પ્રેમી સાથે ભાગી ગયેલી પત્નીને ઝડપી પાડી હત્યા કરી પતિ ફરાર
વાલિયા તા.21 ફેબ્રુઆરી 2020 શુ્ક્રવાર
વાલિયા તાલુકાના પણસોલી ગામે ફડકોઈ ફળીયામાં પ્રેમી સાથે ભાગી ગયેલી પત્નીને પતિએ માર મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જયારે હત્યારો પતિ ફરાર થઇ ગયો હતો.
વાલિયાના પણસોલી ગામના ફડકોઈ ફળીયા રહેતો અશ્વિન અભેસિંગ વસાવાના લગ્ન માંગરોળની સુધા વસાવા સાથે થયા હતા.તેઓના આઠ વર્ષના લગ્ન સબંધમાં ત્રણ સંતાનો છે.ત્રણ સંતાનોની માતા સુધા વસાવાને ફળીયા રહેતા નિલેશ બળવંત વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાતાં બન્ને પંદર દિવસ અગાઉ ભાગી ગયા હતા.
પતિ અશ્વિન વસાવાએ પરિવારજનો સાથે બન્નેની શોધખોળ કરી તેઓને સુરતના માંગરોળ પાસે આવેલ એક વાડીમાંથી ઝડપી પાડી બન્નેને પરત ઘરે લાવી સમાધાન કરી છુટા પાડયા હતા.
દરમ્યાન ગત તા.20 મીની સાંજે પતિ અશ્વિન વસાવાએ તેની પત્ની સુધા પર પ્રેમ સંબંધની રીસ રાખી આડેધડ લાકડીના સપાટા મારી પગ ઉપરથી બાઈક ચલાવી ફરાર થઇ ગયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત ૩૯ વર્ષીય પત્ની સુધાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ ઘટનાની જાણ વાલિયા પોલીસને કરાતા પોલીસ દોડી આવી સુધા વસાવાના મૃતદેહને વાલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી પતિ અશ્વિન વસાવા વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.