માછીમારીનો વિકટ પ્રશ્ન ઉભો થયો હતો. જેથી ભરૃચના પ્રવાસન અને ધામક મહત્વ ધરાવતા સ્થળ તરીકે કબીરવડમાં લોકોની અવર જવર ઓછી થઈ હોવાથી એક સમયે કબીરવડના મઢી ઘાટને હરાજીમાં લેનાર સંચાલકો આથક ભીંસમાં મુકાયા હતા.
ગતવર્ષે ચોમાસુ એકંદરે સારું રહેતા ડેમના ઉપરવાસમાં પાણીની આવક નર્મદા નદીનો પ્રવાહ વધી ગયો હતો.
વરસાદના પગલે સરદાર ડેમની સપાટી ઐતિહાસિક સ્તર ઉપર પહોંચતા ડેમમાંથી રોજેરોજ પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી આ વર્ષે ભર ઉનારે નદીમાં પાણી ભરપૂર જોવા મળી રહ્યું છે. પરંતું હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી અને લોકડાઉનના પગલે કબીરવડ ખાતે પર્યટકોની સંખ્યા નહિવત જોવા મળી હતી. સામાન્ય દિવસોમાં ઉનાળાની સિઝનમાં પર્યટકો મોટી સંખ્યામાં અહી ઉમટી પડે છે.
બીજી તરફ નદીમાં મગરો પણ છાસવારે દેખા દેતા પ્રવાસીઓ નદીમાં ન્હાવા માટે ડર અનુભવી છે. પ્રશાસન મગરોને સુરક્ષિત જગ્યાએ છોડી નદીને સુરક્ષિત બનાવે , જેથી પ્રવાસનને વેગ મળે અને લોકો ભયમુક્ત બની નર્મદા નદીમાં પરિવાર અને મિત્રો સાથે સ્નાન કરવાનો લ્હાવો ઉઠાવી શકે તેવી લોકમાંગ છે.