ભરૂચમાં ખાડાઓથી કંટાળી અનોખો વિરોધ કલેકટર કચેરી પાસેના ખાડા પર કાર મૂકી ત્રિરંગા સાથે યુવાન ઉભો રહ્યો
-પાલિકાતંત્ર અનોખા વિરોધને પગલે દોડતું થઇ ગયુંઃ તત્કાળ ખાડા પૂરવાના કામે લાગી મામલો થાળે પાડયો
ભરૂચ તા.1 સપ્ટેમ્બર 2019 રવીવાર
ભરૂચ શહેરના બિસ્માર માર્ગોના મામલે નાગરિકે અનોખો વિરોધ પ્રદર્શન કરી કલેકટર કચેરી સામેના રોડ પરના ખાડા પાસે ત્રિરંગા સાથે પોતાની કાર ઉભી કરી દીધી હતી. જેના પગલે પોલીસ અને પાલિકા તંત્ર દોડતું થઇ ગયુ હતુ. પાલિકાએ તાત્કાલિક ખાડા પૂરવાનું શરૂ કરી મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
ભરૂચ શહેરના ઉબડખાબડ માર્ગોથી સમગ્ર શહેરના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. બે દિવસ પૂર્વે સોશિયલ મીડિયામાં ભરૃચના યુવાન દિવ્યેશ ઘેટીયાએ બિસ્માર માર્ગોના ખાડા નહિ પૂરવામાં આવે તો પહેલી સપ્ટેમ્બરે પોતાનું વાહન રોડ પર મુકી દઇ વિરોધ કરવા જાહેરાત કરી હતી. આમ છતાં તંત્ર કોઇ ગંભીરતા દાખવી ન હતી. આથી રવિવારની સવારે દિવ્યેશ ઘેટીયા તેઓની કાર અને ત્રિરંગા સાથે ભરૂચ કલેકટર કચેરીના રોડ પર પહોંચી ગયા હતા. પોતાની કાર રોડ પર જ ઉભી રાખી ત્રિરંગા અને ભારત માતાની તસ્વીર સાથે ખાડા ભરો અભિયાનના મુદ્દે અનોખો વિરોધ પ્રદર્શિત કરી લોકોને પણ આ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.
ભરૂચ નગર પાલિકાની નબળી કામગીરીનો હું જાહેરમાં વિરોધ કરૃ છું અને જ્યાં સુધી ખાડા નહીં પુરાય ત્યાં સુધી બેનર સાથે ત્યાં જ કાર સહિત ઉભા રહેવાના દિવ્યેશ ઘેટીયાના એલાનથી અન્ય લોકો પણ આગળ આવ્યા હતા.
બીજીબાજુ આ અનોખા વિરોધની જાણ થતા પોલીસ અને પાલિકાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે દિવ્યેશ ઘેટીયાને કલેકટર કચેરી સંકુલમાં લઇ જઇ પુછપરછ કરવાની સાથે આ અંગેની જાણ અન્ય સંલગ્ન વિભાગોને કરી હતી. દરમિયાનમાં દિવ્યેશ ઘેટીયાના અન્ય સહયોગીઓએ પણ તેઓને મુક્ત કરવાની માગ સાથે પાલિકાની કામગીરીમાં વ્યાપકપણે ગેરરીતિ થઇ રહી હોવાના આક્ષેપ કર્યા હતા.
ભરૂચ નગર પાલિકાના એન્જીનીયર સહિત અન્ય કર્મચારીઓએ દોડી આવી મામલો થાળે પાડવા ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી હતી. દિવ્યેશ ઘેટીયાને પોલીસે મુક્ત કરતાં તેઓ પુનઃ રોડ પર આવી વિરોધ ચાલુ રાખવાનો પોતાનો નિર્ધાર કરવા સાથે લોકોને પણ તેઓના હક્ક માટે જાગૃત થવા જણાવ્યુ હતું.
પાલિકાએ ખાડા પુરવાની કામગીરી હાથ ધરી મામલો થાળે પાડવાનો પ્રયાસ હાલ તો કરાયો છે પરંતુ આ રીતે હલકી ગુણવત્તાયુક્ત રસ્તાની કામગીરી હવે ભરૃચની પ્રજા સાંખી લેશે નહિ તે જાણી લેવા સાથે ભ્રષ્ટાચાર મુક્ત ભારતનો અમલ કરવામાં આવે તે જરૂરી છે.