ઝઘડિયાની મુખ્ય પોસ્ટ ઓફિસના કોમ્પ્યુટરનું સર્વર 11 દિવસથી ઠપ
-સર્વર સાથે સાંકળયેલી તાલુકાની 16 બ્રાન્ચ પોસ્ટ ઓફિસની કામગીરીને અસર
ઝઘડિયા તા.24 ડિસેમ્બર 2019 મંગળવાર
ઝઘડિયા ની મુખ્ય પોસ્ટ ઓફિસમાં કોમ્પ્યુટર સર્વર સિસ્ટમ છેલ્લા 11 દિવસથી બંધ રહેતા મુખ્ય પોસ્ટ ઓફિસને સંલગ્ન 16 બ્રાન્ચ પોસ્ટ ઓફિસની કામગીરીને અસર થતા ઝઘડિયા તાલુકાના હજારો પોસ્ટ ગ્રાહકો અને એજન્ટો એક અઠવાડિયાથી હાલાકીનો સામનો કરી રહ્યા છે. બેદરકારીના પગલે સર્વર સિસ્ટમ બંધ રહેતા પોસ્ટની નવ થી વધુ સેવાઓને અસર પહોંચી છે.
ઝઘડિયા તાલુકા મથકે ભારતીય પોસ્ટની મુખ્ય પોસ્ટ ઓફિસ આવેલી છે. છેલ્લા કેટલા દિવસોથી અવારનવાર સર્વર સિસ્ટમમાં સમસ્યા ઉભી થયા કરે છે. આવી સમસ્યાના કારણે તાલુકાભરની 16 બ્રાન્ચ પોસ્ટ ઓફિસને પણ અસર પહોંચે છે તેમ છતાં સર્વર સિસ્ટમ ખરાબ થયા કરવાના બાબતે કોઈ ઠોસ નિરાકરણ લાવવામાં આવતું નથી.
છેલ્લા 11 દિવસ થી ઝઘડિયા મુખ્ય પોસ્ટ ઓફિસના કમ્પ્યુટર સર્વર સિસ્ટમમાં ખરાબી ઊભી થઈ છે. 11 દિવસથી મુખ્ય સહીત બ્રાન્ચ પોસ્ટ ઓફિસો બંધ રહેતાં ગ્રાહકો ધરમધક્કા ખાઈને પાછા જાય છે. ગ્રાહકોને રોજ એકજ જવાબ સાંભળના મળે છે કે સર્વર ખરાબ થયું છે.
ઝઘડિયાની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે ઝઘડિયા જીઆઇડીસી, ઝઘડિયા કોર્ટ, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, નાયબ કલેક્ટર કચેરી ઉપરાંત હજારો ગ્રાહકોને ટપાલ, રજીસ્ટર એડી સહિત નાણાકીય રોકાણની યોજનાના અનેક કામગીરી છેલ્લા 11 દિવસથી ખોરંભે પડી છે.
ઝઘડિયા મુખ્ય પોસ્ટ ઓફિસનું કોમ્પ્યુટર સર્વર સિસ્ટમ ખરાબ થતા પોસ્ટ ની એનએસસી, કેવીપી, એમઆઈએસ, ટાઈમ ડિપોઝિટ,પીપીએફ, રજીસ્ટર એડી, રજીસ્ટર પાર્સલ, પીએલઆઈ, આરપીએલઆઇ જેવી મુખ્ય સેવાઓ બંધ છે. પોસ્ટ ઓફિસમાં ટપાલોના ઢગલા પડયા છે.
કોમ્પ્યુટર સર્વર સિસ્ટમ સાથે જોડાયેલી 16 જેટલી બ્રાન્ચ પોસ્ટ ઓફિસની કામગીરીને પણ અસર થતા ઝઘડિયા તાલુકાના હજારો પોસ્ટ ગ્રાહકો અને એજન્ટો બે અઠવાડિયાથી હાલાકીનો સામનો કરી રહ્યા છે. હાલ વિધવા સહાયના લાભાર્થીઓના ફોર્મ ભરવાની કાર્યવાહી થઈ રહી છે ત્યારે સરકારનો એવો અભિગમ છે કે વિધવા સહાયના લાભાર્થીઓ પોસ્ટ માં જ ખાતા ખોલાવે તેવો આગ્રહ કરવામાં આવ્યો છે.