ઝઘડિયામાં મઢી આશ્રમ પાસે નર્મદાના પૂરના પાણી ફરી વળતા ગણેશ વિસર્જનમાં પરેશાની
- ઉપરવાશમાં ભારે વરસાદના પગલે નર્મદા તેની ભયજનક સપાટીથી સાત ફૂટ ઉપર
ઝઘડિયા તા.12 સપ્ટેમ્બર 2019 ગુરૂવાર
ઝઘડિયાની આસપાસના ગામોના ગણેશ મંડળોના ગણપતિ વિસર્જન કપરી પરિસ્થિતિમાં વિદાય કરવામાં આવ્યા હતા. ઝઘડિયા મઢી આશ્રમનો રસ્તો છેલ્લા ત્રણ દિવસથી પાણીમાં ગરકાવ થયો હોવાથી વિસર્જનના સ્થળ બદલવા પડયા હતા. લાડવાવાડ, કબીરવડ, ગુમાનદેવ ખાડી ખાતે આજુબાજુના ગામના ગણેશ વિસર્જન થયા હતા.
ઉપરવાશમાં ભારે વરસાદના પગલે નર્મદા તેની ભયજનક સપાટીથી સાત ફૂટ ઉપર વહી રહી હતી .તેવા સંજોગોમાં નર્મદા કિનારાઓ પાર ગણેશ વિસર્જન કરવું એ પડકારરૃપ હતું. ગત રોજ ઝઘડિયાની તથા આસપાસસના ગામોની પ્રતિમાઓ ઝઘડિયા મઢી જવાના રસ્તે મૂકી પૂજાપાઠ કરી પાણી ઉતાર્યા બાદ તંત્ર દ્વારા વિસર્જન કરવામાં આવશે તેવું નક્કી થયું હતું.
વહેલી સવારે તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે ઝઘડિયા અને આજુબાજુના ગામોની પ્રતિમાઓને ઝઘડિયાના લાડવાવાડ અને કબીરવડ કિનારાઓ પર વિસર્જન કરાવવું જેથી વહેલી સવારથીજ ગણેશ મંડળોના સંચાલકો અવઢવમાં મુકાયા હતા કે વિસર્જન ક્યાં કરવું ? ઝઘડિયા ટાઉન, મોટા સાંજા, રાણીપુરા, લિમોદ્રા, કરાડ, ગામોના મડળોએ ઝઘડિયાના લાડવાવાડ ખાતે અને કબીરવડ કિનારે વિસર્જન કર્યું હતું. ગોવાલી, મુલદ, નાના સાંજા, બોરીદ્રા, ખર્ચી, ફૂલવાડી વગેરે ગામના મડળોએ ગુમાનદેવ ખાડી ખાતે વિસર્જન કર્યું હતું.
લાડવાવાડ અને કબીરવડ જવાના રસ્તાઓ પર લિમોદ્રા ગામની સીમોમાં કેટલાક સ્થળોએ રોડ પરથી એક ફૂટ જેટલા પૂરના પાણી વહી રહ્યા હતા. આખી સીમમાં પાણીજ પાણી હતું ફક્ત નર્મદા સુધી પહોચવનો લાડવાવાડનો રસ્તો ખુલ્લો હોવાથીનર્મદામાં વિસર્જન કરી શકાયું હતું. ભક્તોએ ભારે હૈયે અને કપરી પરિસ્થિતિમાં વિસર્જન કર્યું હતું. શાંતિ પૂર્ણ રીતે વિસર્જનનો કાર્યક્રમ પૂર્ણ થાય તે માટે મામલતદારની ટીમ અને પોલીસ વિભાગ તથા હોમગાર્ડઝ તૈનાત કરી દેવાયા હતા .