ભરૂચના દહેજ રોડ પર દહેગામ નજીક LPG ભરેલું ટેન્કર પલટી ખાધુ
ભરૂચ તા.30 જાન્યુઆરી 2020 ગુરૂવાર
ભરૂચના દહેજ રોડ પર દહેગામ પાસે LPG ભરેલ ટેન્કર અને રોડ સ્ટ્રેચર મશીન સાથે અથડાતા પલટી જતા ટેન્કરમાંથી ગેસ લીકેજ થતાં દોડધામ મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડે સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
ભરૂચના દહેજથી LPG ભરેલું ટેન્કર રાત્રીના સમયે ભરૂચ તરફ આવી રહ્યું હતું, તે દરમ્યાન દહેગામ નજીક માર્ગ પર ઉભેલ રોડ સ્ટ્રેચર મશીન સાથે ટેન્કર ધડાકાભેર ભટકાયું હતું. ટેન્કર અને સ્ટ્રેચર મશીન વચ્ચે અકસ્માતમાં ટેન્કર પલટી મારી ગયું હતું અને ટેન્કરમાંથી ગેસ લીકેજ થવા લાગ્યો હતો.
દહેગામ સહિતના આજુબાજુના વિસ્તારમાં લોકોની ભારે દોડધામ મચી જવા પામી હતી. દહેગામ રોડ પર સુરક્ષા અને સલામતીના ભાગરૂપે માર્ગ ઉપરના વાહન વ્યવહારને બંધ કરવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા જ ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવી ભારે જહેમત બાદ ટેન્કરમાંથી થતાં ગેસના લીકેજ પર કાબૂ મેળવતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સદનસીબે બનાવમાં કોઈ જાનહાની કે ઇજા થવા પામી ન હતી. અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની સાઈડ પર ખસેડી વાહન વ્યવહારને પૂર્વવત કરાવ્યો હતો.