ભરૂચ સ્ટેશન વિસ્તારમાં પાણીની ટાંકી ઉભરાતા બજારો જળબંબાકાર
-મોગલપુર ઝુંપડપટ્ટી , દુકાનોમાં પાણી ભરાતા કાદવના કારણે વાહન ચાલકોને અકસ્માત
ભરૂચ તા.29 મે 2019 બુધવાર
ભરૂચ નગરપાલિકા પ્રમુખના વોર્ડમાં આવેલા ભરૃચ સ્ટેશન વિસ્તારમાં પાલિકાની પાણીની મુખ્ય ટાંકી ઉભરાતા સમગ્ર વિસ્તારમાં જળ બંબાકાર થઈ જવા સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા. બજારો તથા ઝુપડપટ્ટીમાં જળબંબાકારથી બહાર ઉનાળે ચોમાસાનો માહોલ સર્જાયો હતો.
ભરૂચમાં ગંદકીના સામ્રાજ્યથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે . ભરૂચ નગરપાલિકા પ્રમુખના વોર્ડમાં જ ગંદકીના સામ્રાજ્ય જોવા મળ્યા છે. જેમાં ભરૂચ સ્ટેશન સ્થિત આવેલા પાલિકાની પાણીની મુખ્ય ટાંકી ઉભરાતા પાણી મુખ્ય માર્ગો ઉપર ફરી વળતા ભરૃચના એસ ટી ડેપો ની સામે આવેલ ફ્ટ બજારમાં જળ બંબાકાર સાથે કાદવ કિચ્ચડના સામ્રાજ્ય વચ્ચે લોકોની દુકાનોમાં પાણી ફરી વળતા વેપારીઓ પોતાની દુકાનોમાં પાણી ઉલેચતા નજરે પડયા હતા .
મોગલપુર વિસ્તારમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થાના હોવાના કારણે સમગ્ર પાણી નીચાણવાળા વિસ્તારમાં લોકોના મકાન પાસે ભરાઈ રહેતા ગંદકીના સામ્રાજ્ય સાથે અત્યંત દુર્ગંધ ના પગલે લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
ભરૃચ નગર પાલિકા સ્વછતા ના બણગા ફૂંકે છે ત્યારે પ્રમુખના જ વોર્ડમાં ગટર લાઈનો ચોકઅપ થઇ જવાના કારણે ઘર આંગણે જ પાણી ભરાઈ રેહવાની સમસ્યા એક માસથી સર્જાઈ રહી છે .જે સ્થળે તળાવ ભરાઈ રહ્યું છે જ્યાં ગંદકીનું સામ્રાજ્ય છે ત્યાં પીવાના પાણીના પણીયારું પણ આવેલું છે જ્યાં થી લોકો પીવાનું પાણી ભરે છે.
જે દુષિત પાણી પીવાના પાણી સાથે ભળતું હોવાથી સ્થાનિકો ઝાડા ઉલ્ટીના વાવળ માં સપડાયા હોવાના એહવાલો મળી રહ્યા છે . ભરૂચ નગરપાલિકા વહેલી તકે ગટરો ની સાફસફાઈ કરાવે અને પાણીના નિકાલ ની સમસ્યાનું નિવારણ કરે તેવી માંગ ઉચ્ચારી છે.