ભરૂચમાં કોરોના હવે નિયંત્રણ બહારઃનવા 19 કેસ આવ્યા
-હાંસોટમાં-5,અંકલેશ્વરમાં-4,ભરૂચમાં-૩, આમોદમાં-૩, વાગરા-2,ઝઘડિયા-1, જબુંસરમાં-1 કોરોનાનો કેસ
ભરૂચ તા.9 જુલાઇ 2020 ગુરૂવાર
ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસમાં આજે વધુ 19 કેસ આવતા જિલ્લામાં કુલ આંક 400 થયો છે. તો એક મૃત્યુ સાથે સરકારી રેકોર્ડ પર મૃત્યુ આંક 15 થયો છે.
ભરૃચ જિલ્લામાં ગતરોજ સવારના 15 કેસ આવ્યા બાદ સાંજે વધુ 14 કેસ આવતા એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 29 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા, અને કોરોનાનો આંક 381 પહોંચ્યો હતો. જેમાં બીજા દિવસે પણ વધારો થતાં વધુ 19 કોરોના કેસ આવ્યા હતા. કોરોનાનો આંક 400 પર પોહચ્યો હતો.
આજરોજ આવેલ 19 કોરોનાના પોઝીટીવના કેસ પૈકી હાંસોટમાં સૌથી વધુ ૫ કેસ આવ્યા હતા. આ ઉપરાંત ભરૃચ અને આમોદમાં ૩-૩, અંકલેશ્વરમાં 4, વાગરામાં 2 અને જબુંસર તથા ઝગડીયામાં 1-1, કોરોનાના કેસ મળી આવ્યા છે. અત્યાર સુધી માં 203 દર્દીઓને સાજા થતા રજા આપી છે. અને હાલમાં 182 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 216 શકાસ્પદ કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
કોરોનાના વધતા સંક્રમણને નાથવા દુકાનો ખુલ્લી રાખવાના સમયમાં તંત્ર દ્વારા ઘટાડો કરવામાં આવ્યો છે. કોરોના આંકમાં ધરખમ વધારો નોંધાતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. ત્યારે ફરી એકવાર ચુસ્તપણે લોકડાઉન કે કરફ્યુ જાહેર કરવામાં આવે તો નવાઈ નહિ. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના કેસોના સંક્રમણને રોકવા ભરપૂર પ્રયાસો હાથ ધરવા પડશે અને તેમાં પ્રજાજનોનો સહકાર નહિ હોય તો ઘરે ઘરે કોરોના કેસો નોંધાશે.