ભરૂચમાં પવન સાથે મુશળધાર વરસાદઃ સ્ટ્રીટ લાઇટના થાંભલામાં ભડકો થતાં લોકોમાં ફફડાટ
-વારંવાર વરસાદના માહોલના કારણે નવરાત્રી આયોજકોને અવઢવમાં
ભરૂચ તા.26 સપ્ટેમ્બર 2019 ગુરૂવાર
ભરૂચમાં છેલ્લા ૩ દિવસ નિયમિતતા જાળવતા સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતા વેગીલા પવન સાથે વરસાદ વરસતા ભરૃચમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા દોડાધામ મચી જવા પામી હતી. કેટલાક વિસ્તારના વીજ થાંભલાઓમાં ધડાકા થતાં અંધારપટ છવાયો હતો.
ભરૃચ માં બપોર બાદ સમી સાંજે વાદળોની ફોજ રોજની જેમ આવી પહોંચતા પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ભરૃચ શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા. જેાથી ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો પણ વરસાદાથી બચવા માટે સુરક્ષિત જગ્યા શોધવા મજબૂર થયા હતા. ભરૂચ શહેરના મુખ્ય માર્ગો સહિત ઝાડેશ્વર વિસ્તારના શાકભાજી બજારમાં પથારાવાળાઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે સ્કૂલાથી જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાતો અટવાયા હતા.
કેટલાક વિસ્તાર માં સ્ટ્રીટલાઇટના વીજવાયરોમાં ભડકો હતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો .જેાથી વીજપુરવઠો બંધ થઈ ગયો હતો. સતત વરસી રહેલા વરસાદના કારણે ભરૂચ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની દ્રશ્યો સર્જાયા હતા .ભરૂચ શહેરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામતા નવરાત્રી આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું .