ભરૂચના નબીપુર નજીક ઈંડા ભરેલી પિક અપવાન પલટી
-અકસ્માતના પગલે એક તરફનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયોઃવિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ
ભરૂચ તા.16 નવેમ્બર 2019 શનિવાર
ભરૂચના નેશનલ હાઈવે ઉપર નબીપુર પાસે ઈંડા ભરેલા પિકઅપ વાન પલટી ખાઈ લોકોએ ઈંડા ની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવતા સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો હતો.
વડોદરા તરફથી ઈંડા ભરેલી પિકઅપ વાન નેશનલ હાઈવે પરથી ભરૂચ તરફ આવી રહ્યો હતો .તે દરમિયાન નબીપુર નજીક ઈંડા ભરેલા ટેમ્પાને અકસ્માત નડતા ઈંડા ભરેલી પીકઅપ વાન ભરેલો ટેમ્પો પલટી મારી જતાં હાઈવે ઉપર ઈંડાઓ વેરણછેરણ થઈ ગયા હતા . અકસ્માત ની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકો એ ઈંડાની લૂંટ ચલાવવા માંડી હતી.જેટલા ઈંડા હાથ માં આવે તે લઈ જવા લાગ્યા હતા.
મહિલાઓ તથા કેટલાક પુરુષો પણ ઈંડાની ટ્રેલર લઇ ભાગી રહ્યા હોવાના દ્રશ્યો મોબાઈલ વીડિયોમાં કેદ થયા હતા તો કેટલીક મહિલાઓ તો પહેરેલી સાડીમાં ભરી લઈ જતા મોબાઈલ વીડિયોમાં કેદ થયા હતા .લોકોએ અકસ્માતમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડવામાં બદલે ઈંડાની લૂંટ ચલાવવામાં મગ્ન બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
અકસ્માતના પગલે એક તરફનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ જવા પામ્યો હતો.જાે કે સ્થાનિક પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો. અકસ્માત નડેલા ઈંડા ભરેલા ટેમ્પાને રોડ ની સાઇડ કરી વાહન વ્યવહાર અર્થે માર્ગ ખુલ્લો કરવાની કવાયત હાથ ધરી હતી.
ગ્રામજનો તો ઠીક પરંતુ વાહન ચાલકો પણ ઈંડાની લૂંટ ચલાવવામાં મગ્ન બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા વાહન વ્યવહારને રાબેતા મુજબ કરવા માટે પોલીસને અઢીથી ત્રણ કલાકનો સમયગાળો લાગ્યો હતો. જો કે આ અંગે પોલીસ ફરિયાદ હજુ સુધી નોંધવા પામી ન હતી. જેથી તે અંગે પણ તર્કવિતર્ક સર્જાઈ રહ્યા હતા.