ભરૂચ : નર્મદા નદીમાં ખૂંટાના મુદ્દે ભાડભુત માછી સમાજનું દહેજ રોડની ભુવા ચોકડી નજીક ચક્કાજામ
ભરૂચ, તા. 24 જુલાઇ 2019, બુધવાર
નર્મદા નદીમાં ખુટા મારી મચ્છીમારી કરવા સામે આવેદનપત્ર પાઠવ્યા બાદ આદિવાસી માછીમાર સમાજ દ્વારા આંદોલનને ઉગ્ર બનાવતા દહેજ રોડ પર ભુવા પાસે સંમેલન યોજી ચક્કાજામ કરતા વાહન ચાલકો અટવાયા હતા. પોલીસ કાફલાએ દોડી જઇ સમજાવટ થી મામલો થાળે પાડયો હતો. ૧૦ વર્ષથી ખૂંટા મારીને મચ્છી મારવાની પ્રવૃતિ સામે વિરોધ કરાયો છે છતાં તેનો કોઈ કાયમી ઉકેલ શોધાતો નથી.
નર્મદા નદીમાં મહેગામથી લઈ હાંસોટ તાલુકાના ગામોના લોકોએ નર્મદા નદીમાં ખૂંટા મારી મચ્છીમારી કરવા સામે આદિવાસી સમાજના માછીમારોએ જિલ્લા કલેકટરને આવેદન આપ્યુ હતુ.નર્મદા નદીમાં મારેલ ખૂંટાઓને કાયમી ધોરણે દૂર કરવાની માંગ કરી છે. અથવા આદિવાસી સમાજના માછીમારોને વૈકલ્પીક રોજગારી આપે તેવી પણ માંગ કરાઇ હતી.
ભરૂચ નર્મદા નદીમાં કેટલાક સ્થળે ગેરકાયદે રીતે ખૂંટા મારવા અંગે સ્થાનિક માછી સમાજના લોકોમાં રોષ ઉભો થયો છે. હાલ ચોમાસાની સીઝન ચાલી રહી હોય અને નદીના વહેણ વચ્ચે ખૂંટા મારી નુકસાન પહોંચાડવામાં આવતું હોય છે.
જે બાબતને લઇ માછીમારોમાં આક્રોશ ઉભો થયો છે. માછીમારો નદીમાં હોડી લઈ જાય તો ખૂંટાઓના કારણે હોડીઓ પલટી ખાઈ જાય છે. અને જાળ પણ ખૂંટાઓમા ંફસાઈ જાય છે. ચોમાસાની સીઝનમાં નર્મદાના કિનારાના ગામોમાં મહેગામ, મનાડ, કલાદરા, સુવા, વેંગણી, અંભેટા, કોલીયાદ, રહિયાદ, જાગેશ્વર સહિત હાંસોટ તાલુકાના કેટલાક ગામોના લોકો નર્મદા નદીમાં ખૂંટા ઉભા કરી મચ્છીમારી કરે છે.
ખૂંટા મારવાના કારણે નદીનો જળમાર્ગ બંધ થઈ જાય છે. હોડીઓની અવર જવર થઈ શકતી નથી. જેમાં આથક નુકશાનનથી સાથે સાથે જાનહાનિ પણ થાય છે. ખૂંટા મારવાના કારણે આદિવાસી માછીમારોએ પોતાની રોજગારી ગુમાવી છે. દહેજ પોલીસ મથકે પણ તાજેતરમાં આ અગે ફરિયાદ કરાઇ છે. પરંતુ તેનું કોઇ નિરાકરણ આવ્યુ ન હોવાથી ભાડભુત માછીસમાજના લોકોએ દહેજ રોડ પર ભુવા ચોકડી નજીક ભેગા થઈ એક સંમેલન યોજી દહેજથી ભરૂચને જોડતા માર્ગ ઉપર વાહનોને રોકી વિરોધ પ્રદશન કરતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી ગયો હતો . સમજાવટ બાદ આ મુદ્દે કાર્યવાહી કરવાની ખાતરી આપી મામલો થાળે પાડવાની તજવીજ હાથ ધરી હતી.